________________
'ઉત્તરાધ્યયન' મૂળ સૂત્ર :
વર્તમાનમાં ઉપલબ્ધ જૈન આગમ સાહિત્યને (૧) અંગ (૨) ઉપાંગ (૩) મૂળ અને (૪) છેદ આ ચાર વિભાગોમાં વિભક્ત કરવામાં આવેલ છે. આ વર્ગીકરણનો ઉલ્લેખ સમવાયાંગ અને નંદીસૂત્રમાં નથી. તત્ત્વાર્થ ભાષ્યમાં સર્વપ્રથમ અંગની સાથે 'ઉપાંગ' શબ્દનો પ્રયોગ આચાર્ય ઉમાસ્વાતિએ કરેલ છે. ત્યાર પછી સુખબોધાસમાચારીમાં અંગબાહ્યના અર્થમાં 'ઉપાંગ' શબ્દનો પ્રયોગ આચાર્ય શ્રીચંદે કર્યો. જે અંગનું જે ઉપાંગ છે, તેનો નિર્દેશ "વિધિમાર્ગપ્રથા" ગ્રંથમાં આચાર્ય જિનપ્રભે કર્યો છે.
મૂળ અને છેદ સૂત્રોનો વિભાગ કયા સમયમાં થયો તે નિશ્ચિતપણે કહેવું કઠિન છે, પરંતુ એટલું સ્પષ્ટ છે કે આચાર્ય ભદ્રબાહુએ ઉત્તરાધ્યયન અને દશવૈકાલિક નિર્યુક્તિમાં આ સંબંધમાં કંઈ જ ચર્ચા કરેલ નથી અને જિનદાસગણી મહત્તરે પણ પોતાનાં ઉત્તરાધ્યયન તથા દશવૈકાલિકની ચૂર્ણિઓમાં આ બાબતમાં કંઈ ચિંતન આપેલ નથી. તેથી એ અનુમાન થઈ શકે છે કે, ૧૧ મી સદી સુધી 'મૂળસૂત્ર' જેવો કોઈ જ વિભાગ થયેલ ન હતો. જો વિભાગ થયો હોત તો નિયુક્તિ ચૂર્ણિ અને વૃત્તિમાં તેનો અવશ્ય ઉલ્લેખ થયો હોત.
'શ્રાવકવિધિ' ગ્રંથમાં ધનપાલે ૪૫ આગમોનો નિર્દેશ કર્યો છે. તેઓ વિક્રમની ૧૧મી સદીના લેખક હતા. ૧૩ મી સદીના વિચાર સાર' પ્રકરણના લેખક પ્રધુમ્નસૂરિએ પણ ૪૫ આગમોનો નિર્દેશ કરેલ છે. તેઓએ પણ મૂળસૂત્રના રૂપે કોઈ વિભાગ કર્યો નથી. આચાર્ય શ્રી પ્રભાચંદ્ર 'પ્રભાવક ચરિત્ર'માં સર્વપ્રથમ અંગ, ઉપાંગ, મૂળ, છેદ એવા ચાર વિભાગ દર્શાવેલ છે.
ત્યાર પછી ઉપાધ્યાય સમયસુંદરજીએ સમાચારી શતકમાં આનો ઉલ્લેખ કર્યો છે. સારાંશ એ છે કે 'મૂળસૂત્ર'ના વિભાગરૂપની સ્થાપના ૧૩મી સદીના ઉત્તરાર્ધમાં થઈ ચૂકી હતી.
ઉત્તરાધ્યયન, દશવૈકાલિક આદિ આગમોને મૂળસૂત્ર' એવું નામ શા માટે આપવામાં આવ્યું એ બાબતમાં વિદ્વાનોમાં અનેક મતભેદો પ્રવર્તે છે.
38