________________
⭑
★
★
★
*
★
★
*
૧૫૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
ઓગણત્રીસમું અધ્યયન
પરિચય
*********
આ અધ્યયનનું નામ ‘સમ્યક્ પરાક્રમ’ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ રૂપ મોક્ષ માર્ગ માટેના પુરુષાર્થને સમ્યક્ પરાક્રમ કહે છે. આ અધ્યયનમાં ૭૩ અનુષ્ઠાનોના પરિણામને પ્રદર્શિત કરીને સાધકોને સમ્યક્ પરાક્રમ માટે પ્રેરિત કર્યા છે, તેથી તેનું સાર્થક નામ સમ્યક્ પરાક્રમ છે.
આ અધ્યયનમાં ૭૩ સૂત્રો છે. સંપૂર્ણ અધ્યયનમાં સાધકની સાધનાના પ્રારંભથી પૂર્ણતા સુધીના માર્ગનું સ્પષ્ટીકરણ છે.
પ્રશ્ન થાય કે સાધનાનો પ્રારંભ કયાંથી કરવો ? સંવેગથી ? ધર્મ શ્રદ્ધાથી ? કે સંયમથી ? સૂત્રકારે સ્પષ્ટ કર્યું છે કે સાધક પોતાની યોગ્યતા પ્રમાણે આ અધ્યયનમાં કથિત કોઈપણ અનુષ્ઠાનોમાં સમ્યક્ પરાક્રમ કરે તો તે સાધ્યની સિદ્ધિ કરી શકે છે. આ રીતે પ્રત્યેક બોલ સ્વતંત્ર છે, તેનું પરિણામ ભિન્ન-ભિન્ન છે તેમ છતાં પ્રત્યેક બોલનું અનુસંધાન આત્મશુદ્ધિ સાથે થાય છે. આ નાના-નાના સૂત્રોમાં સૂક્ષ્મ અને ગંભીર ચર્ચા સાથે અધ્યાત્મભાવોના પરિણામોને ઊંડાણપૂર્વક પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
સમ્યક્ પરાક્રમના ૭૩ બોલમાં મોક્ષમાર્ગના ચારે અંગ જ્ઞાન, દર્શન, ચારિત્ર તપ સાથેનો સંબંધ આ પ્રમાણે છે– સ્વાધ્યાય, વાચના, પ્રતિપૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા, શ્રુત આરાધના અને જ્ઞાન સંપન્નતા વગેરે બોલ જ્ઞાન સાથે સંબંધિત છે.
સંવેગ, ધર્મશ્રદ્ધા, ચતુર્વિશતિસ્તવ, સ્તવ સ્તુતિ મંગલ વગેરે બોલ દર્શન સાથે સંબંધિત છે. સામાયિક, સંયમ, વિવિક્તશયનાસન-સેવન, સંભોગ પ્રત્યાખ્યાન આદિ વિવિધ પ્રકારના પ્રત્યાખ્યાનો; ક્ષમા, નિર્લોભતા આદિ યતિધર્મો; મનગુપ્તિ આદિ ગુપ્તિઓ; ત્રણે ય યોગની સમધારણા; ઇન્દ્રિયોનો નિગ્રહ આદિ બોલ ચારિત્ર સાથે સંબંધિત છે.
ગુરુ-સાધર્મિકની શુશ્રુષા, તપ, કાઉસગ્ગ, પ્રત્યાખ્યાન, પ્રાયશ્ચિત્ત, આહાર પ્રત્યાખ્યાન, ભક્ત પ્રત્યાખ્યાન, વૈયાવૃત્ય વગેરે બોલ તપ સાથે સંબંધિત છે.
વ્યવદાન(વોદાણ), એકાગ્ર મન સન્નિવેશતા, શૈલેશી અવસ્થા, અકર્મતા આદિ બારમા વ્યુત્સર્ગ તપની વિશિષ્ટ સ્થિતિઓ છે.
અધ્યયનના અન્તે યોગ નિરોધરૂપે શૈલેશી અવસ્થા અને મુક્ત જીવોની ગતિ, સ્થિતિ આદિનું નિરૂપણ છે. સમ્યક્ પરાક્રમના બોલોનું પૂર્ણ શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિપૂર્વક પાલન કરવાથી, તેને ઊંડાણપૂર્વક જાણવાથી, તેનું ગુણકીર્તન કરવાથી, તેનું શોધન કરી આરાધના કરવાથી અને ભગવાનની આજ્ઞા અનુસાર અનુપાલન કરવાથી સાધક મુક્તિના શિખર પર પહોંચી શકે છે, તેમાં કોઈ સંદેહ નથી.
܀܀܀܀܀