________________
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક
પૂ. શ્રી જયંતમુનિ મ.સા. સ્થાનાંગસૂત્રના કેન્દ્રબિંદુઓ -
ઠાણાંગ સૂત્રમાં “ઠાણાંગ” શબ્દ ઘણો જ ભાવવાહી છે. “ઠાણાં' માં “સ્થાન’ શબ્દ ફક્ત સ્થાનવાચી નથી પરંતુ વિશ્વચક્રના તમામ ક્રિયા કલાપો, ચાહે જડના હો કે ચેતનના હો, ક્ષણિક હો કે લાંબી - ટૂંકી સ્થિતિના હો કે શાશ્વત ભાવોના હો, એ બધા ક્રિયા કલાપોના જે કાંઇ કેન્દ્રબિંદુ છે તે કેન્દ્રબિંદુને આ શાસ્ત્રમાં “સ્થાન” શબ્દથી સંબોધિત કરેલ છે. આ બધાં કેન્દ્રબિંદુઓ ગુણાત્મક પણ છે અને ભાવાત્મક પણ છે અને એ જ રીતે ક્રિયાત્મક પણ છે. એક કેન્દ્રબિંદુમાંથી પ્રગટ થતાં ઘણા ભાવોનું પ્રદર્શન આ શાસ્ત્રમાં કર્યું છે. આ શાસ્ત્રમાં જ્યાં એક કેન્દ્રબિંદુથી એકાત્મભાવનું દર્શન કરાવ્યું છે ત્યાં સંગઠિત કેન્દ્રબિંદુઓથી સંગઠિત ભાવોનું દર્શન જોવા મળે છે. આ બધાં ભાવોની વ્યાખ્યામાં વિશેષતા એ છે કે તેઓને સંખ્યાત્મક બનાવી ક્રમબદ્ધ પ્રદર્શિત કર્યા છે. ક્યારેક ક્યારેક દશની સંખ્યાવાળા કેન્દ્રબિંદુઓમાં ફરીથી પાંચની સંખ્યાવાળા કેન્દ્રબિંદુઓનો ઉલ્લેખ કરી દશ કેન્દ્રબિંદુની ગણતરી સ્વયં શાસ્ત્રકારે કરી છે.
ઠાણાંગ સૂત્રની રચના કરતાં, રચનાકારે ઇચ્છિત સંખ્યામાં જે જે કેન્દ્રબિંદુઓ જોવા મળ્યા તે સમગ્ર બિંદુઓને તેમણે એકથી દસ સુધીની સંખ્યામાં આવરી લીધા છે. ફલતઃ સમ્રગ શાસ્ત્ર વૈવિધ્યથી ભરેલું છે. ગમે ત્યારે ગમે તે ભાવોને ગણતરીમાં મૂકી ક્ષણે ક્ષણે ખરું પૂછો તો પદે પદે વિષયાતંર કરવામાં આવ્યું છે. સહજભાવે વિષય સામે આવી ગયું હોય તો શાસ્ત્રકારને તે સામ્યભાવ પ્રદર્શિત કરવામાં જરા પણ સંકોચ નથી. તે જ રીતે અસામ્યભાવોને અથવા વિષયાતરને સ્પર્શ કરવામાં પણ શાસ્ત્રકારે જરાય સંકોચ અનુભવ્યો નથી. કારણ કે એક વિષય ઉપર શાસ્ત્રકારે સળંગ નિબંધની પ્રરૂપણા આ શાસ્ત્રમાં કરી નથી પરંતુ દુષ્ટાને, અધ્યતાને, વિશ્વવ્યાપી કેન્દ્રબિંદુઓનું નિર્દેશન થાય એ જ શાસ્ત્રકારનો અભિધેય છે.