________________
૩૬૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૨
ઉત્તર- હે ગૌતમ ! (૧) અન્ય જીવોને દુઃખ દેવાથી, (૨) અન્યને શોક ઉત્પન્ન કરવાથી, (૩) અન્યને વિષાદ અથવા વિલાપ કરાવવાથી, (૪) અન્યને આંસુ પડાવવાથી, (૫) અન્યને પીવાથી અને (૬) પરિતાપ પહોંચાડવાથી તથા (૭) બહુ પ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વોને દુઃખ પહોંચાડવાથી યાવતું (૧૨) તેને પરિતાપ આપવાથી જીવ અશાતાવેદનીય કર્મનો બંધ કરે છે. હે ગૌતમ ! આ રીતે જીવ અશાતાવેદનીય કર્મ બાંધે છે.
આ જ રીતે નૈરયિક જીવોના અશાતા વેદનીય કર્મબંધના વિષયમાં સમજવું જોઈએ. તેમજ વૈમાનિકો પર્યંતના જીવો સંબંધી અશાતા વેદનીય બંધ વિષયક કથન કરવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં શાતા વેદનીય કર્મબંધના ૧૦ કારણ અને અશાતા વેદનીય કર્મબંધના ૧૨ કારણોનું નિરૂપણ કર્યું છે. કર્મબંધના કારણો સૂત્રપાઠથી જ સ્પષ્ટ છે. સંક્ષેપમાં અન્ય જીવોને શાતા પમાડવાથી શાતાવેદનીય અને અશાતા પમાડવાથી અશાતાવેદનીય કર્મનો બંધ થાય છે.
અકર્કશ-કર્કશ વેદનીય અને શાતા–અશાતા વેદનીયનો તફાવત :
કર્કશવેદનીય કર્મ અશાતારૂપ છે અને અકર્કશવેદનીય કર્મ શાતારૂપ જ છે. તેમ છતાં બંનેમાં તફાવત છે કારણ કે બંનેના કર્મબંધના કારણમાં જ તફાવત છે.
અન્ય જીવોને અશાતા પહોંચાડવાથી અશાતા વેદનીય કર્મબંધ થાય અને ૧૮ પાપસ્થાનના સેવનથી કર્કશવેદનીય કર્મનો બંધ થાય છે. કેવળ અન્યને અશાતા પહોંચાડવી, તેનાથી ૧૮ પાપસ્થાનનું સેવન વિશેષ હાનિકારક છે, તેથી તજન્ય કર્મ પણ જીવને વિશેષ પીડા પહોંચાડે છે. કર્કશવેદનીય કર્મ અશાતા વેદનીય કર્મની પરાકાષ્ટા છે. જે અત્યંત કઠિનાઈથી ભોગવી શકાય છે. યથા- ગજસુકુમારની અંતિમ સમયની વેદના.
તે જ રીતે અન્યને શાતા પમાડવાથી શાતાવેદનીય કર્મનો બંધ થાય, જ્યારે ૧૮ પાપસ્થાનના ત્યાગથી અર્થાતુ સંયમભાવથી અકર્કશ વેદનીય કર્મનો બંધ થાય છે. અકર્કશ વેદનીય શાતા રૂ૫ છે. તેમ છતાં તે શાતાવેદનીય કર્મની પરાકાષ્ટા છે. યથા– સંયમની આરાધનાથી પ્રાપ્ત અનુત્તર વિમાનનો ભવ.
શાતા વેદનીય કર્મનો બંધ ૨૪ દંડકના જીવો કરી શકે છે, જ્યારે અકર્કશવેદનીય કર્મનો બંધ મનુષ્યો જ કરી શકે છે. આ રીતે કર્કશ અને અકર્કશ વેદનીય કર્મ અશાતા અને શાતા રૂપ હોવા છતાં તેની પરાકાષ્ટા છે, તેમ સમજવું.
દુષમદુષમા કાલ :१७ जंबुद्दीवे णं भंते ! दीवे भारहे वासे इमीसे ओसप्पिणीए दुसमदुसमाए