________________
આ રીતે સંસ્કૃત, હિન્દી, ગુજરાતી અને ઈંગ્લીશ ભાષામાં તેના અનેક સંસ્કરણો તૈયાર થયા છે. આ જ કડીમાં ગુઢપ્રાણ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા મૂળ ગાથા, સંસ્કૃત છાયા, શબ્દાર્થ, ભાવાર્થ, વિવેચન તેમજ કેટલાક ઉપયોગી પરિશિષ્ટ સહિત પ્રસ્તુત દશવૈકાલિક સૂત્રને પ્રકાશિત કરતાં અમો ધન્યતા અનુભવીએ છીએ.
વાચકો ગ્રંથના ભાવોને સરળતાથી સમજી શકે તેવા લક્ષ્યપૂર્વક, પૂર્વાચાર્યોના ઉપલબ્ધ પ્રકાશિત અનેક આગમોના આધારે, આ સંસ્કરણ તૈયાર કરવામાં આવ્યું છે. પ્રસ્તુત સંસ્કરણ અને આભાર દર્શન :
પૂજ્ય વંદનીય સૌરાષ્ટ્ર કેસરી ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મહારાજ સા. તપોધની પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મહારાજ સા. તથા સિદ્ધાંત વારિધિ ગુણી પૂ. ઉજમબાઈ મહાસતીજીની કૃપા બળે શ્રી દશવૈકાલિક સૂત્રનો ગુજરાતી અનુવાદ લખવાની પરમપળ મને પ્રાપ્ત થયેલ છે, તે બદલ હું મમ ગુસ્વર્યોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું.
પરમ ઉપકારી પૂ. ગુરુદેવે મારામાં વૈરાગ્યના બીજ રોપ્યા સંલેખનાધારી પૂ. જગજીવનજી મહારાજ સા. તથા અધ્યાત્મ યોગિની પૂ. પ્રભાબાઈ મહાસતીજીએ સંવત્ ૨૦૦૩ના વડીયા ચાતુર્માસમાં મારા વૈરાગ્યને વેગ આપ્યો. જેનાથી આજે હું સંયમની સુંદર સાધના કરી રહી છું. પૂ. ગુરુદેવે વિશાળ જ્ઞાન દ્વારા પોતાની આત્મિક વિરાટતાનું દર્શન વિશ્વને કરાવ્યું છે. તેમની આ મહાનતાને મારી બુદ્ધિની ફૂટપટ્ટીથી માપવાનું કે માત્ર બહારના સૌંદર્યને જ જોઈ શકનારી ચામડાની આંખથી નિહાળવાનું શક્ય જ નથી. આગિયો સૂર્યની ઓળખ શું આપી શકે? ગાગર સાગરનું વર્ણન શું કરી શકે ? નાનકડી ઝૂંપડી વિરાટ આકાશની પ્રશસ્તિ શું રચી શકે?
તેમના જીવનની એક એક પળ સાધનાનો અમૃતકુંભ હતી તો જીવનનો એક એક પ્રસંગ પ્રેરણાનો મહાધોધ હતો. મેરુ પર્વતની ઉત્તુંગતા, સાગરની ગંભીરતા સૂર્યની તેજસ્વિતા, આકાશની વિરાટતા અને સિંહની શૂરવીરતાનો સંગમ પૂજ્યશ્રીમાં આબેહૂબ જોવા મળતો. પૂ. શ્રીની ગુણગંગાના અમૃતનું યત્કિંચિત્ આચમન કરીએ તો જીવન પણ ધન્ય બની જાય. આવા મહાન ગુરુની કૃપાથી આ કાર્ય કરવાનું બળ મને મળ્યું છે.