________________
૭૨૮
શ્રી ભગવતી સૂત્ર-૩
શતક-૧ર : ઉદ્દેશક-૭|
જ સંક્ષિપ્ત સાર છે
આ ઉદ્દેશકમાં લોકની વિશાળતા, તેમાં પ્રત્યેક જીવના જન્મમરણની, સંબંધોની અનંતતાનો નિર્દેશ કર્યો છે.
આ લોક અસંખ્યાત ક્રોડાકોડી યોજન વિસ્તત છે. તેના પ્રત્યેક સ્થાનમાં, પ્રત્યેક આકાશપ્રદેશમાં આ જીવે અનંતવાર જન્મ મરણ કર્યા છે.
અસત્કલ્પનાએ ૧૦૦ બકરી રહી શકે તે વાડામાં ૧000બકરીઓને છ મહિના પર્યત રાખે. તે વાડામાં જ તેના માટે પ્રચુર ભોજન પાણીની વ્યવસ્થા કરે. તેની સંપૂર્ણ વ્યવસ્થાના કારણે તે ૧000 બકરીઓ છ મહિના સુધી જીવિત રહે છે. છ મહિનામાં તે વાડો બકરીના મળ મુત્રાદિથી વ્યાપ્ત થઈ જાય છે. તેનો એક પણ પ્રદેશ બકરીની અશુચિથી અસ્પર્શિત રહેતો નથી. અર્થાત્ સર્વ ભાગ અશુચિના સ્પર્શવાળો થઈ જાય છે.
તે જ રીતે (૧) આ લોક શાશ્વત છે, (૨) જીવનું સંસાર ભ્રમણ અનાદિ છે, (૩) જીવનિત્ય છે, (૪) કર્મો અનંત છે અને (૫) જન્મ-મરણ પણ અનંત છે. આ પાંચ કારણોથી આ સમસ્ત લોક પ્રત્યેક જીવના જન્મ-મરણથી વ્યાપ્ત છે. લોકનો એક પણ આકાશપ્રદેશ જીવના જન્મ-મરણથી અસ્પર્શિત રહેતો નથી.
જીવને જન્મ મરણના સ્થાન રૂપ ૨૪ દંડક અને તેના અસંખ્યાત આવાસ છે. તે પ્રત્યેક સ્થાનમાં આ જીવે પૂર્વે અનંતવાર જન્મ મરણ કર્યા છે. આ સમગ્ર લોક જીવથી વ્યાપ્ત છે. આ જીવે અન્ય જીવોના માતા, પિતા, ભાઈ, બેન આદિ પ્રત્યેક સંબંધો પણ પૂર્વે અનંતવાર બાંધ્યા છે અને અન્ય જીવોએ પણ તે જીવના માતા-પિતા આદિ રૂપે જન્મ મરણ કર્યા છે.
આ રીતે જીવનું અનંત સંસાર પરિભ્રમણ, તેમાં અનંત સંબંધોની અનિત્યતાનું દર્શન કરાવતો આ ઉદ્દેશક હળુકર્મી જીવો માટે વૈરાગ્ય પ્રેરક બને છે.