________________
આપ્તવાણી-૬
૧૪૯
દાદાશ્રી : રાગ-દ્વેષથી આ સંસાર ઊભો થાય છે. આનું મૂળ જ રાગ-દ્વેષ છે. રાગ-દ્વેષ કેમ થાય છે ? ત્યારે કહે કે કોઈનામાં ડખલ કરી કે રાગ-દ્વેષ ઊભો થયો. એ ઘરમાંથી ચોરી ગયો હોય છતાંય તમે એને ચોર માનો, તો તમારો રાગ-દ્વેષ ઊભો થયો. કારણ કે ‘આ ચોર છે’ એવું તમે માનો છો અને એ તો લૌકિક જ્ઞાન છે. અલૌકિક જ્ઞાન તેવું નથી. અલૌકિકમાં તો એક જ શબ્દ કહે છે કે તે તારા જ કર્મનો ઉદય છે. એનો કર્મનો ઉદય અને તારા કર્મનો ઉદય, એ બે ભેગા થાય એટલે એ લઈ ગયો. તેમાં તું ફરી પાછો શા માટે અભિપ્રાય બાંધે છે કે આ ચોર છે ?
અમે તો તમને કહીએ ને કે, ચેતીને ચાલો, હડકાયેલું કૂતરું મહીં પેસી જાય છે એમ લાગે કે તરત ‘આપણું’ બારણું વાસી દો. પણ તેની પર તમે એમ કહો કે આ હડકાયેલું જ છે, તો એ અભિપ્રાય બાંધ્યો
કહેવાય.
પ્રશ્નકર્તા : અરે દાદા, કૂતરું પેસી જશે, માટે બારણું વાસવાને બદલે હું સામો જોર કરું અને બારણું બંધ કરતાંય બારણાનો ફજેતો કરું ને કૂતરાનોય ફજેતો કરું !
દાદાશ્રી : આ બધું લૌકિક જ્ઞાન છે. ભગવાનનું અલૌકિક જ્ઞાન તો શું કહે છે કે કોઈની ઉપર આરોપેય ના આપશો, કોઈની ઉ૫૨
અભિપ્રાય ના બાંધશો. કોઈના માટે કશો ભાવ જ ના કરશો. ‘જગત નિર્દોષ જ છે !’ એવું જાણશો તો છૂટશો. જગતના તમામ જીવો નિર્દોષ જ છે ને હું એકલો જ દોષિત છું, મારા જ દોષે કરીને બંધાયેલો છું, એવી દૃષ્ટિ થશે ત્યારે છૂટાશે.
ભગવાને જગત નિર્દોષ જોયું, મને પણ કોઈ દોષિત દેખાતું નથી. ફૂલહાર ચઢાવે તોય કોઈ દોષિત નથી ને ગાળો ભાંડે તોય કોઈ દોષિત નથી અને જગત નિર્દોષ જ છે. આ તો માયાવી દૃષ્ટિને લઈને બધા દોષિત દેખાય છે. આમાં ખાલી દૃષ્ટિનો જ દોષ છે.
દાનેશ્વરી માણસ દાન આપે છે તેને એ કહે, આ દાન આપે છે એ કેવા સરસ લોકો છે ?” ત્યારે ભગવાન કહે છે કે તું શું કરવા રાજી થાય છે ? એ એનાં કર્મના ઉદય ભોગવી રહ્યો છે. દાન લેનારાય એનાં
આપ્તવાણી-૬
કર્મના ઉદય ભોગવી રહ્યા છે. તું વચ્ચે વગર કામનો શું કરવા ભાંજગડ કરે છે ? ચોરી કરનારા ચોરી કરે છે, એય એનાં કર્મના ઉદય ભોગવી રહ્યા છે. જગત આખુંય પોતપોતાનાં કર્મને જ વેદે છે !
૧૫૦
અમે તમને જ્યારથી જોયા, જ્યારથી ઓળખ્યા, ત્યારથી અમારો તો કોઈ દિવસ અભિપ્રાય ના બદલાય. પછી તમે આમ ફરો કે તેમ ફરો, એ બધું તમારા કર્મના ઉદયને આધીન છે.
જ્યાં સુધી પોતાના દોષો દેખાતા નથી અને પારકાના જ દોષો દેખાયા કરે છે, એવી દૃષ્ટિ જ્યાં સુધી છે, ત્યાં સુધી સંસાર ઊભો રહેવાનો. અને જ્યારે પારકાના એકુય દોષ નહીં દેખાય અને પોતાના બધા જ દોષો દેખાશે, ત્યારે જાણવું કે મોક્ષે જવાની તૈયારી થઈ. બસ આટલો જ દૃષ્ટિફે૨ છે !
પારકા દોષ દેખાય છે એ જ આપણી જ દૃષ્ટિમાં ભૂલ છે. કારણ કે આ બધા જીવો કોઈ પોતાની સત્તાથી નથી, પરસત્તાથી છે. પોતાનાં કર્મના આધારે છે. નિરંતર કર્મોને ભોગવ્યા જ કરે છે ! એમાં કોઈ કોઈનો દોષ હોતો જ નથી. જેને આ સમજણ પડી તે મોક્ષે જશે. નહીં તો વકીલાત જેવી સમજણ પડી, તો અહીંનો અહીં જ રહેશે. અહીંનો ન્યાય તોલશે તો અહીંનો અહીં જ રહેશે.
܀܀܀܀܀