________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અ. ૧૦ ઉપસંહાર ]
[ ૬૨૧ શંકાનો બીજો પ્રકાર એ છે કે જો કોઈ દ્રવ્ય પોતાના સ્વભાવને છોડતું નથી તો પછી કર્મરૂપ પદાર્થ પણ અકર્મરૂપ કેમ થાય? તેનું સમાધાન એ છે કે, કર્મ એ કોઈ દ્રવ્ય નથી, પણ સંયોગી પર્યાય છે. જે દ્રવ્યમાં કર્મપણાની પર્યાય થાય છે તે પુદ્ગલ દ્રવ્ય છે, અને તે તો સદા ટકી રહે છે તથા પોતાના વર્ણાદિ સ્વભાવને છોડતું નથી. પુદ્ગલ દ્રવ્યમાં તેની લાયકાત અનુસાર શરીરાદિ તથા માટી, પત્થર વગેરે કાર્યરૂપ અવસ્થા થાય છે અને તેની અવધિ પૂરી થતાં તે વિનાશ પામી જાય છે; તેવી જ રીતે કોઈ પુદ્ગલોમાં જીવ સાથે એકક્ષેત્રે બંધન થવારૂપ સામર્થ્ય અને જીવને પરાધીન થવામાં નિમિત્તપણું પ્રગટ થાય છે, જ્યાં સુધી મુગલોની એ દશા રહે છે ત્યાં સુધી તેને “કર્મ' કહેવાય છે. કર્મ એ મૂળ દ્રવ્ય નહિ હોવાથી, પણ પર્યાય હોવાથી તે પર્યાય ટળીને અન્ય પર્યાય થઈ શકે છે. પુદ્ગલ દ્રવ્યોની એક કર્મપર્યાય નષ્ટ થઈને બીજી જે પર્યાય થાય તે કર્મરૂપ પણ થઈ શકે છે અને અકર્મરૂપ પણ થઈ શકે છે. કોઈ એક દ્રવ્યને ઉત્તરોત્તર કાળમાં જો એક સરખી લાયકાત રહ્યા કરે તો તેની પર્યાય એક સરખી થતી રહે, અને જો તેની લાયકાત બદલે તો તેની પર્યાય જુદી જુદી જાતની થાય. જેમ કોઈ માટીમાં ઘડારૂપે થવાની લાયકાત હોય ત્યારે કુંભાર નિમિત્ત મળે અને તે માટી સ્વયં ઘડારૂપે થઈ જાય છે. ફરી પહેલી અવસ્થા બદલીને બીજી વાર ઘડો બની શકે છે, અગર કોઈ બીજી પર્યાય પણ થઈ શકે છે. એવી રીતે કર્મરૂપ પર્યાયમાં પણ સમજવું. જો “કર્મ' એ કોઈ નિરાળું દ્રવ્ય જ હોય તો તેનું અકર્મરૂપ થવું બની શકે નહિ, પરંતુ કર્મ એ કોઈ ખાસ દ્રવ્ય નહિ હોવાથી તે જીવથી છૂટી શકે છે અને કર્મપણું છોડીને અકર્મરૂપે થઈ શકે છે.
૩. એ પ્રકારે, જીવમાંથી કર્મરૂપ અવસ્થાને છોડીને પુદગલો અકર્મરૂપ ઘટપટાદિપણે થઈ શકે છે-એ સિદ્ધ કર્યું. પરંતુ જીવમાંથી અમુક કર્મો જ અકર્મરૂપે થવાથી જીવ કર્મરહિત થઈ જતો નથી, કેમ કે જેમ એક કર્મરૂપ પુદ્ગલો કર્મત્વને છોડીને અકર્મરૂપ બની જાય છે તેમ, જીવના વિકારનું નિમિત્ત પામીને, અકર્મરૂપ રહેલાં પુગલો કર્મરૂપ પણ પરિણમ્યા કરે છે. જ્યાં સુધી જીવ વિકાર કરે ત્યાં સુધી તેની પરતંત્રતા ચાલુ રહે છે અને બીજાં પુદ્ગલો કર્મરૂપ થઈને તેની સાથે બંધાયા કરે છે; એ રીતે સંસારમાં કર્મશૃંખલા ચાલુ રહે છે. અમુક કર્મોનું છૂટવું અને તેનું જ અથવા તો અન્ય અકર્મરૂપ પરમાણુઓનું નવા કર્મરૂપે થવું એવી પ્રક્રિયા સંસારી જીવોને ચાલ્યા કરે છે. પરંતુ કર્મ સદા કર્મ જ રહે છે, અથવા તો જીવો સદાય કોઈ અમુક જ કર્મોથી બંધાયેલા રહે છે, અથવા બધાં જ કર્મો સર્વ જીવોને છૂટી જાય છે અને સર્વ જીવો સર્વથા મુક્ત થઈ જાય છે-એમ નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com