________________
શ્રી નંદી સૂત્ર
કૃત્રિમ આંબળા બનાવીને તેને આપ્યા. તેનો રૂપ−રંગ, આકાર-પ્રકાર અને વજન બરાબર આંબળા સમાન જ હતા. આંબળા હાથમાં લઈને પેલો માણસ વિચારવા લાગ્યો– આ આકૃતિમાં તો આંબળા જેવા જ છે પરંતુ આ બહુ જ કઠણ છે અને અત્યારે ઋતુ પણ આંબળાની નથી. આ રીતે કૃત્રિમ આંબળાને તેણે પોતાની પારિણામિકી બુદ્ધિ વડે જાણી લીધાં.
૧૭૦
(૧૮) નળ :- કોઈ એક જંગલમાં એક મોટો સર્પ રહેતો હતો. તેના મસ્તક પર મણિ હતો. તે સર્પ રાત્રિના વૃક્ષ પર ચડીને પક્ષીઓના બચ્ચાંને ખાઈ જતો હતો. એક વાર તે પોતાના વજનદાર શરીરને સંભાળી ન શક્યો એટલે વૃક્ષ પરથી નીચે પડી ગયો અને પડતી વખતે તેના મસ્તકનો મણિ તે વૃક્ષની ડાળીમાં ફસાઈ ગયો. તે વૃક્ષની નીચે એક કૂવો હતો. ઉપર રહેલ મણિનો પ્રકાશ તેમાં પડવાથી તે કૂવાનું પાણી લાલ રંગનું દેખાવા લાગ્યું.
પ્રાતઃકાળે એક બાળક રમતો રમતો કૂવાના કાંઠા પર આવ્યો. કૂવાનું લાલ રંગ જેવું ચમકતું પાણી જોઈને દોડતો દોડતો તે પોતાના ઘરે ગયો. ત્યાં જઈને તે પોતાના પિતાને બોલાવી લાવ્યો. તેના વૃદ્ધ પિતા ત્યાં આવ્યા. તેણે કૂવાનું પાણી જોયું તો ખરેખર આશ્ચર્ય થયું. જે સ્થાનેથી પાણીમાં પ્રતિબિંબ પડતું હતું તે સ્વાન તેણે શોધી કાઢ્યું અને વૃક્ષની ડાળી પર ચડીને તેણે મણિને ગોતી લીધો. મણિ મેળવીને અત્યંત પ્રસન્ન થતાં થતાં પિતા અને પુત્ર પોતાના ઘરે ચાલ્યા ગયા. બાળકના પિતાની પારિણામિકી બુદ્ધિનું આ ઉદાહરણ છે.
(૧૯) સર્પ :- ભગવાન મહાવીરે દીક્ષા લઈને પ્રથમ ચાતુર્માસ અસ્થિ ગામમાં કર્યું. ચાતુર્માસ બાદ વિહાર કરીને ભગવાન શ્વેતાંબિકા નગરી તરફ જઈ રહ્યાં હતાં. થોડાક દૂર ગયા ત્યાં તેઓશ્રીને ગોવાળીયાએ પ્રાર્થના કરી, "ભગવન્ ! શ્વેતાંબિકા નગર જવા માટે ખરેખર આ રસ્તો ટૂંકો થાય પરંતુ આ માર્ગમાં એક દૃષ્ટિવિષ સર્પ રહે છે. તે બધાને પરેશાન કરે છે. જેથી આ માર્ગ પર કોઈ પણ પ્રાણીઓ જતાં નથી. પ્રભુ ! આપ પણ શ્વેતાંબિકા નગર જવા માટે બીજો માર્ગ ગ્રહણ કરો." ભગવાને ગોવાળિયાની વાત સાંભળી લીધી પણ તે સર્પને પ્રતિબોધ દેવાની ભાવનાથી પ્રભુ એ જ માર્ગ પર આગળ વધ્યા.
ચાલતાં ચાલતાં તેઓશ્રી વિષધર સર્પના રાડા સુધી પહોંચી ગયા અને ત્યાં જ કાર્યોત્સર્ગમાં સ્થિર બની ગયાં. થોડી ક્ષણોમાં જ નાગ બહાર આવ્યો અને પોતાના રાફડાની સમીપ જ એક વ્યક્તિને ઊભેલી જોઈને તે ક્રોધિત થયો. તેણે પોતાની વિષમય દષ્ટિ ભગવાન પર ફેંકી પરંતુ તેમના શરીર પર કોઈ અસર ન થઈ. એ જોઈને સર્પે ક્રોધનું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. સૂર્યની સામે જોઈને બીજીવાર વિષમય દૃષ્ટિ ભગવાન પર ફેંકી, તેની પણ ભગવાન પર કાંઈ અસર ન થઈ. એટલે તે દોડતો દોડતો ભગવાનની પાસે ગયો અને તેમના જમણા પગના અંગૂઠામાં જોરથી ડંસ દીધો. તો પણ ભગવાન પોતાના ધ્યાનમાં તલ્લીન રહ્યાં, લેશમાત્ર પણ ડગ્યા નહીં. અંગૂઠાના લોહીનો સ્વાદ સર્પને કોઈ વિલક્ષણ જ પ્રતીત થયો. નાગ વિચારવા લાગ્યો– આ કોઈ સામાન્ય માણસ નથી પણ અલૌકિક પુરુષ લાગે છે. એવું વિચારતાં જ સર્પનો ક્રોધ શાંત થઈ ગયો અને તે કારુણ્ય દષ્ટિથી ભગવાનના સૌમ્ય મુખ મંડળને જોવા લાગ્યો. એ જ સમયે પ્રભુએ ધ્યાન પૂર્ણ કર્યું.