________________
૧૪૬ |
શ્રી ભગવતી સૂત્ર-૩
પાપકર્મના પ્રત્યાખ્યાન કર્યા નથી, તેને પ્રાસક કે અપ્રાસુક, એષણીય કે અનેષણીય આહારાદિ વહોરાવતા શ્રમણોપાસકને કયા ફળની પ્રાપ્તિ થાય છે?
ઉત્તર- હે ગૌતમ! તેને એકાત્ત પાપકર્મ થાય છે. કિંચિત્ માત્ર પણ નિર્જરા થતી નથી. (કારણ કે કુગુરુમાં ગુરુબુદ્ધિથી મિથ્યાત્વનું સેવન થાય છે અને મિથ્યાત્વ પરિણામોની પ્રમુખતાએ પાપકર્મનો બંધ થાય છે).
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે ત્રણ પ્રકારે દાનના ફળને પ્રદર્શિત કર્યું છે.
(૧) સંયમગુણોથી યુક્ત શ્રમણને ગુરુબુદ્ધિથી નિર્દોષ આહારદાન કરનાર શ્રાવકને એકાંતનિર્જરાનો લાભ થાય છે. તેમાં અંશ માત્ર પણ આશ્રવ કે પાપબંધ થતો નથી. કારણ કે આ પ્રકારના દાનમાં દાતાની સમજણ, દેયપદાર્થ, દાન લેનાર સુપાત્ર અને દાનવિધિ પૂર્ણપણે શુદ્ધ છે. આ પ્રકારનું દાન તપ સંયમ રૂપ નિર્જરાની સાધનામાં નિમિત્ત બને છે. તેથી દાતાને માત્ર નિર્જરાનો લાભ મળે છે.
(૨) સંયમ ગુણથી યુક્ત શ્રમણોને અપ્રાસુક અને અનેષણીય(દોષિત) આહારદાનથી શ્રાવકને બહતર નિર્જરા અને અલ્પ પાપકર્મબંધ થાય છે, આ પ્રકારના દાનમાં દાતા અને દાન લેનાર પાત્ર વિશુદ્ધ છે. પરંતુ પરિસ્થિતિવશ દેય પદાર્થદોષિત છે. તેનું તાત્પર્ય એ છે કે ક્યારેક અત્યંત સંકટગ્રસ્ત પરિસ્થિતિમાં, અને કયારેક અવિવેકથી કે અતિભક્તિવશ થઈને દાતા શુદ્ધ ભાવથી સદોષ આહાર વહોરાવે અને સાધુ પણ સંયમ સાધનાના લક્ષે જ તે આહાર ગ્રહણ કરે ત્યારે દાતા તે સાધકની સંયમ સાધનામાં જ નિમિત્ત બને છે અને સાધક પણ તે આહારના અવલંબને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની વૃદ્ધિ કરે છે. તેથી તે દાનથી દાતા બહુતર નિર્જરા અને દોષિત આહાર હોવાથી અલ્પકર્મબંધ કરે છે. સૂત્રોક્ત આ કથનમાં સૂત્રકારનો વિશાળ અને ગંભીર આશય છે. સુશ્રાવકે મુનિને કોઈ પણ કારણવશ સદોષ આહાર વહોરાવવો તે પ્રવૃત્તિ પ્રશસ્તમાર્ગ કે રાજમાર્ગ નથી. તે આપવાદિક માર્ગ છે. નિર્દોષ આહાર વહોરાવવો અને નિર્દોષ આહાર ગ્રહણ કરવો તે જ રાજમાર્ગ કે પ્રશસ્ત માર્ગ છે. આપવાદિક માર્ગે દોષનું સેવન કર્યા પછી દાતા અને શ્રમણ બંનેએ પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરી શુદ્ધ થઈ જવું જોઈએ.
(૩) સંયમ ગુણ રહિત અસંયત, અવિરત સાધુને સદોષ કે નિર્દોષ આહારદાનથી પાપકર્મનો બંધ થાય છે. તે સાધુ લિંગ અને આચાર-વિચારથી જિનમતાનુયાયી નથી. પરંતુ બાહ્યવૃત્તિથી માત્ર ભિક્ષા ગ્રહણ કરે છે. અથવા સ્વલિંગી હોવા છતાં જૈન શ્રમણાચારના મુખ્ય પ્રસિદ્ધ આચારોનું ઉલ્લંઘન કરી તેનું પ્રાયશ્ચિત્ત કરતા નથી અને મહાવ્રતોનું પાલન કરતા નથી, તેમજ શ્રમણોના ગુણોથી સંપન્ન નથી, તેવા સાધુને શ્રમણ સમજીને, ગુરુબુદ્ધિથી આહાર વહોરાવનાર દાતા ખોટી સમજણથી મિથ્યાત્વનું સેવન કરે છે. તે ઉપરાંત તેવા સાધુ પણ તે આહાર ગ્રહણ કરીને અસંયમ ભાવોની પુષ્ટિ કરે છે. તેથી આ પ્રકારના દાનથી દાતાને નિર્જરાનો લાભ મળતો નથી. પરંતુ એકાંત પાપકર્મનો બંધ થાય છે.
આ રીતે સુત્રોક્ત ત્રણે વિકલ્પોને જોતાં સ્પષ્ટ થાય છે કે દાનના લાભનો આધાર દાતાની ભાવવિશુદ્ધિ