________________
૭૨૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
गोयमा !जोइसिंदा जोइसरायाणो एरिसेकामभोगेपच्चणुब्भवमाणा विहरति । । सेवभंते ! સેવ મતે !!
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જ્યોતિષીઓના ઇન્દ્ર, જ્યોતિષીઓના રાજા ચંદ્ર અને સુર્ય કઈ રીતે કામભોગ ભોગવતા વિચરે છે?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે પ્રથમ યુવાવસ્થાના પ્રારંભમાં કોઈ બલવાન પુરુષે યુવાવસ્થામાં પ્રવિષ્ટ કોઈ બલવતી કન્યા સાથે લગ્ન કર્યા અને ત્યાર પછી તરત જ તે પુરુષ અર્થોપાર્જન માટે પરદેશ ચાલ્યો ગયો અને સોળ વર્ષ વિદેશમાં રહીને ધનોપાર્જન કરતો રહ્યો, પછી સર્વ કાર્યને સમાપ્ત કરીને તે નિર્વિને પાછો ફરીને પોતાના ઘેર આવ્યો. પછી સ્નાનાદિ કરીને યાવત્ સર્વ અલંકારોથી અલંકૃત થઈને, મનોજ્ઞ સ્થાલીપાક વિશુદ્ધ અઢાર પ્રકારના વ્યંજનોથી યુક્ત ભોજન કરે, તત્પશ્ચાત્ મહાબલના ઉદ્દેશકમાં વર્ણિત શયનગૃહની સમાન શયનગૃહમાં, શૃંગારના ગૃહરૂપ સુંદર વેષવાળી યાવત્ લલિત કલાયુક્ત, અનુરક્ત, અત્યંત રોગયુક્ત અને મનોનુકૂલ સ્ત્રીની સાથે તે ઇષ્ટ શબ્દ, સ્પર્ધાદિ પાંચ પ્રકારના મનુષ્ય સંબંધી કામભોગનું સેવન કરે છે.
હે ગૌતમ ! વેદોપશમન(વિકાર શાન્તિ)ના સમયે તે પુરુષ કેવા પ્રકારના સુખનો અનુભવ કરે છે? [ગૌતમ સ્વામી કહે છે કે] હે ભગવન્! તે પુરુષ ઉદાર સુખનો અનુભવ કરે છે.
ભગવાન કહે છે) હે ગૌતમ ! તે પુરુષના કામભોગોની અપેક્ષાએ વાણવ્યંતર દેવોના કામભોગ અનંતગુણ વિશિષ્ટ હોય છે. વાણવ્યંતર દેવોના કામભોગોથી અસુરેન્દ્ર સિવાય શેષ ભવનવાસી દેવોના કામભોગ અનંતગુણ વિશિષ્ટ છે. શેષ ભવનવાસી દેવોના કામભોગોથી અસુરકુમાર દેવોના કામભોગ અનંતગુણ વિશિષ્ટ હોય છે. અસુરકુમાર દેવોના કામભોગોથી જ્યોતિષી દેવરૂપ ગ્રહગણ, નક્ષત્ર અને તારાદેવોના કામભોગ અનંતગુણ વિશિષ્ટ હોય છે. જ્યોતિષી દેવરૂપ ગ્રહ ગણ, નક્ષત્ર અને તારા દેવોના કામભોગથી જ્યોતિષીઓના ઇન્દ્ર, જ્યોતિષીઓના રાજા ચંદ્ર અને સૂર્યના કામભોગ અનંતગુણા વિશિષ્ટ હોય છે. હે ગૌતમ! જ્યોતિષીઓના ઇન્દ્ર, જ્યોતિષીઓના રાજા ચંદ્ર અને સૂર્ય આ પ્રકારના કામભોગોનો અનુભવ કરતા વિચરે છે. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. //
વિવેચન :
પ્રસ્તુત બે સૂત્રોમાં ચંદ્ર અને સૂર્યની ઋદ્ધિનું અને કામભોગની વિશિષ્ટતાનું પ્રતિપાદન કર્યું છે. ચારે જાતિના દેવો પાંચ ઇન્દ્રિય સંબંધી કામભોગોને ભોગવે છે. પરંતુ તેમાં તરતમતા છે.
મનુષ્યલોકના મનુષ્યો જે ઉત્તમ કામભોગને ભોગવે છે, તેનાથી વાણવ્યંતર દેવો, નવનિકાયના દેવો, અસુરપતિ દેવો, ગ્રહ, નક્ષત્ર અને તારારૂપ દેવો ક્રમશઃ ઉત્તરોત્તર અનંતગુણ વિશિષ્ટ કામભોગને ભોગવે છે અને તેથી પણ ચંદ્ર અને સૂર્યના કામભોગ અનંતગુણ વિશિષ્ટ છે.