________________
પાત્ર છે.
ગુસ્સો કરી લીધા પછી આપણો ખુલાસો એવો હોય છે કે મારે ગુસ્સો કરવો નહોતો, પણ ગુસ્સો થઈ ગયો. ગુસ્સો રસોઈની જેમ, થઈ જાય તેવી ચીજ નથી. અરે, રસોઈ પણે કરીએ તો જ થાય છે, એમને એમ નહીં. ગુસ્સો કરીએ છીએ તેવું આપણે માનતા નથી. ગુસ્સો થઈ જાય છે અથવા ગુસ્સો આવે છે. બારીમાંથી હવા આવે એ રીતે ગુસ્સો આવે છે ? વિચારજો.
સૂત્ર કહે છે કે : તમારા ગુસ્સા પર તમારો કાબૂ હોવો જોઈએ. ગુસ્સો કરવો કે નહીં તે તમારી લાગણી નક્કી કરી શકે તેવી રીતે કેળવણી આપો. નિરર્થક જનારો ગુસ્સો બહાર જ ન આવે તેવો આત્મસંયમ કેળવી લો. ગુસ્સો બહાર આવે તે વખતે પણ ગુસ્સા નામના આ તોફાની ઘોડાની લગામ કસીને તમારા હાથમાં રાખો. તમારા ઈશારા વિના ગુસ્સો આગળ ન વધે તે જરૂરી અને તમારા આદેશ મુજબ ગુસ્સો પાછો વળે તે અનિવાર્ય.
ગુસ્સો આવી જાય છે તેની ખબર પડતી નથી. ઝઘડો પૂરો થયા પછી સમજાય છે કે આ બધું મારા ગુસ્સામાં બની ગયું. ગુસ્સાની સવારી આવે તે તમને દેખાવી જોઈએ. તમે હાથ ઊંચો કરીને તેને પાછો કાઢવાની તાકાત કેળવો તો જ સુખી થઈ શકો.
આપણા ગુસ્સાને તટસ્થભાવે જોવાનું શીખીએ. ગુસ્સાનું કારણ ગમે તે હોય, એ ગુસ્સાને વ્યાજબી ઠેરવતું નથી. તમે સભાનતાપૂર્વક ગુસ્સાને સંભાળી શકો તે મહત્ત્વનું છે. એવું નથી કે ગુસ્સો ન જ કરવો. સારા
કારણ અને ઉમદા ભાવથી ગુસ્સો કરીએ તો નુકશાની નથી. સારા બની રહેવા અને સચ્ચાઈને જીવંત રાખવા માટે ગુસ્સો કરી શકાય. પ્રશસ્ત કષાય પરિહાર્ય નથી. તકલીફ એ છે કે આપણે દરેક વખતે ગુસ્સાને પ્રશસ્ત કષાયમાં ખતવી દઈએ છીએ. આ દંભ છે. તો ગુસ્સા પર કાબૂ નથી એ સરાસર લાચારી છે.
સૂત્રમાં બે શબ્દ છે : કોપ અને પ્રસાદ, કોપ એટલે ગુસ્સાની શરૂઆત. પ્રસાદ એટલે ગુસ્સાનું સમાપન. દરેક બાજીની શરૂઆત અને સમાપ્તિ મહત્ત્વની હોય છે. બંને પર કાબૂ રાખે તે જીતે છે. ગુસ્સાની બાબતમાં આપણે હારતા રહ્યા છીએ. કયારે ગુસ્સે કરવો તેની સૂઝ નથી. કેટલો ગુસ્સો કરવો તેનું મર્યાદાભાન નથી. ગુસ્સો સમેટવો શી રીતે તેની કળાથી અજાણ છીએ.
આત્મશક્તિ જગાડો. ગુસ્સાની ઉપર તમારું વર્ચસ્વ જમાવો. ગુસ્સાનાં કારણો સામે આવે ત્યારે વગર ગુસ્સે લડત આપવાની જાગૃતિ રાખો. ગુસ્સો કરીને જીતવા કરતાં, ગુસ્સો ન કરીને એકાદવાર હાર ખાઈ લો. ગુસ્સો રોકવા માટે થોડો ભોગ આપવાનું વચન જાતને આપો. તમે સારા માણસ છો. ગુસ્સાને જોવા માંડશો તો સહજ રીતે ગુસ્સાને ઠેકાણે પાડી શકશો. ભૂલ થઈ છે તે નહીં જોવાની. હવે દરેક વખતે ગુસ્સાને જોવાનું રાખો. ગુસ્સાનો આરંભ, મધ્યકાળ અને છેવટની ક્ષણો. તમે એ સમયકાળમાં કેવા બૂરા લાગો છો તે ય તદ્દન તટસ્થભાવે નિરખો. ધીમે ધીમે સુધારો આવશે. સુત્ર તમને ધન્યવાદ આપશે.
- ૩
-