________________
પ્રાથના
| ર૨૯ ]
ઉદ્દેશક-૧ | પ્રાક્કથન છRORDRORROROR * આ ઉદ્દેશકમાં મુખ્યત્વે માયારહિત અને માયાસહિત આલોચના કરનારના પ્રાયશ્ચિત્તની તરતમતાના વિવિધ વિકલ્પોનું કથન છે. સાધુ પોતાના દોષોને અંશ માત્ર પણ છૂપાવ્યા વિના, માયા-કપટ કર્યા વિના, સરળ ભાવે આલોચના કરે, તો તેને પોતાના દોષ અનુસાર પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા-કપટ પૂર્વક આલોચના કરે, તો એક મહિનાનું અધિક પ્રાયશ્ચિત્ત આવે છે. ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં ઉત્કૃષ્ટ છ માસનું જ પ્રાયશ્ચિત્ત હોય છે. * ગચ્છના પ્રમુખ સાધુએ પ્રાયશ્ચિત્ત વહન કરનાર સાધુની વૈયાવચ્ચની વ્યવસ્થા કરવી જોઈએ. તેમજ પ્રાયશ્ચિત્ત વહનકાલમાં તે સાધુ અન્ય દોષ સેવન કરે, તો સર્વ અપરાધોનું સાથે પ્રાયશ્ચિત્ત આપવું જોઈએ. અર્થાત્ પૂર્વના પ્રાયશ્ચિત્તમાં બીજું પ્રાયશ્ચિત્ત સામિલ કરી દેવું જોઈએ. * અપારિવારિક સાધુ પારિવારિક સાધુ સાથે ગુરુની આજ્ઞા વિના કોઈ પણ વ્યવહાર રાખે નહીં, રાખે તો તે મર્યાદાનું ઉલ્લંઘન કરે છે. પારિહારિક સાધુ ગુરુ આજ્ઞાપૂર્વક પ્રાયશ્ચિત્ત રૂપ તપ વહન કરતાં-કરતાં અથવા તપને છોડીને અન્ય સાધુઓની સેવામાં જઈ શકે છે. તે અન્ય ક્ષેત્રમાં જાય ત્યારે કારણ વિના કોઈ પણ વિહારના ક્ષેત્રમાં વધારે રોકાઈ શકતા નથી. * ગણથી છૂટા પડીને એકલ વિહારચર્યા કરનારા આચાર્ય, ઉપાધ્યાય, ગણાવચ્છેદક કે સામાન્ય સાધુ ફરી ગણમાં આવવાની ઇચ્છા કરે, તો તેને એકલવિહારચર્યાનું પ્રાયશ્ચિત્ત આપીને ત્યાર પછી ગણમાં લઈ શકાય છે. ગણથી છૂટા પડેલા પાર્શ્વસ્થ, ઓસન્ન, યથાછંદ આદિ સાધુઓ પણ પુનઃ ગણમાં આવવા ઇચ્છે તો તેને પ્રાયશ્ચિત્ત રૂપ તપ કે દીક્ષા છેદ આપીને ત્યાર પછી જ ગણમાં સામિલ કરવામાં આવે છે. * વિશેષ પરિસ્થિતિ વશ સ્વલિંગ(વેશ)નો ત્યાગ કરીને અન્ય લિંગ ધારણ કરનાર વ્યક્તિને કેવળ આલોચના પ્રાયશ્ચિત્ત કરાવીને ગચ્છમાં સામિલ કરવામાં આવે છે. એકવાર સંયમનો ત્યાગ કરેલી વ્યક્તિને ફરી છેદોપસ્થાપનીય ચારિત્રનું આરોપણ કરાવીને ગણમાં લેવામાં આવે છે. આ રીતે આ ઉદ્દેશકમાં એકવાર ગચ્છનો ત્યાગ કરનાર સાધુને ફરી ગચ્છમાં લેવાની વિસ્તૃત વિધિનું વર્ણન છે. * આ ઉદ્દેશકના અંતમાં સાધુ જીવનના આવશ્યક કર્તવ્ય રૂપ આલોચના કરવા માટે સુયોગ્ય પાત્રનો ક્રમ સૂત્રકારે નિર્દિષ્ટ કર્યો છે. * આ રીતે સાધુએ પોતાના ચારિત્રની નિર્મળતા માટે દોષોની શુદ્ધિનું લક્ષ રાખવું જોઈએ.