________________
જે અન્ય સર્વ તીર્થકરો દ્વારા અનુમત છે, જિનાનુકૂલ છે, જિનપ્રણીત છે, જિન નિરૂપિત છે, જિનાખ્યાત છે, જિનાનુચીર્ણ છે, જિન પ્રજ્ઞપ્ત છે, જિન દેશિત છે, જિન પ્રશસ્ત છે, તેનું પર્યાલોચન કરીને, તેના પર શ્રદ્ધા, પ્રતીતિ અને યથાર્થ રુચિ કરીને સ્થવિર ભગવંતોએ જીવાજીવાભિગમ નામના શાસ્ત્રનું અધ્યયન પ્રરૂપિત કર્યું છે. આ રીતે પ્રસ્તુત શાસ્ત્રના રચયિતા અજ્ઞાતનામાં સ્થવિર મુનિ ભગવંત છે. જીવાજીવાભિગમ નામકરણ અને વિષય :- જીવાજીવાભિગમ શબ્દનો પદચ્છેદ કરતાં જીવ અને અજીવ તત્ત્વનો અભિગમ–બોધ કરાવતું આ શાસ્ત્ર જીવાજીવાભિગમ સૂત્ર કહેવાય છે. આ રીતે સૂત્રના વિષય વર્ણનના આધારે આ સૂત્રનું નામકરણ છે અને તે નામકરણ શાસ્ત્રના વિષયને પ્રગટ કરે છે. સંક્ષેપમાં આ શાસ્ત્રનું નામ શ્રી જીવાભિગમ સૂત્ર રૂપે વિશેષ પ્રચલિત છે. સૂત્ર પરિમાણ:- આ સૂત્ર એક શ્રુતસ્કંધ રૂપ છે. તેમાં સંસારી જીવોની નવ પ્રતિપત્તિ (અધ્યયન) અને સર્વજીવની નવ પ્રતિપત્તિ તેમ કુલ ૯+૯-૧૮ પ્રતિપત્તિ છે. સમગ્ર શાસ્ત્રનું પરિમાણ ૪૭૫૦ શ્લોક પ્રમાણ માનવામાં આવેલ છે.
સમગ્ર જૈન સાહિત્યનું પ્રયોજન એક માત્ર આત્મસિદ્ધિ અથવા આત્મશુદ્ધિ જ છે, તેથી પ્રત્યેક જૈનાગમ આત્માની સ્વાભાવિક કે વૈભાવિક પરિસ્થિતિનું દર્શન કરાવીને, વૈભાવિક પરિસ્થિતિને દૂર કરવાના ઉપાયો અને સ્વાભાવિક સ્થિતિમાં સ્થિર થવાનો માર્ગ પ્રગટ કરે છે.
આ આગમમાં સંસારી જીવોની અનેક પ્રકારની વિવિધતાનું દર્શન સંસારી જીવોના ભેદ-પ્રભેદના માધ્યમથી કરાવ્યું છે. પ્રત્યેક અવસ્થામાં જીવ કેટલો કાલ વ્યતીત કરી શકે, તે ઉપરાંત ક્યા સ્થાનમાં જીવ કેટલા શરીર, ઇન્દ્રિય, વેશ્યા, દષ્ટિ, જ્ઞાન-અજ્ઞાન આદિ ઋદ્ધિ પ્રાપ્ત કરી શકે તેનું વિશદ વર્ણન છે.
આ આગમ વિષયની દષ્ટિએ વિશાળ છે, ભાવોની દષ્ટિએ ગંભીર છે. તેમાં જૈન સાહિત્યના દ્રવ્યાનુયોગને સ્પર્શતા અનેકવિષયોનો સમાવેશ થયેલો છે. જૈન ભૂગોળ અને જેન ખગોળ વિજ્ઞાનની સ્પષ્ટતા માટે આ આગમ અત્યંત ઉપયોગી થઈ શકે તેમ છે. ૨૪ દંડકના જીવોના ભેદ-પ્રભેદ સાથે ૨૩ તારોથી વર્ણિત તેની ઋદ્ધિનું કથન આ આગમની મૌલિકતા છે, તેથી જ આ આગમને સંસારી જીવોની સ્થિતિને જાણવાનો કોષ પણ કહી શકાય છે.
61