________________
પરિશિષ્ટ-૩
.
[ ૨૧૫ ]
જીવની કાલલબ્ધિનો પરિપાક થાય ત્યારે તે અવ્યવહાર રાશિમાંથી બહાર નીકળે છે. તે જીવમાં મોક્ષમાં જવાની યોગ્યતા રૂપ ભવીપણાનો સ્વભાવ હોય, તો તે રત્નત્રયીની આરાધના કે આત્મસાધના કરે છે. મોક્ષમાં જવાની યોગ્યતા હોવા છતાં દરેક ભવી જીવો મોક્ષે જતાં નથી. જેની ભવિતવ્યતાનિયતિ હોય અર્થાત્ જે જીવમાં મોક્ષ પ્રાપ્તિની નિયતિ હોય, તે જીવ તથા પ્રકારના કાલ, સ્વભાવ આદિના સંયોગે પુરુષાર્થ કરે છે. અન્ય જીવો તથા પ્રકારનો પુરુષાર્થ કરી શકતા નથી અને કદાચ કરે તો સફળ થતાં નથી.
જે જીવની કાલલબ્ધિ, સ્વભાવ અને નિયતિ મોક્ષ ગમનને યોગ્ય હોય, તે જીવ પૂર્વકર્મના ઉદયે સાધનાને યોગ્ય સાધનો પ્રાપ્ત કરે છે. સાધનાને યોગ્ય સાધનો પામીને પણ સાધક વર્તમાનમાં સમ્યક પુરુષાર્થ કરે, ત્યારે તે યથાક્રમે સર્વ કર્મનો ક્ષય કરીને મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે. જો પુરુષાર્થ ન કરે, તો પૂર્વના ચાર સમવાય સફળ થતાં નથી. આ રીતે કોઈપણ કાર્ય પાંચ સમવાયના સમન્વયથી થતાં રહે છે. છદ્મસ્થોની દષ્ટિમાં કે અનુભવમાં ક્યારેક પાંચ સમવાય નજરે પડે અને ક્યારેક એક—બે સમવાય જ કાર્ય સિદ્ધિમાં નજરે પડે છે, પરંતુ વાસ્તવમાં પાંચ સમવાય કાર્યશીલ હોય છે.
જીવ વર્તમાને વિવિધ પ્રકારની પ્રવૃત્તિરૂપ પુરુષાર્થ કરે છે. તેમાં તેની વૃત્તિ અને પ્રવૃત્તિ અનુસાર તેને નવા કર્મોનો બંધ થાય છે. તે કર્મોનો ઉદય થતાં તેનું શુભાશુભ ફળ જીવને ભોગવવું પડે છે. તે કર્મફળ ભોગવતા જીવ પુનઃ કર્મબંધ કરે છે.
આ રીતે કર્મનો બંધ, ઉદય, પુનઃ બંધ, ઉદય આ ચક્ર ચાલ્યા કરે છે. તેથી પાંચ સમવાયમાંથી પૂર્વકૃત કર્મો અને વર્તમાન પુરુષાર્થની મુખ્યતા પ્રાયઃ પ્રતીત થાય, પરંતુ પૂર્વકૃત કર્મ અને પુરુષાર્થ સાથે કાલ, સ્વભાવ અને નિયતિ પણ કામ કરે છે. કાલ, સ્વભાવ અને નિયતિને આધીન થઈને જીવનો અંતર્મુખી સમ્યક પુરુષાર્થ બલવત્તર બને, ત્યારે જીવ કર્મબંધ-ઉદયના ચક્રને તોડીને સર્વ કર્મોનો ક્ષય કરીને મોક્ષગતિને પ્રાપ્ત કરે છે.
સંક્ષેપમાં પ્રગટપણે કે અપ્રગટપણે, મુખ્યપણે કે ગૌણપણે પાંચે સમવાય સામૂહિક રૂપે કાર્યની સફળતામાં સહાયક બને છે. પ્રત્યેક કાર્યમાં પાંચ સમવાયનું યોગદાન હોય છે. એક સમવાયનો આગ્રહ અને અન્ય સમવાયનો તિરસ્કાર કરવો યોગ્ય નથી. એક સમવાયનો સ્વીકાર અને અન્યનો અસ્વીકાર કરવો, તે મિથ્યાદર્શન છે. અનેકાંત દષ્ટિકોણથી પાંચ સમવાયનો સ્વીકાર કરવો, તે સમ્યગ્દર્શન છે.
એકાંતે કાલ, સ્વભાવ કે નિયતિને જ મહત્તા આપવાથી જીવનો પુરુષાર્થ મંદ થઈ જાય છે, તેનાથી જીવ નિરુદ્યમી કે આળસુ બની જાય છે અને એકાંતે પૂર્વકૃત કર્મ અને પુરુષાર્થને જ સ્વીકારવાથી ક્યારેક પરિણામોમાં કર્મફળમાં વિચિત્રતા જોઈને શ્રદ્ધા ચલિત થઈ જાય, તેના અંતરમાં રાગ-દ્વેષ આદિ વિષમભાવ પ્રગટ થાય છે. તેથી સમભાવની સાધના માટે નિયતિ, કાલ, સ્વભાવને તથા જીવન વ્યવહારની સફળતા માટે કર્મ અને પુરુષાર્થને, એમ સર્વ મળી પાંચે સમવાયનો સ્વીકાર કરવો, તે જ મોક્ષ સાધનામાં પૂર્ણતયા હિતાવહ છે.
-મુકુંદભાઈ પારેખ (ગોંડલ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org