________________
મતિજ્ઞાન
[ ૧૩૧]
વાંસળી માંહેના ખોટા રૂપિયા વિષેની વાત કરી.
ન્યાયાધીશે તેને પૂછ્યું-તારી વાંસળીમાં કેટલા રૂપિયા હતા. તેણે કહ્યું એક હજાર હતાં. ન્યાયાધીશે ખોટા રૂપિયા તેમાંથી કાઢીને સાચા રૂપિયા ભર્યા પણ પાંચ દસ રૂપિયા વાંસળીમાં સમાયા નહીં કેમ કે વાંસળીને કાપીને સિલાઈ કરી હતી. તે જોઈને ન્યાયાધીશે અનુમાન કર્યું કે ખરેખર શાહૂકારે આ વાંસળી કાપીને સાચા રૂપિયા લઈને ખોટા ભરી દીધા છે. પછી ન્યાયાધીશે શાહુકારને બોલાવીને કહ્યું- આ માણસના તે હજાર રૂપિયા લઈ લીધા છે તે પાછા દઈ દે નહીંતર તને દંડ દેવામાં આવશે. શાહુકારે દંડથી ડરીને એક હજાર રૂપિયા વાંસળીના માલિકને આપી દીધા. આ છે ન્યાયાધીશની ઔત્પાતિકી બુદ્ધિનું ઉદાહરણ.
(ર૧) નાણક – એક માણસે એક શેઠને ત્યાં એક હજાર સુવર્ણમહોરોની ભરેલી થેલી અંકિત કરીને થાપણ રૂપે રાખીને તે દેશાંતર ગયો. થોડો સમય વીત્યા બાદ શેઠે તે થેલીમાંથી સોનાની મહોરો કાઢી લીધી અને તેમાં નકલી મહોરો ભરીને થેલીને સીવી લીધી. કેટલાક વર્ષો પછી થેલીનો માલિક શેઠની પાસે આવ્યો. તેણે પોતાની થેલી માંગી. શેઠે તેના નામવાળી થેલી તેને આપી. તે પોતાની થેલી લઈને ઘેર ગયો. ઘેર જઈને મહોરોની તપાસ કરી તો અસલી મહોરોને બદલે નકલી મહોરો નીકળી. તરત જ તે શેઠની પાસે ગયો અને કહ્યું – શેઠજી! આ થેલીમાં મારી અસલી મહોરોને બદલે નકલી મહોરો છે. શેઠે કહ્યું– હું અસલી નકલી કંઈ જાણતો નથી. મેં તો તમારી થેલી જેવી હતી એવી પાછી આપી છે. તેની અસલી સોનામહોર નહીં મળતા તે ન્યાયાલયમાં ગયો.
ન્યાયાધીશને તેણે પોતાની થેલી વિષે વાત કરી. ન્યાયાધીશે શેઠને તથા થેલીના માલિકને બોલાવ્યા. ન્યાયાધીશે થેલીના માલિકને પૂછ્યું– તમે કેટલા વર્ષ પહેલા શેઠને ત્યાં થેલી રાખી હતી? તેણે પોતાનાં વર્ષ અને દિવસો બતાવી દીધા. મહોરોની તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે તે મહોરો તો નવી તાજેતરમાં બની હતી. ન્યાયાધીશે સમજી લીધું કે મહોરો બદલાઈ ગયેલ છે. તેઓએ શેઠને બોલાવીને કહ્યું– શેઠજી ! આ મહોરો ખરેખર તમારે ત્યાં બદલાઈ ગઈ છે માટે સાચી મહોરો તેને આપી દો, નહીંતર તમને દંડ દેવામાં આવશે. શેઠે પેલા માણસની સાચી મહોર પાછી આપી દીધી. આ છે ન્યાયાધીશની ઔત્પાતિકી બુદ્ધિનું ઉદાહરણ.
(૨૨) સોનામહોર - કોઈ એક માણસ એક સંન્યાસીને ત્યાં એક હજાર સોનામહોરની થાપણ રાખીને વિદેશ ગયો. થોડા સમય બાદ પોતાના ઘરે આવીને પછી તે સંન્યાસી પાસે પોતાની થાપણ લેવા ગયો. પેલો સંન્યાસી આજે દઈશ, કાલે દઈશ એમ કહેતો, પણ તેની થાપણ આપતો નહીં. પેલો માણસ ચિંતામાં રહેતો કે આ સંન્યાસી પાસેથી મારી થાપણ કેવી રીતે કઢાવવી.
સંયોગવશ એક દિવસ તેને એક જુગારી મળ્યો. વાતચીત કરતાં કરતાં તેણે પોતાની સોનામહોર વિષે વાત કરી. જુગારીએ કહ્યું- હું તમારી સોનામહોર તેની પાસેથી કઢાવી આપીશ. પછી તે કંઈક સંકેત કરીને ચાલ્યો ગયો. બીજા દિવસે જુગારી ગેરૂ રંગના કપડા પહેરીને સંન્યાસીનો વેશ ધારણ કરીને પેલા