________________
૧૩૬ ]
શ્રી અંતગડ સૂત્ર
(૩) આ પ્રસંગમાં અર્જુનમાળી દ્વારા જે વધ થયા છે તે વાસ્તવિકતાએ યક્ષે વધ કર્યા હતા. આવાન ભલે અર્જુન માળીએ કર્યું હતું પણ તેનો ઉદ્દેશ સાતની ઘાત કરવાનો નહોતો. માત્ર આવા અનાચાર કરનારને શિક્ષા મળવી જોઈએ, એ જ ભાવના હતી. અર્જુનમાળી દ્વારા જે કોઈ પણ વધ થયા છે તે યક્ષાવિષ્ટ પરાધીનતાનું કારણ હતું. મનુષ્ય વધ કાયા દ્વારા થયો પણ કષાયની તીવ્રતા તેનામાં ન હતી. તેથી કાયાથી બાંધેલા કર્મો કાયાથી જ ધૈર્ય, સમતા અને સમજણપૂર્વક સહન કર્યા. પરિણામે અલ્પકાળમાં મહાવેદના ભોગવી સર્વ કર્મો ક્ષય કરી સિદ્ધગતિને પામ્યા.
શિક્ષા પ્રેરણા :(૧) અનુચિત આજ્ઞા કે વચનને નિભાવવાનો આગ્રહ કરવો ઉચિત ન કહી શકાય. તેનાથી અત્યંત અહિત થાય છે. એવું જાણીને વિચારોને પરિવર્તિત કરી દેવા એ જ વિવેકપૂર્ણ વ્યવહાર છે. અન્યથા એ દુરાગ્રહ હાનિકારક સાબિત થાય છે. લલિતાગોષ્ઠી પર અંકુશ ન મૂકવાને કારણે રાજા શ્રેણિકની રાજધાનીના નાગરિકોમાં અશાંતિ વધી. રાજાની ઈજ્જત પણ ઘટી અને સેંકડો લોકોનો સંહાર થયો. અતઃ ખોટી અહિતકર પ્રતિજ્ઞા કે વચનનો આગ્રહ ક્યારે ય ન રાખવો જોઈએ.
(૨) તીર્થકર ભગવાનના પગલાં થયાં પછી તે ક્ષેત્રમાં થઈ રહેલા ઉપદ્રવો કે રોગાતંક કોઈપણ નિમિત્તે શાંત થઈ જાય છે. અર્જુનનો ઉપદ્રવ પણ સુદર્શન શ્રાવકના નિમિત્તથી દૂર થયો. મૂળ કારણ તો ભગવાનનું આગમન જ સમજવું જોઈએ. જેના કારણે દૈવી શક્તિ પણ સ્તબ્ધ થઈ ગઈ.
(૩) કોઈપણ વ્યક્તિના ભૂતકાળના જીવન પરથી વર્તમાન સમયમાં તેના પર ધૃણા કરવી સજ્જનતા નહિ પરંતુ દુર્જનતા છે. પ્રાયઃ દિશા બદલાતા જ વ્યક્તિની દશા બદલી જાય છે. ભૂતકાળની દૃષ્ટિથી જ વ્યક્તિને જોતાં રહેવું એ માનવની એક તુચ્છ અને મલિન વૃત્તિ છે. વ્યક્તિનો ક્યારે કેટલા પ્રમાણમાં વિકાસ થાય છે તે વાતનો પણ વિવેક રાખવો જોઈએ. પાપીમાં પાપી પ્રાણી પણ પોતાનું જીવન પરિવર્તિત કરી નાખે છે. પ્રદેશી રાજા, અર્જુન માળી, પ્રભવ ચોર ઈત્યાદિ અનેક તેનાં ઉદાહરણો છે. (૪) ભગવાને સેંકડો માનવોનાં હત્યારા અર્જુન પ્રત્યે જરાપણ ધૃણા કે છૂતાછૂત જેવો વ્યવહાર ન કર્યો. ભગવાનની વાત તો દૂર રહી પરંતુ તેનો એક ઉપાસક સુદર્શન શેઠે પણ તેને દુષ્ટ, હત્યારા કહીને ધુત્કાર્યો નથી પરંતુ તેની તત્કાળ સેવા-પરિચર્યા કરે છે. તેને ભગવાનના સમવસરણમાં પોતાની સાથે લઈ આવે છે અને ભગવાન તેને તે જ દિવસે તે જ હાલતમાં પોતાની શ્રમણ સંપદામાં લઈ લે છે. આ દષ્ટાંત દ્વારા આપણને હૃદયની વિશાળતાનો આદર્શ શીખવા જોવા મળે છે. આ ગુણ જીવનમાં ઉતારી તુચ્છતા તેમજ સંકુચિતવૃત્તિ વગેરે અવગુણોને તિલાંજલિ આપવી જોઈએ. (૫) અર્જુને અલ્પ સમયમાં જ પોતાના જીવન અને વિચારોને તીવ્ર ગતિથી ફેરવી નાખ્યા. આપણે પણ આપણી સાધનામાં માન-અપમાન, ઈર્ષ્યા–દ્વેષ, કષાય આદિ પ્રવૃત્તિઓનું ઉપશમન કરવામાં અને પોતાના આત્માને સમભાવમાં તેમજ સહજ ભાવમાં સંલગ્ન કરવામાં ઢીલ ન કરવી જોઈએ. વર્ષો સુધીની ધાર્મિક જીવન કે શ્રમણ પર્યાય વ્યતીત થયા પછી પણ કોઈ સાધક ક્યારેક અશાંત બની જાય, ક્યાંક માન