________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચનપરાગ
૧. જિજ્ઞાસા જ્ઞાનપ્રાપ્તિની જિજ્ઞાસા સર્વ વ્યક્તિમાં વિદ્યમાન છે. જ્યાં સુધી જીવન છે, ત્યાં સુધી કોઈ પણ પ્રશ્ન અંગે જાણવાની - તેમાં ઊંડા ઊતરીને તેનો તાગ મેળવવાની જિજ્ઞાસા રહેવાની. આપણે તેને પ્રશ્ન કહીએ, શંકા કહીએ કે જિજ્ઞાસા; પરંતુ જ્યાં સુધી તેમાં અપૂર્ણતા છે ત્યાં સુધી પૂર્ણતાને પામવા ને સમજવા પ્રશ્ન ઉપસ્થિત થાય તે સ્વાભાવિક છે.
પ્રશ્નો વિવિધ સ્વરૂપના હોય છે. કેટલાક એવા ગંભીર પ્રશ્નો હોય છે, કે જે ઊંડાં ચિંતન ને મનનમાંથી જન્મે છે. કેટલાક પ્રશ્નો સામાન્ય હોય છે, જે હરતાંફરતાં પણ મનઃસ્થિતિ પર આકાર પામતા હોય છે, પરંતુ તે પ્રશ્નોનું બહુ મૂલ્ય હોતું નથી. જે પ્રશ્નો, દીર્ધકાળ પર્યત ચિંતન અને મનનમાંથી જન્મે છે તેનું મૂલ્ય કીમતી મોતી જેવું છે. ઊંડા ચિંતન પછી જે પ્રશ્નો આવશે તે પ્રશ્ન વિચારણીય અને મનનીય હશે : તે જીવનની સફળતાના અધ્યયનમાં માર્ગદર્શન રૂપ બની જશે.
જીવનમાં ઘણા એવા પ્રશ્નો હોય છે જે મનમાં ઘૂમરાતા હોય છે. તેની અભિવ્યક્તિ માટે કેટલીક વખત તક સાંપડતી નથી, જેથી આ પ્રશ્નોનું યોગ્ય સમાધાન મળતું નથી.
પ્રશ્ન એવો વિષય છે જે જિજ્ઞાસાથી અને શ્રદ્ધાની ભૂમિકા પર જે પૂછવામાં આવે અને તેની પાછળ જાણવાની-સમજવાની ઉત્સુકતા હોય તો તેનાથી સંતોષ પ્રાપ્ત થાય. પરંતુ પૂછવા ખાતર કે પોતાની હોંશિયારી અને ચતુરાઈ બતાવવા ખાતર પુછાતા પ્રશ્નોથી આત્મતૃપ્તિ પ્રાપ્ત થઈ શકે નહીં. આવી દૃષ્ટિ હોય તો પ્રશ્નોના ઉત્તરમાંથી મધુરતા મળે નહીં.
પ્રશ્ન હંમેશા જિજ્ઞાસાની દૃષ્ટિથી કરવો જોઈએ. મારે જાણવું છે, સમજવું છે એવી એની પાછળની ભાવના હોવી જોઈએ. જે પ્રશ્ન મનના ઊંડાણમાંથી ઉદ્ભવે છે તેનું સમાધાન થયા વગર રહેતું નથી. શાંતિ, એકચિત્ત અને મનની એકાગ્રતાથી સ્વયં કેટલાક પ્રશ્નોનું સમાધાન થઈ જતું હોય છે. પ્રશ્ન એ ચિત્તમાં ઊઠતી લહેર છે. સમુદ્રમાં જેમ તોફાન અને વાવાઝોડું આવે ત્યારે લહેરો ઊમટે છે તેમ સંસારના કારણે આપણા ચિત્તમાં લહેરો ઊમટે છે, અને તે પ્રશ્ન બની જાય છે. પાણી સ્થિર થઈ જાય, ત્યારે લહેરો શમી જાય છે. તેમાં પ્રતિબિંબ જોઈ શકાય છે. મન અને ચિત્ત શાંત હોય ત્યારે પ્રશ્નનું સમાધાન તેમાં ડૂબકી મારવાથી એની મેળે જ થઈ જાય છે. પછી આ પ્રશ્નના સમાધાન માટે બીજે ક્યાંય જવાની જરૂરિયાત રહેતી નથી.
ભગવાન મહાવીર, કૃષ્ણ અને રામે કોઈ પ્રશ્ન પૂછ્યા નહોતા. જ્યાંથી પ્રશ્ન ઉપસ્થિત થયા ત્યાંથી જ તેમણે સમાધાન શોધી લીધું હતું. તેમણે પોતાનામાં જ સ્વયં આંદોલન પ્રગટ કર્યું હતું અને ચિત્તવૃત્તિઓ પર અંકુશ મેળવીને શુદ્ધિ દ્વારા સાધના પરિપૂર્ણ કરી હતી. વર્તમાનમાં આ પરિસ્થિતિ નથી. કેટલાક પ્રશ્નો જીવન પર્યંત
For Private And Personal Use Only