________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિજી અનેરા આત્મસાધક હતા. એમનું લક્ષ સદાય આત્મા તરફ જ રહેતું. જેની નજર આત્મા પર હોય, જેને રટણા કે ચિંતન આત્માનું ચાલતું હોય, એને આ દેહની શી પરવા હોય ? એમની આગળ શારીરિક પીડા ગૌણ બની જતી. સામાન્ય દર્દની તો એમણે કદી પરવા જ કરી નથી. ભારે શારીરિક વેદના થતી હોય, ત્યારે પણ એમના ઉદ્ગારો શરીર અંગેના નહિ પણ આત્માને લગતા જ હોય.
ગમે તેવું દર્દ હોય, ગમે તેટલો તાવ હોય, પણ કયારેય એમના મુખમાંથી ઊંહકારો નીકળતો નહિ. તેઓ કહેતા કે મારી તો ત્રણ દવા છે: એક ત્રિફળા, બીજી સુદર્શન ઘનવટી અને ત્રીજું એરંડિયુ. કયારેક ત્રણ-ત્રણ દિવસથી તાવ આવતો હોય છતાં સાધુજીવનની બધી જ ક્રિયાઓ ચાલતી હોય. જાતે જ પ્રતિક્રમણ કરે. સાથેના સાધુને પણ ખ્યાલ આવવા ન દે કે એમને ખૂબ તાવ છે કે છાતીમાં સખત દુઃખાવો છે. પાલીમાં એમનો ચાતુર્માસ હતો ત્યારે એમને લૉ બ્લડ પ્રેશરની તકલીફ ઊભી થઈ. છાતીમાં પીડા થવા લાગી. કોઇનેય કહ્યા વગર એક જૈન ડૉકટરને ત્યાં પહોંચી ગયા. એમણે કહ્યું કે મને બ્લડ પ્રેશર છે કે નહિ એની જરા તપાસ કરવાની છે. પોતાની સાથે વિશાળ શિષ્યસમુદાય હોવા છતાં કોઈનેય કષ્ટ ન આપવાની કેટલી બધી જાગૃતિ !
આ ચાતુર્માસ સમયે આચાર્યશ્રી પાસે બેત્રણ જયોતિષવિદ્ આવી ચડયા. એમણે પૂ. આચાર્યશ્રીને કહ્યું કે, “સાહેબ, અમારે આપની કુંડળી જોવી છે.”
આ સમયે પૂ. આચાર્યશ્રીએ એટલું જ કહ્યું, “મારે બીજું કશું જોવું નથી. માત્ર અંતિમ સમયમાં સમાધિ રહેશે કે નહિ તે જુઓ.”
પૂ. આચાર્યશ્રી પોતે પણ જયોતિષમાં પારંગત હતા. એમના કાળધર્મના પાંચ વર્ષ અગાઉ એક એવી વાત વહેતી થઈ કે કારતક સુદ પૂનમે અશુભ બનવાનું છે. કેટલીક વાતો પગે ચાલતી નથી, પણ પવન વેગે ઊડતી હોય છે. આમ આ વાત સર્વત્ર ફેલાઈ ગઈ. કોઈએ કહ્યું કે એક ભાઈને આચાર્યશ્રી બુધ્ધિસાગરસૂરિજીનો સાક્ષાત્કાર થયો અને યોગનિષ્ઠ આચાર્યશ્રીએ આવો સંકેત કર્યો. કારતક સુદ પૂનમના દિવસે પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજી મહેસાણામાં બિરાજમાન હતા. કેટલાક શ્રાવકો એમની પાસે દોડી ગયા અને કહ્યું, “આચાર્યશ્રી, તમારા વિના તો અમે નિરાધાર થઇ જઇશું.”
આચાર્યશ્રી તો તદન સ્વસ્થ હતા. જાણે જીવન કે મરણની તો કંઈ પરવા જ ન હોય.
શ્રાવકોએ વિનંતી કરી કે, “આપ તો ભીંતની પાછળનું પણ જોઈ શકો છો. અમને ખરેખર સાચું કહો.”
૧૫૦
For Private And Personal Use Only