________________
| અધ્યયન-૨૦:મહાનિગ્રંથીય.
૪૯૭.
ભાવાર્થ – અનાથી મુનિ સાધુના ૨૦ ગુણોથી સમૃદ્ધ, ત્રણ ગુપ્તિથી ગુસ, ત્રણ દંડથી વિરત, મોહમુક્ત થઈને આ વસુંધરામાં પક્ષીની જેમ અપ્રતિબદ્ધ થઇને સંયમમાં વિચરણ કરવા લાગ્યા.
– એમ ભગવાને કહ્યું છે.
વિવેચન :
મહાનિગ્રંથ મુનિની વિશેષતાઓ :- પ્રસ્તુત ગાથામાં અધ્યયનનો ઉપસંહાર કરતાં મહાનિગ્રંથમુનિની વિશેષતાઓ પ્રદર્શિત કરી છે (૧) સાધુના ૨૭ ગુણોથી અથવા ક્ષમાદિ ગુણોથી સંપન્ન. (૨) મન, વચન અને કાયાનું ગોપન કરનાર. (૩) મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિઓથી નિવૃત્ત. (૪) પક્ષીવત્ દરેક પ્રકારનાં બંધનોથી રહિત અર્થાતુ દ્રવ્યભાવ પરિગ્રહથી રહિત (૫) મોહમુક્ત અથવા કેવળી કે વીતરાગી. ઉપસંહાર :- અનંત સંસારમાં પરિભ્રમણ કરનારા અજ્ઞાની પ્રાણીઓ અનાથ છે. ધર્મને સમજી, સંયમનો
સ્વીકાર કરનાર પોતાના અને બીજાનાં નાથ થઈ જાય છે. સંયમ ગ્રહણ કર્યા પછી સનાથ બનેલા શ્રમણને જિનાજ્ઞારૂપ સંયમાચારની સમસ્ત વિધિઓનું સારી રીતે પાલન કરવું, તે પરમ કર્તવ્ય છે. જે આ કર્તવ્યમાંથી ચૂકી જાય, આળસુ કે સુખશીલ થઈ જાય તો તે બીજા પ્રકારના અનાથ થઈ જાય છે. કારણ કે સંયમ નિયમોનું બરાબર પાલન ન કરવાથી તે પોતાના આત્માની દુર્ગતિથી રક્ષા કરી શકતા નથી, તેથી તે અનાથ કહેવાય છે માટે સંયમનો સ્વીકાર અને તેનું પૂર્ણ પાલન કરી સાચા સનાથ થવું જોઈએ, એ જ આ અધ્યયનનો સાર છે.
I અધ્યયન-૨૦ સંપૂર્ણ |