________________
દશા-૨
|
૯
]
પ્રશ્ન- સ્થવિર ભગવંતોએ ક્યા એકવીશ શબલદોષ કયા કહ્યા છે? ઉત્તર- સ્થવિર ભગવંતોએ એકવીશ શબલદોષ આ પ્રમાણે કહ્યા છે, જેમકે–
(૧) હસ્તકર્મ કરવું (૨) મૈથુન સેવન કરવું (૩) રાત્રિભોજન કરવું (૪) આધાકર્મી આહાર વાપરવો (૫) રાજપિંડ વાપરવો (૬) સાધુના ઉદ્દેશથી બનાવેલો, સાધુ માટે ખરીદેલો, ઉધાર લાવેલો, ઝૂંટવીને લાવેલો, ભાગીદારની આજ્ઞા વિના લાવેલો, સાધુના સ્થાને સામે લાવેલો આહાર વાપરવો (૭) વારંવાર પ્રત્યાખ્યાનનો ભંગ કરવો (૮) છ મહિનાની અંદર એક ગણ-ગચ્છમાંથી બીજા ગચ્છમાં જવું (૯) એક મહિનાની અંદર ત્રણવાર ઉદક લેપ અર્થાત્ મોટી નદી પાર કરવી (૧૦) એક મહિનાની અંદર ત્રણવાર માયા કરવી. (૧૧) શય્યાતર-મકાનમાં રહેવાની આજ્ઞા આપનારના આહારાદિ વાપરવા (૧૨) જાણીજોઈને જીવ હિંસા કરવી (૧૩) જાણી જોઈને અસત્ય બોલવું (૧૪) જાણી જોઈને અદત્ત- નહીં આપેલી વસ્તુ ગ્રહણ કરવી (૧૫) જાણી જોઈને સચિત્ત પૃથ્વી પર સૂવું, બેસવું, (૧૬) જાણી જોઈને સચિત્ત જલથી સ્નિગ્ધ પૃથ્વી પર અને સચિત્ત રજથી યુક્ત પૃથ્વી પર રહેવું, સૂવું, બેસવું. (૧૭) જાણી જોઈને સચિત્ત શિલા પર, સચિત્ત પથ્થરના ઢગલા પર, ઘુણ-જીવો લાગેલા લાકડા પર તથા ઈડાયુક્ત, બેઇન્દ્રિયાદિ જીવયુક્ત, બીજયુક્ત, લીલાઘાસયુક્ત, ઝાકળ યુક્ત, પાણીયુક્ત, કીડીના દર યુક્ત, શેવાળયુક્ત, ભીની માટી પર તથા કરોળિયાના જાળા યુક્ત સ્થાન પર સ્વાધ્યાયાદિ કરવા રહેવું, સૂવું, બેસવું (૧૮) જાણી જોઈને મૂળ, કંદ, અંધ, છાલ, કૂંપળ, પત્ર, પુષ્પ, ફળ, બીજ અને લીલી વનસ્પતિનું ભોજન કરવું (૧૯) એક વર્ષની અંદર દશવાર ઉદકલેપ અર્થાત્ મોટી નદી પાર કરવી (૨૦) એક વર્ષમાં દશવાર માયાનું સેવન કરવું (૨૧) જાણી જોઈને ઠંડા-સચિત્ત પાણીથી ભીના હાથ, પાત્ર, ચમચા અથવા વાસણથી ભોજન, પાણી, મીઠાઈ, મુખવાસ ગ્રહણ કરી વાપરવા. ઉપરોક્ત એકવીશ શબલદોષ સ્થવિર ભગવંતોએ કહ્યા છે. વિવેચનઃ
પ્રસ્તુત દશામાં એકવીસ પ્રકારના શબલ દોષોનું વર્ણન છે. મૂળ ગુણ તથા મહાવ્રતોમાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચારરૂપ દોષોનું સેવન થાય, તે શબલ દોષ છે. ક્યારેક પ્રમાદથી દોષ સેવન થઈ જાય તો સાધકે તુરંત તેની શુદ્ધિ કરી લેવી જોઈએ. સમવાયાંગ સૂત્રમાં પણ ૨૧ પ્રકારના શબલ દોષ કહ્યા છે. નિશીથ સૂત્રમાં આ દોષોની શુદ્ધિ માટેના પ્રાયશ્ચિત્તનું વિધાન છે. સૂત્રકારે મુખ્ય ૨૧ શબલ દોષોનું કથન પ્રસ્તુત દશામાં કર્યું છે. (૧) હસ્તકર્મ :- હસ્ત કર્મ કરવા, કરાવવા, અનુમોદન કરવાથી શબલ દોષ લાગે છે. હસ્ત કર્મથી ચતુર્થ મહાવ્રત દૂષિત થાય છે. નિશીથ સૂત્ર, ઉદ્દેશક-૧, બૃહત્કલ્પ સૂત્ર, ઉદ્દે-૪ અને ઠાણાંગ સૂત્ર સ્થાન-પમાં તેના પ્રાયશ્ચિત્તનું વિધાન છે. (૨) મૈથુન સેવન – અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર રૂપથી મૈથુન સેવન કરવું, તે શબલ દોષ રૂપ છે. મૈથુન સેવનથી ચતુર્થ બ્રહ્મચર્ય મહાવ્રત દૂષિત થાય છે. નિશીથ સૂત્રમાં આ દોષનાં પ્રાયશ્ચિત્તનું વિધાન છે. (૩) રાત્રિભોજનઃ- સાધુ આજીવન રાત્રિભોજનના ત્યાગી હોય છે. રાત્રિભોજનનો ત્યાગ તે મૂળ ગુણ છે. દશવૈકાલિક સૂત્ર, બૃહક્કલ્પ સૂત્ર, નિશીથ સૂત્ર, ઠાણાંગ સૂત્ર વગેરેમાં ભિન્ન-ભિન્ન પ્રકારે તેના નિષેધનું કથન છે અને તેના પ્રાયશ્ચિત્તનું વિધાન બૃહત્કલ્પ, ઉદ્દે.–૫ તથા નિશીથ ઉદ્દે-૧૦માં છે. રાત્રિભોજનથી પહેલું મહાવ્રત દૂષિત થાય છે.