________________
મતિજ્ઞાન
| ૧૨૩ ]
પુત્ર છું. રાજાએ પૂછ્યું કેવી રીતે? ત્યારે અભયકુમારે બધો વૃત્તાંત કહી સંભળાવ્યો. એ સાંભળીને રાજા અત્યંત ખુશ થયા. તરત જ તેણે પોતાના પુત્રને વાત્સલ્ય આપીને મસ્તક પર હાથ ફેરવ્યો અને પૂછ્યુંબેટા ! તારી માતા ક્યાં છે? પુત્રે કહ્યું તે નગરની બહાર મારા સાથીઓ સાથે છે.
અભયકુમારની વાત સાંભળીને રાજા ખુદ પોતાના પરિજનોની સાથે રાણી નંદાને લેવા માટે ગયા. રાજા પહોંચે તેની પહેલા અભયકુમારે સંપૂર્ણ વૃત્તાંત માતાને કહી સંભળાવ્યો અને એમ પણ કહ્યુંરાજાજી ખુદ આપને રાજમહેલમાં લેવા માટે પધારે છે. એ સમાચાર સાંભળીને રાણી નંદા ખૂબ જ હર્ષઘેલી બની ગઈ. એટલામાં મહારાજા શ્રેણિક ત્યાં આવી પહોંચ્યા. સમગ્ર જનતા રાણીના દર્શન કરીને હર્ષવિભોર બની ગઈ. રાજાજી રાણીને ઉત્સાહ અને સમારોહપૂર્વક અર્થાત્ વાજતે ગાજતે રાજમહેલમાં લઈ ગયા. રાજાએ ઔત્પાતિકી બુદ્ધિના ધણી પોતાના પુત્ર અભયકુમારને મંત્રીપદે સ્થાપિત કર્યો, પછી લોકો આનંદ પૂર્વક દિવસો વ્યતીત કરવા લાગ્યા.
(૫) પટઃ- એક સમયની વાત છે. બે વ્યક્તિ કોઈ સ્થળે જઈ રહી હતી. રસ્તામાં એક સુંદર મોટું સરોવર આવ્યું. તેનું ઠંડુ પાણી જોઈને તેઓને સરોવરમાં સ્નાન કરવાનું મન થયું. બન્નેએ પોતપોતાનાં વસ્ત્રો ઉતારીને સરોવરના કાંઠે રાખી દીધા. પછી સ્નાન કરવા માટે સરોવરમાં ગયા. સરોવરમાં સ્નાન કરીને એક માણસ જલ્દી બહાર આવી ગયો. તે પોતાના સાથીની ઉનની કાંબળી ઓઢીને ચાલતો થયો. જ્યારે બીજા માણસે આ દશ્ય જોયું ત્યારે તેણે જોરથી કહ્યું– અરે ! તું મારી કાંબળી લઈને કેમ લાગે છે? પણ પેલાએ કાંઈ જવાબ ન આપ્યો.
કાંબળીનો માલિક સરોવરની બહાર નીકળીને જલ્દી તેની પાછળ દોડ્યો અને કહ્યું – ભાઈ ! મારી કાંબળી તું મને આપી દે પણ પેલાએ કાંબળી આપી નહીં તેથી પરસ્પર ઝગડો વધી ગયો. અંતે તે ઝગડો ન્યાયાલયમાં ગયો. બન્નેએ પોતપોતાની કાંબળી માટેની વાત કરી. કાંબળી પર કોઈનું નામ ન હતું તેમજ કોઈ સાક્ષી ન હોવાથી ન્યાયાધીશની સમજમાં આવ્યું નહીં કે આ કાંબળી કોની છે.
થોડીવાર વિચારીને ઔત્પાતિકી બુદ્ધિના ધારક એવા ન્યાયાધીશે બે કાંગસી(કાંસકી) મંગાવી. પછી બન્નેના માથાના વાળ માણસો દ્વારા ઓળાવ્યા. એકના માથામાંથી ઉનના રૂંછડા નીકળ્યા. બીજાના મસ્તકમાંથી સૂતરના તંતુ નીકળ્યા. ન્યાયાધીશે જેના મસ્તકમાંથી ઉનના રૂંછડા નીકળ્યા તેને ઉનની કાંબળી આપી દીધી અને જે માણસ ઉનની કાંબળી લઈ ગયો હતો તેને દંડ આપ્યો.
() સરટ(કાકીડો) – એકવાર એક માણસ જંગલમાં જઈ રહ્યો હતો. રસ્તામાં તેને શૌચ જવાની હાજત થઈ. તે ઉતાવળમાં કોઈ એક બિલના મુખ પર બેસી ગયો. અકસ્માત ત્યાં એક કાકીડો આવ્યો, તેણે પોતાની પૂંછડી વડે પેલા માણસના ગુદાના ભાગનો સ્પર્શ કર્યો, પછી તરત જ તે બિલમાં ઘૂસી ગયો. શૌચ બેઠેલા માણસના મનમાં એવો વહેમ પડ્યો કે કાકીડો અધોમાર્ગથી મારા શરીરમાં પ્રવેશ કરી ગયો છે. એ ચિંતામાં તે દિન-પ્રતિદિન દૂબળો થવા લાગ્યો. તેણે બહુ જ ઉપચારો કરાવ્યા પણ બધા નિષ્ફળ ગયા.