________________
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક
પૂ. શ્રી જયંતમુનિ મ.સા.
વિપાક શાસ્ત્ર જૈન પરંપરામાં ખાસ સ્થાન પામેલું અને સુવાચ્ય શાસ્ત્ર છે. તેમાં સામાન્ય શાશ્વત નિયમો જે ભારતીય સંસ્કૃતિમાં પ્રસિધ્ધ છે અને જૈન સાધનામાં પણ પ્રમુખ સિદ્ધાંત છે. તે આ પ્રમાણે છે – જેવા કર્મો કરે તેવું ફળ મળે, ભારે પાપકર્મ કરે તો ભારે પીડા ભોગવવી પડે. સારા કર્મો કરે તો સુખ મળે અને બહુ જ વધારે સારા કર્મો કરે તો સ્વર્ગાદિ ઊંચી ગતિને પ્રાપ્ત કરે. આ સર્વ સામાન્ય સિદ્ધાંતને આધારે આ ઉપદેશાત્મક શાસ્ત્ર ઘણા સટિક અને ઘટિત ઉદાહરણો તથા કથાઓથી ભરપૂર છે.
વિપાકશાસ્ત્ર આ એક ખાસ પ્રકારનું કર્મવેદનનું શાસ્ત્ર છે. બે પ્રકારના કર્મ પ્રસિધ્ધ છે – શુભ અને અશુભ. આ બંને કર્મોના ફળ પણ બે પ્રકારના છે - સુખરૂપ અને દુઃખરૂપ.
આ બંને ભાવોને ગ્રહણ કરી દુઃખ વિપાક અને સુખવિપાક, એવા બે ખંડવાળું, આ વિપાકશાસ્ત્ર રસમય અને સંવેદનશીલ કથાઓથી ભરપૂર છે. જૈનપ્રવક્તાઓમાંથી શ્વેતાંબર પરંપરામાં આ શાસ્ત્રનું વિશરૂપે વાંચન થાય છે અને શ્રોતાઓને પણ સંભળાવે છે. સહેજ સહેલાઇથી સમજી શકાય તેવી ભાવભરેલી કથાઓ પ્રવચનમાં પણ શ્રોતા અને વક્તા બંને માટે રસ નિષ્પન્ન કરે છે. પાપ કરનારાઓ કેવી ગતિ પામે છે તેનું દુઃખાત્મક વર્ણન પાપકર્મથી બચવા માટે જીવને પ્રેરણા આપે છે. એ જ રીતે પુણ્ય કર્મની કથાઓ સુખરૂપી ફળ આપી સ્વર્ગના ઉત્તમ વર્ણનોથી આકર્ષિત થઇ સત્કર્મ પ્રત્યે આકર્ષણ વધારે છે અને સત્કર્મનો મહિમા પણ વધારે છે.
જૈનધર્મ મુખ્ય મોક્ષવાદી છે. મુક્તિ કે મોક્ષ તે જૈન સાધનાનું પ્રધાન લક્ષ છે અને મુક્તિ પ્રાપ્ત કરવા માટે જેમ પાપથી દૂર થવાનું છે તેમ પુણ્યથી પણ પરાવર્ત થવાનું છે અર્થાત્ પાપ અને પુણ્ય બંનેનો ત્યાગ કરી જીવાત્મા પોતાના સ્વરૂપને ઓળખી, કોઇપણ પ્રકારના પુણ્યના આધાર વિના સ્વયં સ્વગુણોથી સંતુષ્ટ થઇ, શાશ્વત સુખને મેળવે છે. જૈન શાસ્ત્રોમાં ક્યારેય પણ મુક્તિનું લક્ષ ભૂલાયું નથી. વિપાકશાસ્ત્રોના અશુભ વિપાક અને –