________________
સંસાર સ્વરૂપ : વૈરાગ્ય સ્વરૂપ
આપ્તવાણી-૨
સબ સબકી સમાલો આ તો ભારે ફસામણવાળું જગત છે, ને એમાં તલ ભારેય પોતાનું નથી. આપણું ઘર હોય તો તેનું ભાડું આપીએ તો પોતાનું, મારું ઘર થઇ જાય. આ ઘરમાં ચકલી રહેતી હોય તો શું એ જાણે કે આ ભાઇની માલિકીનું ઘર છે ? ના, એ તો પોતે રહી એટલે એની જ માલિકી જગ્યા. આ તો ઘરમાં ગિરોળી રહેતી હોય તો તેય જાણે કે મારી માલિકીની જગ્યામાં હું રહું છું. આ તો સૌ સૌની માલિકીનું જગત છે !
સંબંધમાં અહંકાર ના હોય તો તો પછી એ ચલાવી લેવા જેવો સંબંધ છે. તમે ક્યાં નથી જાણતા કે બાપને કેદમાં નાખીને રાજગાદીઓ લીધેલી !
આખું જગત ઘાણી સ્વરૂપ છે. પુરુષો બળદની જગ્યાએ છે ને સ્ત્રીઓ ઘાંચીની જગ્યાએ છે. પેલામાં ઘાંચી ગાય ને અહીં સ્ત્રી ગાય, ને બળદિયો આંખે દાબડા ઘાલીને તાનમાં ને તાનમાં ચાલે ! તે જાણે કે, કાશીએ પહોંચી ગયા હોઇશું !! તે દાબડા ખોલીને જુએ તો ભાઇ ઠેરના ઠેર !!! અને ઘાંચી પછી ખોળનું ટેકું બળદિયાને ખવડાવે એટલે બળદિયો ખુશ ! તેમ આમાં આ બૈરી હાંડવાનું ટેટું આપી દે એટલે ભાઇ નિરાંતે સૂઇ જાય !
દવાખાનામાં જાય ને તો એનો મોહ ઊતરી જાય. પણ એ લક્ષમાં નથી લેતો, નહીં તો અભાવ આવી જાય. આ એક મોઢા ઉપર ઢીમચું થયું હોય ને તોય જોવાનું ના ગમે. ફરવા જાય તોય કહેશે કે આ લોક જોશે તો કેવું દેખાશે ? આ બધી કેરીયું જ છે ને ? તે કરચલી પડ્યા પછી ગમે નહીં. આ માણસોને હું કેરીઓ કહું છું, કારણ કે જે સડી જાય, જેને કરચલી પડે એ બધી જ કેરીઓ ! આ કેરીઓ ને જે કરચલી ના પડતી હોય ને એવી ને એવી રહેતી હોય તો કામનું , પણ આ તો કેરીઓ લાવ્યા તે ઘડીથી કરચલી પડવા માંડે. આ કાકા-કાકી હોય તે લગ્ન કરી આવ્યાં ત્યારે કેવાં સુંદર દેખાતાં હતાં, ને હવે પૈડાં થયાં તે ઘણુંય ના ગમે પણ કરે શું ? આ તો ઇન્ડિયા છે ! કેરી તાજી હોય તો અંગોપાંગ સુંદર હોય. પણ કરચલી પડ્યા પછી કેવી દેખાય ? અબુધને એવી ચાલી જાય, પણ બુદ્ધિવાળાની શી દશા થાય ? આ તો નરી ફસામણ છે ! લગ્ન વખતે તો એને “એ” ગમે, પણ પછી કરચલી પડે તો ના ગમે, પણ આ તો ઇન્ડિયા છે તે નભાવવું પડે !
આ દેહનું કેવું છે ? નાનપણમાં જેટલી મજા આપતો હતો એટલો જ અત્યારે પૈડપણમાં પજવે. કહેવાય છું કે આ દેહ મારો પોતાનો, પણ પોતાનો થઇ ને પજવે. દાંતને રોજ અજવાળીએ, રોજ સુવાવડ કરાવીએ છતાં એ દુ:ખે ! આ આંખ પજવે, કાન પજવે, બધુંય પજવે. જે પોતાનું છે એ જ પજવે એવો આ સંસાર છે !
ભગવાને શું કહ્નાં કે, “સબ સબકી સમાલો, મેં મેરી ફોડતા હું !” એક ભૈયાઓનું ટોળું હતું. તે જાતે ખીચડી પકાવીને ખાય. આ બધા ભૈયાઓ એક મેદાનમાં ઊતરેલા. બધા સૌ સૌની ખીચડી ત્રણ પથરા મૂકીને હાંલ્લીમાં મૂકી. પછી બધા ગામમાં વેપાર કરવા ગયા. એક માણસને સાચવવા મૂકીને ગયા. પછી સાંજે પાછા આવ્યા. તેમાં એકને શું થયું કે, તેને પોતાની હાંલ્લી જડી જ નહીં. તેને ચિંતા થઇ કે, મારી પેલી કે પેલી ? આ ઝાડ નીચેની કે પેલા ઝાડ નીચેની ? ને પાછો તે વિચાર કરવા માંડ્યો કે, બીજાની લઇશ તો મને બધા ગાંડો કહેશે. એટલે એણે ઉપાય શોધી કાઢ્યો. એક મોટો પથરો લીધો અને મોટેથી બોલવા માંડ્યો, “મેં મેરી હાંલ્લી ફોડતા હું, સબ સબકી સમાલો’ તે તરત બધાએ પોત પોતાની હાંલ્લી પકડી લીધી અને પેલાને એની હાંલ્લી મળી ગઈ!
આ તો આપણી હાંલ્લી સમાલીને ચાલવા જેવું છે. આ તો મછવામાં ભેગું થયેલું માણસ, તે એ તો એનો કિનારો આવશે એટલે ઊતરી પડશે. અને આ કહેશે કે, “મને એના વગર નહીં ચાલે.” આવું ‘એના વગર ના ચાલે” એ કેમ ચાલશે ? આ તો ઋણાનુબંધ છે. આવું તે ક્યાં સુધી ચાલે ? આ શો ડખો ? નહીં લેવા, નહીં દેવા, ચપટીક ખાવું ને ગામ આખાનું માથે લઇને ફરવું ને પગ દુ:ખે તો કોઇ જોવાય આવે નહીં. એકલું જાતે જ પંપાળ પંપાળ કરવું પડે. શું તમે નહોતા જાણતા કે, આ બધી રીલેટિવ સગાઇ છે ? રીયલ હોય તો તો આપણે બધું જ કરી છૂટીએ. પણ આ તો રીલેટિવ સંબંધ તે ક્યારે ફ્રેકચર થઇ જાય. તેનું