________________
- ટૂંકમાં અમારે એ જ કહેવાનું છે કે આ શાસ્ત્ર વર્ણનોનું ચિંતન મનન કરતાં જૈન સમાજે ખૂબ જ ઉદાર દષ્ટિકોણ કેળવવો જોઈએ. શાસ્ત્રોમાં કદમ કદમ ઉપર ઉદાર દષ્ટિકોણનું જ દર્શન થાય છે. છતાં પણ વર્તમાનમાં કેટલાક "કટ્ટરપંથીઓ" પોતે જૈનધર્મના કે જૈન ઉપાસનાના મોટા ઠેકેદાર હોય તેવી રીતે કટ્ટરતાનું પ્રદર્શન કરી એકબીજા સંપ્રદાયો માટે કે સાધકો માટે હલકા શબ્દોનો પ્રયોગ કરી, હલકા દષ્ટિકોણનું પ્રસારણ કરી, વસ્તુતઃ તેઓ જૈન શાસ્ત્રને તથા જૈન સંસ્કૃતિને જ હાનિ પહોંચાડે છે. શાસ્ત્રોની મૂળ વાતો તો ગ્રંથકાર તથા સંપાદક મંડળ સ્વયં વિવેચન સાથે પ્રગટ કરશે એટલે અહીં સામાન્ય અભિપ્રાય માત્ર પ્રગટ કર્યો છે.
આગમમનીષી પૂ.ત્રિલોકમુનિ મ.સા. અને અમારા ગોંડલ ગચ્છના મુક્તમણી જેવા મહાસતીજીઓએ જે અથાગ પ્રયાસ શરૂ કર્યો છે અને મૂળ શાસ્ત્રોની સ્પર્શના કરી, ગુજરાતી ભાષામાં ભાવાત્મક અનુવાદ કરી, જૈન સમાજને જે લાભ આપવાની શરૂઆત કરી છે, તેનું વર્ણન અવર્ણનીય છે. સંત સતીજીઓના આ પ્રયાસ અને પરિશ્રમ સામે નતમસ્તક થઈ જવાય છે. શ્રુત સાધના, એ સાધુ જીવનનો મુખ્ય સ્તંભ છે. જેનું નિર્માણ આ કઠિનકાલમાં શરૂ થયું છે તે વસ્તુતઃ બેજોડ કાર્ય છે.
સાધુ-સાધ્વીજીઓ ! આજના યુગમાં આપ સહુએ સંગઠિત થઈ, રાજકોટ જેવા જૈનકેન્દ્રથી અને રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘનો આલંબન લઈ, તેના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ શેઠના કુશલ સંરક્ષણમાં સંપૂર્ણ સમાજને નિર્મળ સ્નાન કરાવી શકે તેવી શ્રુતગંગા પ્રવાહિત કરી છે. તેથી અમને ખૂબ જ આનંદ થાય છે. આ શાસ્ત્રોમાં ગોંડલ- ગચ્છનું સંચિત પડેલું શ્રુત જવાહિર ઝળકવા માંડ્યું છે. બધા શાસ્ત્રો પ્રગટ થયા પછી આગામી કાળમાં આ કાર્ય ખૂબ જ મહત્વપૂર્ણ ગણાશે. ઈતિહાસનાં પૃષ્ઠો પર તેનું મૂલ્યાંકન અંકિત થશે ત્યારે આપની તપસ્યા અને આ શ્રુત સાધના લાખો લાખ જીવોના કલ્યાણનું નિમિત્ત બનશે.
અંતે આ આગમશ્રેણીનું પ્રકાશન વિસ્તાર પામતું રહે અને સૌના ઉત્તમ ક્ષયોપશમનું પ્રતિબિંબ આગમ સરોવરમાં ઝળકતું રહે તથા આ પ્રકાશન સર્વવિશ્વવ્યાપી બની રહે તેવી અંતરની ઊર્મિ સાથે આનંદ મંગલમ્..
જયંત મુનિ પેટરબાર