________________
૪૬૪
શ્રી ભગવતી સૂત્ર-૩
શતક-૯ : ઉદ્દેશક-૩૪|
જ સંક્ષિપ્ત સાર છે
આ ઉદ્દેશકમાં એક જીવનો હિંસક અન્ય અનેક જીવોની હિંસા કરનાર થઈને, તેની સાથે વૈરનો બંધ કઈ રીતે કરે છે તે વિષયને મુખ્યતયા સમજાવ્યો છે. કોઈ એક મનુષ્ય અન્ય મનુષ્ય કે અશ્વ, હાથી કે કોઈ પણ પશુનો ઘાત કરે છે ત્યારે તે મનુષ્ય આદિની અને તેના આશ્રિત રહેલા જૂ, લીખ આદિ અન્ય ત્રસ જીવોની પણ વાત કરે છે અને જે જીવોની હિંસામાં તે નિમિત્ત બને છે. તે દરેક જીવો સાથે તે વૈરનો બંધ કરે છે.
કોઈ છકાય જીવોના રક્ષક શ્રમણનો ઘાત કરે છે, ત્યારે તે અન્ય અનંત જીવોનો ઘાત કરે છે, તેના કારણ આ પ્રમાણે છે– (૧) મુનિ અનંત જીવોના રક્ષક છે, મુનિની ઘાત થતાં તે દેવલોકમાં જાય તો તે અવિરત બની જાય છે. અવિરત જીવ અનંત જીવોનો ઘાતક બને છે. (૨) મુનિના ઉપદેશથી પણ અન્ય જીવો અનંત જીવોને અભયદાન આપે છે. તેથી મુનિના ઘાતક અન્ય અનંત જીવોના ઘાતક બને છે. આ રીતે અન્ય મનુષ્યની હિંસા કરતાં, શ્રમણોની હિંસા કરનાર અધિક પાપકર્મનો બંધ કરે છે.
પાંચ સ્થાવરના જીવો શ્વાસોચ્છવાસના રૂપમાં પાંચે સ્થાવર જીવોને પરસ્પર ગ્રહણ અને ત્યાગ કરે છે અને તેમાં તેને કાયિકી આદિ ત્રણ, ચાર અથવા પાંચ ક્રિયા લાગે છે. વૃક્ષને અથવા વૃક્ષના મૂળને કંપાવતા અથવા ઉખેડી નાખતા વાયુકાયના જીવોને ત્રણ, ચાર અથવા પાંચ ક્રિયા લાગે છે.