________________
પરિશિષ્ટ-૨ .
| ૪૦૯ |
અત્યંત ભારે હોવાથી બાળકનું નામ વજ રાખ્યું અને સાધ્વીઓને તે બાળક સોંપી દીધો. સાધ્વીઓએ શય્યાતર(શ્રાવક)ને ત્યાં બાળકને રાખ્યો અને તેને ધર્મ સંભળાવતા રહ્યા.
બાળક શાંત થઈ ગયો છે તે સાંભળી સુનંદાએ શય્યાતર પાસે બાળકની માંગણી કરી, પણ તેણે ના પાડી કે આ તો અમને સોંપવામાં આવેલી થાપણ છે, તે અમે તને આપી ન શકીએ. સુનંદા પ્રતિદિન ત્યાં આવતી, બાળકને સ્તનપાન કરાવી ચાલી જતી. ત્રણ વર્ષ પછી ધનગિરિ મુનિ પુનઃ તે નગરમાં પધાર્યા સુનંદાની પુત્ર પ્રાપ્તિની લાલસા તીવ્ર બની. તેણે ધનગિરિ મુનિ પાસે પુત્રની માંગણી કરી, મુનિએ કહ્યું ભિક્ષામાં પ્રાપ્ત વસ્તુ અમે પાછી ન આપીએ. સુનંદા રાજસભામાં ગઈ અને પુત્રને પાછો અપાવવા રાજાને વિનંતી કરી. રાજાએ ધનગિરિ મુનિને બોલાવ્યા. મુનિએ કહ્યું સુનંદાએ મને પુત્ર દાનમાં આપી દીધો છે. નગરજનોએ સુનંદાનો પક્ષ લીધો ત્યારે રાજાએ ન્યાય કરવા કહ્યું કે બાળક જેની પાસે જશે તેને બાળક સોંપવામાં આવશે.
બાળકને બોલાવવાની પ્રથમ તક માતાને આપવામાં આવી. માતાએ રમકડા, મીઠાઈ વગેરે બતાવી બાળકને બોલાવવાનો પ્રયત્ન કર્યો. બાળક વજકુમારે તેની માતાને જોઈ પણ તે તરફ પગ ન ઉપાડયા. માતાએ ત્રણ વાર તેને બોલાવ્યો પણ તે માતા પાસે આવ્યો નહીં. પશ્ચાત્ ધનગિરિ મુનિએ કહ્યું, “વજ ! કર્મરજને દૂર કરવા આ રજોહરણ ગ્રહણ કર.”
આ સાંભળતાં જ બાળક દોડયો અને રજોહરણ હાથમાં લઈ લીધો. રાજાએ ધનગિરિમુનિને બાળક સોંપી દીધો. સુનંદાએ વિચાર્યુ-મારા પતિ, પુત્ર બંને પ્રવ્રજિત થઈ ગયા છે. તો હવે મારે ઘરમાં રહીને શું કરવું? હવે મારે માટે પણ પ્રવ્રજ્યા ગ્રહણ કરવી તે જ શ્રેષ્ઠ છે; તેમ વિચારી તે પણ પ્રવ્રજિત થઈ ગઈ.