________________
| ૫૦૨]
શ્રી પન્નવણા સુa: ભાગ-૨
ભાવાર્થ - પંચેન્દ્રિય તિર્યંચોની એકેન્દ્રિય અને વિશ્લેન્દ્રિય જીવોમાં ઉત્પત્તિની વક્તવ્યતા પૃથ્વીકાયિક જીવોની ઉત્પત્તિ સમાન જાણવી જોઈએ.
પંચેન્દ્રિય તિર્યંચોની પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યમાં ઉત્પત્તિ વિષયક વક્તવ્યતા નૈરયિકની પંચેન્દ્રિય તિર્યંચમાં અને મનુષ્યમાં ઉત્પત્તિની પ્રરૂપણાની સમાન જાણવી જોઈએ
પંચેન્દ્રિયતિર્યંચોનું વાણવ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકદેવોમાં ઉત્પત્તિ વિષયક કથન તેના નૈરયિકોમાં ઉત્પત્તિના કથન સમાન જાણવું જોઈએ. આ જ રીતે ચોવીસ દંડકોમાં મનુષ્યોની ઉત્પત્તિ વિષયક કથન પણ જાણવું જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યની ગતિ અને ત્યાં તેને પ્રાપ્ત થતાં ધર્મ શ્રવણાદિ દસ બોલોની વિચારણા છે.
તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય મરીને સીધા ૨૪ દંડકમાં ઉત્પન્ન થઈ શકે છે. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય મરીને નારકી-દેવોના તેર ઠંડકમાં ઉત્પન્ન થાય ત્યારે કેટલાક જીવો તદાવરણીય કર્મોના ક્ષયોપશમથી ધર્મ શ્રવણ, કેવળબોધિ, સમ્યગદર્શન, મતિ-શ્રુત અને અવધિજ્ઞાન, તે પાંચ બોલને પ્રાપ્ત કરી શકે છે.
દેવો પોતાની વૈક્રિય લબ્ધિથી તીર્થકરોના સમવસરણમાં અથવા અન્ય મુનિ ભગવંતો પાસે જઈને ધર્મ શ્રવણ કરી શકે છે. નારકી જીવો તીર્થકરોના સમવસરણ આદિમાં આવી શકતા નથી પરંતુ તે પોતાના મિત્ર દેવો દ્વારા ધર્મ શ્રવણાદિ પ્રાપ્ત કરે છે. તે જીવો સંજ્ઞી હોવાથી ધર્મ શ્રવણ પ્રાપ્ત કર્યા પછી તેની વિચારણા કરીને કેવલબોધિ અને સમ્યગુદર્શન પણ પામે છે. સમ્યગુદર્શન પ્રાપ્ત થવાથી તેના ત્રણ અજ્ઞાન જ્ઞાનમાં પરિણત થતાં મતિ-શ્રુત-અવધિજ્ઞાન પ્રગટ થાય છે.
નારકી અને દેવો તદાવરણીયકર્મોના ઉદયે વ્રત પચ્ચકખાણનો સ્વીકાર કરી શકતા નથી. તેથી શીલાદિ, શ્રાવકવ્રત, અણગારધર્મ, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન અને સિદ્ધ, તે પાંચ બોલને પ્રાપ્ત કરી શકતા નથી.
- તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યો મરીને પાંચ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય, ત્યારે તદાવરણીય કર્મના ઉદયે ધર્મશ્રવણાદિ એક પણ બોલની પ્રાપ્તિ કરી શકતા નથી.
તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યો મરીને તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે કેટલાક જીવો તદાવરણીય કર્મોના ક્ષયોપશમથી ધર્મ શ્રવણ, કેવલબોધિ, સમ્યગદર્શન, મતિ-શ્રુતજ્ઞાન, શીલાદિવ્રતનો સ્વીકાર અને અવધિજ્ઞાન, તે છ બોલને પ્રાપ્ત કરી શકે છે. અણગારધર્મ આદિ અંતિમ ચાર બોલને પ્રાપ્ત કરી શકતા નથી.
તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યો મરીને મનુષ્યોમાં ઉત્પન્ન થાય ત્યારે ધર્મ શ્રવણાદિ દસે બોલોને પ્રાપ્ત કરી શકે છે.
પ્રસ્તુત પ્રસંગમાં સૂત્રકારે શીલાદિવ્રતના-શ્રાવકવ્રતના સ્વીકાર પછી અવધિજ્ઞાન સંબંધિત પ્રશ્ન પૂક્યો છે પરંતુ પ્રત્યેક જીવને શ્રાવક વ્રતના સ્વીકાર પછી જ અવધિજ્ઞાન પ્રગટ થાય તેવું એકાંતે નથી. ક્યારેક અવધિજ્ઞાન પ્રગટ થયા પછી પણ કેટલાક જીવો શ્રાવક વ્રત કે સાધુના મહાવ્રતનો સ્વીકાર કરે છે.