________________
૪૦૧૨ તમે ‘સ્વ પરિણતિ' તરફ જઈ રહ્યા છો (મહાત્માઓને).
પહેલી ‘વસ્તુ’ની પ્રતીતિ બેસે ‘જ્ઞાની પુરુષ’ની કૃપાથી, પછી પ્રતીતિ આગળ વધતી વધતી સંપૂર્ણ દર્શનમાં પહોંચે. સંપૂર્ણ દર્શનમાં પહોંચે એવું આ ‘અક્રમ જ્ઞાન’ છે. ત્યાર પછી ‘સ્વપરિણતિ’ શરૂ થાય. ‘વસ્તુ’માં જ્યારે પુરુષાર્થ જાગે, ‘વસ્તુ’નો સ્વાભાવિક પુરુષાર્થ જાગે, ‘વસ્તુ’ સ્વરૂપે થાય, ત્યારે ‘સ્વપરિણતિ’ ઉત્પન્ન થાય ! સ્વ પરિણતી એ અલૌકિક વસ્તુ છે ! લૌકિકમાં જોવામાં કે સાંભળવામાં નથી આવે એવી આ વસ્તુ છે !!!
૪૦૧૩ લોકસારનો સાર શો ? ત્યારે કહે, તત્ત્વ. તત્ત્વસારનો સાર શો ? ત્યારે કહે, ‘જ્ઞાની’ની વાણી. ‘વીતરાગ વાણી' સિવાય અવર ન કોઈ ઉપાય.
૪૦૧૪ અનંત અવતારથી ‘અમે’ પૂર્ણ પુરુષોત્તમ ખોળતા હતા, તે આ અવતારમાં ‘અમારા' જ દેહમાં પ્રગટ થયા !!!
૪૦૧૫ આખું ‘વર્લ્ડ’ મારામાં છે અને હું ‘વર્લ્ડ’માં છું !
૪૦૧૬ આ બધું તમારું જ રૂપ છે, ધોલ મારનારો ય તમારું રૂપ છે ને ફૂલો ચઢાવનારો ય તમારું રૂપ છે. બધું એકનું એક જ રૂપ છે.
૪૦૧૭ સર્વાત્મામાં શુદ્ધાત્મા જોયા એટલે થઈ ગયો પરમાત્મા ! ૪૦૧૮ દેહમાં, મનમાં, વાણીમાં ‘હું’પણું રાખે છે, તેનાથી ભગવાન છેટા રહે છે અને ‘સ્વરૂપ’માં ‘હું’પણું રાખે છે, તેની સાથે અભેદ થઈ જાય છે ભગવાન !
૪૦૧૯ ‘ચંદુભાઈ’ બૂમાબૂમ કરે ત્યારે ‘તમારે' ‘ચંદુભાઈ’ને કહેવું, આમાં તમને શો ફાયદો ? અમારી જોડે એકાકાર થઈ જાઓને ! એમાં બહુ સુખ છે !! પાર વગરનું !!!” ‘આમને’
જુદાઈ છે માટે આપણે કહેવું પડે.
૪૦૨૦ શરીર બૂમ પાડે ત્યારે ‘તમારે’ ‘ચંદુભાઈ' જોડે અરીસામાં વાતચીત કરવી. ‘દેહનું ધ્યાન શું કામ રાખો છો ? દેહમાં આમ આમ થાય છે, તે છો ને થાય. ‘તમે’ ‘અમારી’ જોડે આવી જાઓને ટેબલ ઉપર ! ‘અમારી’ જોડે પાર વગરનું સુખ છે !!!’
૪૦૨૧ બુદ્ધિએ ભેદ દેખાડ્યા અને દિવ્યચક્ષુ અભેદ દેખાડે.
૪૦૨૨ આત્મા જ બધે દેખાય એટલે થઈ રહ્યું ! અન્ય દેખાતું બંધ થાય એટલે ‘અનન્ય' ઉત્પન્ન થાય !
૪૦૨૩ કોઈનું ય મન તમારાથી સહેજ પણ જુદું પડ્યું, તો તમે ‘કેવળ જ્ઞાન'થી જુદા પડ્યા ! ઓછામાં ઓછાં મન આપણાથી લોકોનાં જુદાં થવાં જોઈએ. નહીં તો ત્યાં સુધી ‘મુક્ત હાસ્ય’ આવશે નહીં ને ‘મુક્ત હાસ્ય' વગર જગત વશ થશે નહીં, ને ત્યાં સુધી જગતનું કલ્યાણ થાય નહીં.
૪૦૨૪ જગતકલ્યાણની તો આપણે ખાલી ભાવના જ કરવાની છે. પછી કાર્ય તો કુદરત કરશે.
૪૦૨૫ આપણું કલ્યાણ થઈ ગયું, હવે બીજાનું કલ્યાણ થાય એવી ભાવના રાખવી. એ જ આપણને સંપૂર્ણ-પૂર્ણ દશા ઉત્પન્ન
કરાવશે.
૪૦૨૬ ‘જ્ઞાન’ જો ‘જ્ઞાની’ એકલાં પાસે રહે તો જ્ઞાન રસાતાળ જાય. ‘જ્ઞાન’ તો પ્રગટ કરવું જ જોઈએ. અજવાળાનો દીવો કો'ક ફેરો ઉત્પન્ન થાય છે. ત્યાં સુધી ઘોર અંધારું રહે. આ તો સુરતના સ્ટેશને ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સ’ના આધારે કુદરતી રીતે ઉત્પન્ન થયું છે ! ધીસ ઈઝ બટ નેચરલ ! તો પછી એમાંથી જેટલાં દીવા કરવા હોય તેટલાં થાય.