________________
| પરિશિષ્ટ-૨વાર્તાઓ
[ ૨૯]
પરિશિષ્ટ-ર
( પ્રશ્નવ્યાકરણ - વાર્તાઓ
ચોથા અબ્રહ્મ નામના આશ્રવારના સૂત્ર ૧૪ના મૂળપાઠમાં જેઓ માટે મહાયુદ્ધ થયા છે તેવી ૧૩ કન્યાઓનો નામોલ્લેખ છે. તેના ચરિત્રો સંક્ષેપમાં અહીં આપ્યા છે.
સીતા :
મિથિલા નામની નગરી હતી. ત્યાં જનક નામના રાજા હતા. તેની રાણીનું નામ વિદેહા હતું. તેને ભામંડલ નામનો એક પુત્ર અને જાનકી (સીતા) નામની એક પુત્રી હતાં. સીતા અત્યંત રૂપવતી અને સર્વ કલાઓમાં પારંગત હતી. જ્યારે તે વિવાહ યોગ્ય થઈ ત્યારે રાજા જનકે સ્વયંવર મંડપ બનાવ્યો અને દેશ-વિદેશના રાજાઓ, રાજકુમારો અને વિદ્યાધરોને સ્વયંવરને માટે આમંત્રિત કર્યા. રાજા જનકે પ્રતિજ્ઞા કરી હતી કે જે રાજકુમાર સ્વયંવર મંડપમાં સ્થાપિત દેવાધિષ્ઠિત ધનુષની પ્રત્યંચા ચઢાવશે તેના ગળામાં સીતા વરમાળા પહેરાવશે.
યોગ્ય સમયે રાજાઓ, રાજકુમારો અને વિદ્યાધરો આવી પહોંચ્યા, અયોધ્યાપતિ રાજા દશરથના પુત્ર રામચંદ્ર પણ પોતાના નાના ભાઈ લક્ષ્મણની સાથે તે સ્વયંવરમાં આવ્યા અને વારાફરતી સહુ જનક રાજાની શરતો અનુસાર ધનુષ્યની પ્રત્યંચા ચઢાવવા આવવા લાગ્યા. પૂરી તાકાતથી ધનુષ્ય ઊપાડવા છતાં ધનુષ્ય કોઈથી ટસથી મસ ન થયું. અંતે રામચંદ્રજી ધનુષ્યની પ્રત્યંચા ચઢાવવા માટે ઊઠયા. સર્વ રાજાઓ આશ્ચર્યચકિત થયા, રામચંદ્રજીએ ધનુષની પાસે પહોંચીને પંચપરમેષ્ઠિનું ધ્યાન કર્યું, ધનુષના અધિષ્ઠાયક દેવ તેનાથી પ્રભાવિત થયા અને શ્રી રામચંદ્રજીએ જોતજોતામાં ધનુષ્યને ઉપાડ્યું અને તેના પર બાણ ચઢાવ્યું. સહુએ જયનાદ કર્યો, સીતાએ શ્રી રામચંદ્રજીના ગળામાં વરમાળા પહેરાવી, વિધિ પૂર્વક બન્નેનું પાણિગ્રહણ થયું. વિવાહ પછી શ્રી રામચંદ્રજી સીતાને લઈને અયોધ્યા આવ્યા. સહુએ અયોધ્યામાં આનંદ ઉજવ્યો. આ રીતે થોડો સમય આનંદોલ્લાસમાં વ્યતીત થયો.
એક દિવસ રાજા દશરથના મનમાં ઈચ્છા થઈ કે, રામચંદ્રનો રાજ્યાભિષેક કરીને, સંસારનો ત્યાગ કરીને હું મુનિ બનું પરંતુ કર્મની ગતિ ન્યારી છે. જ્યારે રામચંદ્રજીની વિમાતા કૈકેયીએ આ કથન સાંભળ્યું ત્યારે તેણે વિચાર્યું કે રાજા જો દીક્ષા લેશે તો મારો પુત્ર ભરત પણ સાથે જ દીક્ષા લેશે. જેથી ભરતને દીક્ષા દેતા રોકવા માટે તેણે ઉપાય શોધ્યો. તેણે રાજા દશરથ પાસે વરદાન માંગ્યું કે મારા પુત્ર ભરતને રાજ્યગાદી પ્રાપ્ત થાય. રાજા દશરથને પોતાની પ્રતિજ્ઞા અનુસાર આ વરદાન સ્વીકારવું પડ્યું. પરિણામે શ્રી રામચંદ્રજીએ પોતાના પિતાની આજ્ઞાનું પાલન કરવા અને ભરતને રાજ્યનો અધિકારી બનાવવા માટે સીતા અને લક્ષ્મણની સાથે વનગમન કર્યું. વનમાં ભ્રમણ કરતાં કરતાં તેઓ દંડકારણ્યમાં પહોંચ્યા અને ત્યાં પર્ણકુટી બનાવી અને રહેવા લાગ્યા.