________________
૪૨૮
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
દ્વારા આખું જગત સ્વીકારતું થઈ ગયું છે કે પાણી અને વનસ્પતિમાં ચેતન છે અને લાગણી પણ છે. આ જગતકલ્યાણનો અનુપમ ઉપકાર કશાય બાહ્ય સાધન વિના આત્મજ્ઞાનથી જ જાણનાર એ મહાન તત્ત્વચિંતક તપસ્વી શ્રી મહાવીરના ઉદાર ચરિત્રની, પ્રભાવની અને વાણીની પ્રસાદીરૂપ છે, એમ આજે પાશ્ચાત્ય વિદ્વાનો પણ મુક્તકંઠે ઉચ્ચારે છે. આ ઉપરથી એ પણ ફલિત થયું કે જ્ઞાન બહાર નથી; બહાર દેખાય છે તે જ્ઞાનના માત્ર સાધનો છે, જ્ઞાન નહિ. એટલું જાણ્યા પછી કયો આત્માર્થી અંતર તરફ નહિ વળે?
(ઉદ્દેશક ૧, ગાથા ૧૩) કર્મ એ જ ભવભ્રમણનું અને સંસારની વિચિત્રતાનું કારણ છે. આ વાતને એક યા બીજી રીતે બધા આસ્તિકવાદી દર્શનો, મતો અને ધર્મો સ્વીકારે છે. કર્મ પોતે જડ હોવા છતાં જ્યાં સુધી જીવને તેનો સંગ હોય ત્યાં સુધી તેને જન્મમરણના ચક્રમાં ફરવું અને જગત સાથે સંબંધિત રહેવું અનિવાર્ય છે. એટલે જો કર્મ છે તો પુનર્ભવનો સ્વીકાર પણ કરવો જ પડે છે અને હવે તો પ્રત્યેક પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાની પણ એ વાત કબૂલ કરતા થઈ ગયા છે. એટલે આ સિદ્ધાંતને આથી વધુ દલીલોની આવશ્યકતા દેખાતી નથી. પરંતુ કર્મવાદનો સ્વીકાર કરવા છતાંયે આજે બહોળા વર્ગની એ માન્યતા છે કે આખો સંસાર સ્વયં નિયમિત અને વ્યવસ્થિત ચાલે છે. એટલે કે જે જીવાત્માઓ જે યોનિમાં જન્મે છે તે પાછા ત્યાં જ જન્મી કર્મ એકત્રિત કરી મરીને પુનઃ તે તે સ્થાનોમાં અને યોનિઓમાં જન્મે છે. જ્યાંના કર્મ હોય ત્યાં જ તેને અવતરવું રહ્યું. જગતમાં જે કંઈ નિયમિતતા અને વ્યવસ્થિતિ દેખાય છે તેનું કારણ કર્મનો નૈસર્ગિક કાયદો જ છે. પણ નિયમિતતા અને વ્યવસ્થિતિ બીજા પદાર્થોને તેની યોગ્યતા પ્રમાણે નિયમિત અને વ્યસ્થિત રાખે એટલું જ એનું કાર્ય. કર્મ એ પોતે તો વિચિત્ર છે જ. મોરને પીંછા આવે, ગાયનેશિંગડા આવે અને ગજરાજ ને સૂંઢ આવે એ દેખાતી જગતની વિચિત્રતા કર્મની વિચિત્રતાને જ આભારી છે અને વિચિત્ર કર્મોનું પરિણામ પણ ભિન્ન હોવું જ જોઈએ. બધાં કર્મોનું પરિણામ એક જ રૂપે કેમ હોઈ શકે?
ભગવાન મહાવીરે પોતાની સર્વજ્ઞતા દ્વારા એમ સ્વીકાર્યું છે કે સ્થાવર અને ત્રસ કોઈ પણ જીવો પોતાના શુભાશુભ કર્મકારા નીચ કે ઉચ્ચ યોનિઓમાં જઈ શકે છે. તે ત્યાંના ત્યાં જન્મે એવો જરૂરી નથી અને ન્યાયપૂર્ણ પણ નથી. અનુભવ પણ એમ જ કહે છે કે જે કર્મમાં જીવાત્માનેવિકાસ આપવાની શક્તિ હોય તે કર્મમાં જીવને પતન આપવાની પણ શક્તિ હોવી અસ્વાભાવિક નથી. જો કર્મ એક જ પ્રકારનાં હોતાં નથી તો તેનાં પરિણામો પણ ભિન્ન ભિન્ન કોઈ યોનિમાં ઉત્પન્ન થવું એ આત્માના ઉચ્ચ કે નીચ સંસ્કારો પર નિર્ભર છે. જે જાતના જીવન સંસ્કારો હોય તે જાતની યોનિમાં તે જીવ યોજાઈ રહે એ કર્મના અચળ અને વ્યાપક કાયદાને આભારી છે અને તે ઊંડું વિચારતાં સ્પષ્ટ સમજાય તેવી બીના છે. સંસ્કારોમાં અજ્ઞાનજન્ય ક્રૂરતા અને સ્વાર્થ હોય તો તે સંસ્કારો જંગલી ભયંકર પશુયોનિમાં જ લઈ જાય, કારણ કે તેમનું સ્વજાતિય તત્ત્વત્યાં હોય. સારાંશ કે કર્મની વિચિત્રતાનું મુખ્ય કાર્ય તો યોનિનું પરિવર્તન કરવું એ છે. સાધન સંપત્તિ મળવી કે ન મળવી એ તેના કર્મની ઉપલી બાજુ છે કે જેનો સીધો સંબંધ આત્મા સાથે નહિ પણ માત્ર દેહ સાથે છે. આને પુણ્ય અને પાપ તરીકે ઓળખવામાં આવે છે. પણ તે સાધનરૂપ હોય છે. સાધનનો સંબંધ સાધ્ય સાથે સમવાયરૂપે નિત્ય અને અનિવાર્ય હોતો નથી.ચિત્ત ઉપર જે સંસ્કારો પડે છે તે તો જીવાત્માની સ્થિતિ જ છે અને તે સ્થિતિ જુદી જુદી ગતિ અને ગતિમાં રહેલી ભિન્ન ભિન્ન યોનિઓમાં નિયમને અધીન બની જીવને ખેંચી જાય છે. પરિણામે,એકની એક ગતિ કે એકની એક યોનિમાં જીવની રહેવાની વિચારણા આ સૂત્રથી નિરસ્ત થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org