________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
જીવન વિકાસનાં વીસ સોપાન સહિત પ્રસ્તાવ આવ્યા હતા. બરાબર ચકાસણી કરીને તેણે એક સુંદર કન્યા પસંદ કરી, વરરાજા બની લગ્ન કરવા ઘોડી પર સવાર થયો. બહુમૂલ્ય વસ્ત્રો અને અલંકારોથી સજ્જ મોટી જાન સાથે તે સાસરે પહોંચ્યો સસરાજીએ તેનું તથા જાનૈયાનું બહુમાન કર્યું. કન્યાની સાથે તેને લગ્ન મંડપમાં બેસાડ્યો. હસ્તમેળાપના સમયે તેણે પોતાનો હાથ લાંબો કર્યો પણ કન્યાનો હાથ તેના હાથમાં આવ્યો નહિ, પરંતુ અચાનક એક ડંડો તેના હાથ પર પડ્યો. તેની ઊંઘ ઉડી ગઈ તેણે કહ્યું “અરે ચોકીદારજી ! ફક્ત બે મિનિટ તમે રોકાઈ ગયા હોત તો મારો હસ્તમેળાપ થઈ જાત.” ચોકીદારે સાશ્ચર્ય તેની સામે જોયું ત્યારે તેણે પોતાના સ્વપ્નની પૂરી વાત કહી.
ચોકીદાર - “મેં જાણ્યું કે તું કોઈ ચોર છું કારણ કે તારો હાથ ઝવેરીની દુકાનના તાળા તરફ લાંબો થયો હતો. તેથી મેં તરત જ ડંડાનો પ્રહાર તારા હાથ પર કર્યો. મેં મારી ફરજ બજાવી. મને શું ખબર કે તે સ્વપ્નમાં હસ્તમેળાપ માટે હાથ લંબાવ્યો હતો. પણ ભાઈ ! હવે કોઈ દિવસ સ્વપ્નમાં લગ્ન ન કરતો, નહિ તો આવી જ મુશ્કેલી થશે.
એક કાપડના વ્યાપારીને તેની દુકાનમાં એક દિવસ ઘણો વકરો થયો. આખો દિવસ તે ગ્રાહકોને કાપડ ફાડીને આપતો રહ્યો. એક મિનિટની કે ખાવાની પણ તેને ફુરસદ ન હતી. થાક્યો પાક્યો રાત્રે ઘરે જઈને જમી પરવારી સૂઈ ગયો. સ્વપ્નમાં તેણે એ દુકાનની ભીડ જોઈ ગ્રાહકોને કપડા ફાડીને આપવાની સર્વ ક્રિયા કરતો રહ્યો. સવારે જ્યારે તેની ઊંઘ પૂરી થઈ અને જાગ્યો ત્યારે તેણે જોયું કે અંગ પરનું વસ્ત્ર ન હતું પણ તેના આઠ દસ ટૂકડા પડ્યા હતા. સ્વપ્નદશામાં આવી મુશ્કેલીઓ ઊભી થાય છે.
જેનું મન વશ નથી પણ વિવશ છે તે સ્વપ્નમાં પણ વિવશ બની જાય છે, માટે જાગૃત અવસ્થામાં મનને વશ રાખીને સંયમિત બનાવવું આવશ્યક છે.
૧૯. વિવેક વિવેકીઓ!
મનઃ સંયમના વિષયમાં આપણે જોયું કે ચિંતનનો સંબંધ મન સાથે છે. વિવેકનો સંબંધ બુદ્ધિ સાથે છે.
हेयोपादेयज्ञानं विवेकः।। ત્યાગ કરવા જેવું શું છે, અને ગ્રહણ કરવા જેવું શું છે, તેના જ્ઞાનને ભગવાન વિવેક કહે છે.
For Private And Personal Use Only