________________
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક
પૂ. શ્રી જયંતમુનિ મ.સા. જ્યારે ઉત્તરાધ્યયન શાસ્ત્ર પ્રત્યે તથા તેમના ઉપદેશ પ્રત્યે ધ્યાન જાય છે ત્યારે એક અનુપમ આનંદની અનુભૂતિ થાય છે. આ શાસ્ત્રાના સ્વાધ્યાયથી પદ્યાત્મક ભોજન મળતું હોય અને તેના રસનો ઉપભોગ કરતાં હોઈએ તેવી સુરતિ જન્મે છે. ઉત્તરાધ્યયન શાસ્ત્ર એ આગમ સાહિત્યના બગીચામાંથી વીણેલા ઉત્તમ પુષ્પનો ગુચ્છ હોય તથા અન્ય પ્રચલિત ઉત્તમ ઉપદેશોનો સાર સંગ્રહિત કર્યો હોય, તેવો ભગવાનની વાણી રૂપે પ્રવાહિત થયેલો એક સંગ્રહ ગ્રંથ છે. સામાન્ય રૂપે ધર્મના ઉપાસક વ્યક્તિઓને પાઠ કરવા માટે કે સ્વાધ્યાય કરવા માટે આ શ્રેષ્ઠ શાસ્ત્ર છે પરંતુ જૈન પરંપરાના શાસ્ત્ર સ્વાધ્યાય સંબંધી કેટલાક સખત નિયમો હોવાથી ગીતાના પાઠની જેમ જૈનો તેનું પારાયણ કરતાં નથી. શાસ્ત્ર સ્વાધ્યાયના નિયમો ઉત્તરાધ્યયન શાસ્ત્રને અનુકૂળ કરવામાં આવે, સામાન્ય જનસમુદાય માટે પ્રસારિત કરવા માટે ઉત્તરાધ્યાયન સૂત્રનું પારાયણ થવા લાગે, તો આ શાસ્ત્રનો અનુપમ બોધ ઘણા કલ્યાણનું કારણ બને છે.
જૈન પરંપરા મુખ્ય રૂપે શ્વેતાંબર અને દિગંબર જેવા બે ભાગમાં વિભક્ત છે. ઉત્તરાધ્યયન શાસ્ત્ર તે શ્વેતાંબર પરંપરામાં પૂર્ણરૂપે માન્ય, ઘણા જૈન સિધ્ધાંતોને પ્રગટ કરતું દિવ્ય ભાવો ભરેલું ઉત્તમ શાસ્ત્ર છે. આ શાસ્ત્રમાં સંપૂણ ગાથા રૂપે બે હજાર પદો છે. સાતસો
શ્લોકની ગીતા કરતાં લગભગ ત્રણ ગણું આ શાસ્ત્રનું દેહમાન છે, એટલે જો સ્વાધ્યાય રૂપે વિશેષ તારવણી કરી પાંચસો ગાથાનો સ્વાધ્યાય ગ્રંથ તૈયાર કરવામાં આવે તો સહેલાઇથી ઉત્તરાધ્યયનસુત્રને વાગોળી શકાય... અથવા નિયમિત પાઠ કરી શકાય. આ તો વિદ્વવર્યોનું કામ છે.
ઉત્તરાધ્યયનના બધા પ્રકરણોને અધ્યયન કહેવામાં આવે છે. સામાન્ય રીતે અન્ય ધર્મગ્રંથોમાં અધ્યાય શબ્દ વપરાય છે જ્યારે જૈન પરંપરામાં અધ્યયન શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અધ્યાયનો અર્થ પાઠ કરવા પૂરતો સીમિત માનીએ તો અધ્યયનનો અર્થ પાઠ કરવાની સાથે સાથે સમજવા જેવો ભાવ છે અર્થાત્ તેમાં તત્ત્વગ્રાહ્યતા પણ છે. જે હોય તે... પરંતુ જૈન સાહિત્ય પરંપરા પોતાના મૌલિક શબ્દનો ઉપયોગ કરે છે અને