________________
અનુવાદકાર્યની ફાળવણી સમયે દાદી ગુરુણી પૂ. લીલમબાઈ મ.એ મને શ્રી ઉવવાઈ સૂત્રનું અનુવાદકાર્ય સોંપીને મારા વીર્યાચારની ફોરવણીની અમૂલ્ય તક આપી. મારા કાર્યનો પ્રારંભ વડિયા મુકામે તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ.સા.ના પાવન સાંનિધ્યમાં તેમના કૃપાપૂર્ણ દષ્ટિપાતપૂર્વક થયો અને તેની પૂર્ણતા રાજકોટ મુકામે થઈ.
કાર્ય સફળતાની સોનેરી ક્ષણે સહુ પ્રથમ અનંત ઉપકારી પૂ. તપસ્વી ગુરુદેવને સ્મૃતિપટ પર લાવીને તેમને ભાવ વંદન કરું છું. વિંડલ સંતો પૂ. જયંત–ગિરિ—જનક ગુરુદેવને વંદન કરું છું.
આગમ અવગાહનમાં સતત કાર્યરત પૂ. તિલોકમુનિ મ.સા.એ અપ્રમત્તપણે કાર્ય કરીને સૈદ્ધાંતિક દષ્ટિકોણથી આગમનું શુદ્ધિકરણ કર્યું છે. તેમનો હું હાર્દિક આભાર માનું છું.
અમારા મુગટમણિ સમ પૂજ્યવરા પૂ. મુક્તાબાઈ મ.ના આશીર્વાદે મારું કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થયું છે. આગમ સંપાદનમાં જ જેઓએ પોતાના જીવનને સમર્પિત કર્યું છે તેવા મુખ્ય સંપાદિકા દાદી ગુરુણી પૂ. લીલમબાઈ મ.એ પોતાના વિશાળજ્ઞાનથી મારા લેખનને નવો ઓપ આપ્યો છે.
મારા જીવનૈયાના સુકાની અનંત ઉપકારી ગુરુણીમૈયા સ્વ. પૂ. ઉષાબાઈ મ.ની સતત પ્રાપ્ત થતી પ્રેરણાથી મારું કાર્ય પૂર્ણતા સુધી પહોંચ્યું છે. પરંતુ અફસોસ ! આજે તેમની પ્રત્યક્ષ ઉપસ્થિતિ નથી. પૂ. ગુરુણીદેવા! આપના ઉપકારોને કયા શબ્દોમાં વર્ણવું ? હું આપને અંતઃકરણપૂર્વક વંદન કરું છું.
ડૉ. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકાએ પોતાની આગવી સૂઝ–બુઝથી મારા અનુવાદને લોકભોગ્ય બનાવવાનો પૂર્ણ પ્રયત્ન કર્યો છે. તેમના પુરુષાર્થની હું કદર કરું છું.
મમ લઘુભગિની સાધ્વી હેમાંશીની સદ્ભાવના તથા ગુરુકુલવાસી સર્વ ગુરુભગિનીઓનો સાથ– સહકાર મારું પાથેય બન્યું છે.
સાવરકુંડલા નિવાસી શ્રી ચંદુભાઈ શાહે પોતાના અમૂલ્ય સમયનો ભોગ આપી લેખનના શુદ્ધિકરણમાં સહયોગ આપી શ્રુતજ્ઞાનની સેવાનો મહાન લાભ લીધો છે.
42