________________
૧૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
સ્ત્રી, પુત્ર આદિ દરેક સાંસારિક સંબંધોથી વિરક્ત બ્રહ્મચારી મહાવ્રતી છું. કોઈ પણ સ્ત્રી સાથે લગ્ન કરવાની વાત તો એક બાજુએ રહી, પરંતુ સ્ત્રીની સાથે એક મકાનમાં નિવાસ કરવો પણ મારે માટે અકલ્પનીય છે.
સંયમી મુનિ માટે સંસારની સમસ્ત સ્ત્રીઓ માતા, બહેન તેમજ પુત્રી સમાન છે. આપની પુત્રી સાથે મારે કોઈ સંબંધ નથી'. કન્યાએ પણ પોતાના પર થયેલા યક્ષપ્રકોપને દૂર કરવા મુનિને પાણિગ્રહણ કરવા વિનંતી કરી, પરંતુ મુનિએ જ્યારે તેને સ્વીકારી નહીં, ત્યારે યક્ષે તેને કહ્યું –મુનિ તને ઈચ્છતા નથી, તારા ઘરે તું ચાલી જા. યક્ષનું વચન સાંભળી નિરાશ રાજકન્યા પોતાના પિતાની સાથે પાછી ફરી. કોઈકે રાજાને કહ્યું કે બ્રાહ્મણ પણ ઋષિનું જ રૂપ છે. મુનિ દ્વારા આ અસ્વીકૃત કન્યાનું લગ્ન અહીંના રાજપુરોહિત રુદ્રદેવ સાથે કરો. આ સાંભળી રાજાને આ વાત બરાબર લાગી અને રાજાએ રાજકન્યા ભદ્રાના લગ્ન રાજપુરોહિત રુદ્રદેવ બ્રાહ્મણની સાથે કર્યા.
રુદેવ યજ્ઞશાળાનો અધિપતિ હતો. તેણે પોતાની નવવિવાહિત પત્ની ભદ્રાને યજ્ઞશાળાની વ્યવસ્થા સોંપી અને એક મહાન યજ્ઞનો પ્રારંભ કર્યો. મુનિ હરિકેશબલ માસખમણના પારણાના દિવસે ભિક્ષાર્થે વિચરતાં રુદ્રદેવની યજ્ઞશાળામાં પધાર્યા. ત્યાર પછીની કથા પ્રસ્તુત અધ્યયનમાં પ્રતિપાદિત છે. પૂર્વકથા મૂળપાઠમાં સંકેતરૂપથી છે પરંતુ વૃત્તિકારે તે કથાને પ્રગટ કરી છે.
મુનિ અને ત્યાંના વરિષ્ઠ – મોટા યજ્ઞસંચાલક બ્રાહ્મણોની વચ્ચે નિમ્નલિખિત મુખ્ય વિષયો ઉપર ચર્ચા થઈ હતી. (૧) દાનના વાસ્તવિક-પાત્ર અપાત્ર (૨) જાતિવાદની અતાત્ત્વિકતા (૩) સાચો યજ્ઞ અને તેનાં વિવિધ આધ્યાત્મિક સાધન (૪) જળસ્તાન (૫) તીર્થ આદિ. આ ચર્ચાના આધારે બ્રાહ્મણ સંસ્કૃતિ અને નિગ્રંથ સંસ્કૃતિ વચ્ચેનું અંતર સ્પષ્ટ કરવામાં આવ્યું છે. તપ-સંયમની આરાધનાથી યક્ષ મુનિને આધીન થયો, આ પ્રસંગ, દેવો પણ 'ધર્મનિષ્ઠ પુરુષોના ચરણનો દાસ બની જાય છે, આ ઉક્તિને ચરિતાર્થ કરે છે.
000