________________
દ્વાદશાંગ પરિચય
૨૭૫ |
તે સંપૂર્ણ શ્રુતજ્ઞાન સંક્ષેપમાં ચાર પ્રકારે છે, જેમ કે- દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. (૧) દ્રવ્યથી શ્રુતજ્ઞાની- ઉપયોગ યુક્ત થઈને સર્વ દ્રવ્યોને જાણે છે અને દેખે છે. (૨) ક્ષેત્રથી શ્રુતજ્ઞાનીઉપયોગ યુક્ત થઈને સર્વ ક્ષેત્રને જાણે છે અને દેખે છે. (૩) કાળથી શ્રુતજ્ઞાની- ઉપયોગ સહિત સર્વ કાળને જાણે છે અને દેખે છે. (૪) ભાવથી શ્રતજ્ઞાની- ઉપયોગ સહિત સર્વ ભાવોને જાણે છે અને દેખે છે.
વિવેચન :
આ સૂત્રમાં સૂત્રકારે ગણિપિટકને નિત્ય સિદ્ધ કરેલ છે. જેવી રીતે પંચાસ્તિકાયનું અસ્તિત્વ ત્રણે ય કાળમાં રહે છે એ જ રીતે દ્વાદશાંગ ગણિપિટકનું અસ્તિત્વ પણ સદા સ્થાયી રહે છે, એટલા માટે સૂત્રકર્તાએ ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત અને નિત્ય એ પદોનો પ્રયોગ કરેલ છે. પંચાસ્તિકાય અને દ્વાદશાંગ ગણિપિટકની તુલના આ સાત પદો વડે કરેલ છે, જેમ કે– પંચાસ્તિકાય દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નિત્ય છે. એ જ રીતે ગણિપિટક પણ નિત્ય છે, વિશેષરૂપે એને નીચે પ્રમાણે જાણો.
(૧) ધ્રુવઃ- જેમ મેરુ પર્વત સદાકાળ ધ્રુવ અને અચલ છે, એ જ રીતે ગણિપિટક પણ ધ્રુવ છે. (૨) નિયત – સદા સર્વદા જીવાદિ નવતત્ત્વના પ્રતિપાદક હોવાથી ગણિપિટક નિયત છે. (૩) શાશ્વતઃ– તેનું વર્ણન સદાકાળથી ચાલી રહ્યું છે માટે ગણિપિટક શાશ્વત છે. (૪) અક્ષય – જેવી રીતે ગંગા આદિ મહાનદીઓ નિરંતર પ્રવાહિત હોવા છતાં તેનો મૂળ સોત અક્ષય છે એ જ રીતે જિજ્ઞાસુ શિષ્યો ઉપર દ્વાદશાંગ શ્રુતજ્ઞાન ગંગાનો પ્રવાહ વાચના રૂપે નિરંતર પ્રવાહિત હોવા છતાં ક્યારે ય તેનો ક્ષય થતો નથી, માટે અક્ષય છે.
(૫) અવ્યય :- માનુષોત્તર પર્વતની બહાર જેટલા પણ સમુદ્ર છે એ બધા અવ્યય છે અર્થાતુ એમાં જૂનાધિકતા થતી નથી. એ જ રીતે ગણિપિટક પણ અવ્યય છે.
() અવસ્થિત :- જેમ જંબૂદ્વીપ આદિ મહાદ્વીપ પોતાના પ્રમાણમાં અવસ્થિત છે એમ જ બાર અંગસૂત્ર પણ અવસ્થિત છે.
(૭) નિત્ય – જેવી રીતે આકાશાદિ દ્રવ્ય નિત્ય છે એ જ રીતે દ્વાદશાંગ ગણિપિટક પણ નિત્ય છે.
શ્રુતજ્ઞાન અભ્યાસ અને ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે અથવા ક્યારેક કેવળ ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. લોકમાં આ શ્રુતજ્ઞાન જ્ઞાનભાવની દષ્ટિએ શાશ્વત છે જ. ક્યારેક સાધકને પોતાના ક્ષયોપશમથી અવધિજ્ઞાનની જેમ પ્રાપ્ત થાય છે અને ક્યારેક અધ્યયન શીખવાથી અથવા સ્વાધ્યાયથી પણ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે લોકમાં આ દ્વાદશાંગી જ્ઞાન સ્વ સ્વરૂપમાં હોય છે માટે શાશ્વત કહેલ છે.
આ દરેક પદો દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ દ્વાદશાંગ ગણિપિટક અને પંચાસ્તિકાય વિષે કહેલ છે. પર્યાયાર્થિક નયની અપેક્ષાએ ગણિપિટકનું વર્ણન સાદિ–સાંત વગેરે વિકલ્પો શ્રુતમાં જ બતાવી દીધા છે.