________________
પ્રયત્નશીલ હોય તે જૈન છે. અન્ય દાર્શનિકોની આચારસંહિતાનો સ્વીકાર કર્યો હોય તેવી વ્યક્તિઓ પણ જો જૈન ધર્મમાં શ્રદ્ધા ધરાવે તો તે જૈન પરંપરાના વ્રત–નિયમો ધારણ કરીને આરાધક બની શકે છે. જેમ કે અંબડ પરિવ્રાજકના ૭૦૦ શિષ્યો અદત્તવ્રતને ટકાવી રાખવા સમભાવપૂર્વક ભગવાનની સાક્ષીએ અનશનનો સ્વીકાર કરીને આરાધક બની ગયા છે.
અન્ય દાર્શનિકો, તાપસો, સંન્યાસીઓ, પરિવ્રાજકો આદિ કઠિન નિયમોનું પાલન કરે, દેહદમન કરે પરંતુ સમ્યક્ સમજણના અભાવે અજ્ઞાનતપ અને અકામનિર્જરા કરીને દેવગતિને પ્રાપ્ત કરે છે પરંતુ શ્રદ્ધાના અભાવે આરાધક થતા નથી. આ રીતે કેવળ દેવગતિની પ્રાપ્તિમાં જ સાધનાની સફળતા નથી પરંતુ શ્રદ્ધા સહિતની આરાધનાથી આરાધક થવું તે જ સાધનાની સફળતા છે. આ વિષય સાધકો માટે અત્યંત સમજવા યોગ્ય છે. સાધકોની સાધના અનુસાર તેની ગતિ થાય છે અને જ્યારે સંપૂર્ણ કર્મોનો ક્ષય થાય ત્યારે જીવનો મોક્ષ થાય છે.
કર્મક્ષય માટે કેવળી સમુાતની વિશિષ્ટ પ્રક્રિયા, સંપૂર્ણ કર્મક્ષય પછી મુક્તિ, મુક્ત થયેલા જીવોનું ૠજુગતિથી એક સમયમાત્રમાં લોકાગ્રે સિદ્ધક્ષેત્રમાં ગમન, ત્યાં અનંત કાલ પર્યંત સ્થિતિ, સિદ્ધશિલા, સિદ્ધક્ષેત્ર અને સિદ્ધોનું સુખ વગેરે વિષયોનું વર્ણન અંતિમ બાવીસ ગાથામાં કર્યું છે. સિદ્ધોના સુખને અનુપમ અને અતુલ કહીને પણ મ્લેચ્છ પુરુષના દષ્ટાંતથી તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તે દષ્ટાંત પણ અત્યંત તાદૃશ છે.
આ રીતે આ નાનકડું આગમ પણ મહત્ત્વપૂર્ણ સામગ્રીથી ભરેલું છે. તેમાં સૂત્રકારની વર્ણનાત્મક શૈલીમાં વિષયસંકલનાનું કૌશલ્ય ઉપસી આવે છે. તત્કાલીન સંસ્કૃતિ અને સમાજવ્યવસ્થા તેમજ પ્રચલિત વિભિન્ન સાધના પદ્ધતિઓને સમજવાની દષ્ટિથી પણ આ આગમ અનોખુ સ્થાન ધરાવે છે.
રચનાકાલ :– બારે ઉપાંગ સૂત્રોમાંથી એક પ્રજ્ઞાપના સૂત્રને બાદ કરીને સમસ્ત ઉપાંગ સૂત્રોની રચના ક્યારે થઈ અને કયા આચાર્યે તેની રચના કરી, તે સંબંધમાં કોઈ પણ જાણકારી ઉપલબ્ધ નથી અને આ વિષયમાં પ્રાચીન કે અર્વાચીન આચાર્યોએ કોઈ પણ પ્રકારની વિચારણા કે ચર્ચા વાર્તા કરી હોય તેમ પણ જણાતું નથી. તેમ છતાં અખંડશ્રદ્ધા સાથે બારે ઉપાંગસૂત્રો આજ સુધી નિર્વિવાદપણે સ્વીકાર્ય છે. તે જ ઉપાંગસૂત્રોની મહત્તાને પ્રદર્શિત કરે છે.
40