________________
*
★
★
*
૧૨૦
શ્રી ભગવતી સૂત્ર–૩
શતક-૮ : ઉદ્દેશક-૩
સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં વૃક્ષના ત્રણ પ્રકાર, આત્માની અછેદ્યતાદિ તેમજ રત્નપ્રભા પૃથ્વીમાં ચરમત્વઅચરમત્વ આદિ વિષયોનું પ્રતિપાદન છે.
વૃક્ષના ત્રણ પ્રકાર છે. સંખ્યાત જીવિક, અસંખ્યાત જીવિક અને અનંત જીવિક. (૧) જેમાં સંખ્યાતા જીવ છે તે તાડવૃક્ષ, નાળિયેર આદિ સંખ્યાત જીવિક છે. (૨) જેમાં અસંખ્યાત જીવ છે તેના બે ભેદ છે. એકાસ્થિક અને બહુબીજક. એકાસ્થિક– જેમાં એક બીજવાળા ફળ હોય તે જેમકે– લીંબડો, આંબો, જાંબુ વગેરે. બહુ બીજક– જેમાં બહુ બીજવાળા ફળ હોય તે વડ, પીપળો, ઉંબરો (૩) અનંતજીવિક— જેમાં અનંત જીવ હોય તે બટેટા, મૂળા, આદુ આદિ.
અહીં સંખ્યાત, અસંખ્યાત અને અનંતજીવિક વૃક્ષોનું કથન છે, તે તેની કોઈ અવસ્થા અથવા તેના ફળની અપેક્ષાએ સમજવું. અન્યથા પ્રત્યેક વૃક્ષમાં તેની કૂંપળ આદિમાં અસંખ્યાત કે અનંત જીવ પણ હોઈ શકે છે.
કોઈ પણ જીવના અંગોપાંગનું છેદન થાય, તે અવયવ શરીરથી છૂટા પડી જાય, ત્યારે કેટલાક સમય સુધી બંને વિભાગની વચ્ચે પણ આત્મપ્રદેશો સંલગ્ન રહે છે પરંતુ તે આત્મપ્રદેશોને શસ્ત્ર, અગ્નિ, જલ આદિ અંશ માત્ર પણ બાધા પીડા પહોંચાડી શકતા નથી.
રત્નપ્રભા આદિ આઠ પૃથ્વી કોઈક અપેક્ષાએ ચરમ કે અચરમ આદિ નથી પરંતુ કોઈક અપેક્ષાએ તેમાં ચરમ કે અચરમપણું આદિ સંભવિત છે.
܀܀܀܀܀