________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૬ ]
[ મોક્ષશાસ્ત્ર પર્યાયને બીજાથી જાદા પાડી બીજા સાથેનો તેનો સંબંધ બતાવવા માટે ઉપર કહેલાં નામોથી સંબોધવામાં આવે છે. ઇંદ્રિયોને, ધર્માસ્તિકાયને, અધર્માસ્તિકાયને વગેરેને બલાધાનકારણના નામથી પણ ઓળખવામાં આવે છે, પરંતુ તે કોઈ પણ ખરું કારણ નથી; છતાં કોઈ પણ સમયે તેમની મુખ્યતાએ કોઈ કાર્ય થાય છે” એમ માનવું તે નિમિત્તને જ ઉપાદાન માનવા બરાબર અથવા તો વ્યવહારને જ નિશ્ચય માનવા બરાબર છે.
૧૦. ઉપાદાનકારણને લાયક નિમિત્ત સંયોગરૂપે તે તે સમયે અવશ્ય હોય છે, એવો સંબંધ ઉપાદાનકારણની (અર્થાત્ ઉપાદાનની) તે સમયની પરિણમનશક્તિને, જેના ઉપર નિમિત્તપણાનો આરોપ આવે છે તેની સાથે છે. ઉપાદાનને પોતાના પરિણમન વખતે તે તે નિમિત્ત આવવા માટે રાહુ જોવી પડે અને તે ન આવે ત્યાંસુધી ઉપાદાન પરિણમે નહિ–એવી માન્યતા ઉપાદાન અને નિમિત્ત એ બે દ્રવ્યોને એકરૂપ માનવા બરાબર છે.
૧૧. આ જ પ્રમાણે ઘડાનો કુંભાર સાથેનો અને રોટલીનો અગ્નિ, રસોયા વગેરે સાથેનો નિમિત્ત-નૈમિત્તિકસંબંધ જાણી લેવો. સમ્યજ્ઞાન પ્રગટ કરવા માટે જીવે પોતે પોતાના પુરુષાર્થથી પાત્રતા મેળવી હોય છતાં તેને સમ્યજ્ઞાન પ્રગટવા માટે સદ્દગુરુની રાહ જોવી પડે-એમ બને નહિ, પણ તે સંયોગરૂપે હોય જ; અને તેથી જ, જ્યારે ઘણા જીવો ધર્મ પામવાને તૈયાર હોય ત્યારે તીર્થકર ભગવાનનો જન્મ થાય છે અને તેઓ યોગ્ય સમયે કેવળજ્ઞાન પામે છે, તથા તેમનો દિવ્યધ્વનિ સ્વયં પ્રગટ છે-એમ સમજી લેવું.
(૮) તાત્પર્ય તાત્પર્ય એ છે કે આ અધ્યાયમાં કહેલા પાંચ ભાવો અને તેમના બીજાં દ્રવ્યોની સાથેના નિમિત્ત-નૈમિત્તિકસંબંધનું જ્ઞાન કરીને, બીજા બધા ઉપરથી લક્ષ ખેંચીને પરમપરિણામિકભાવ તરફ પોતાનો પર્યાય વાળતાં સમ્યગ્દર્શન થાય છે અને પછી તેનું બળ વધતાં સમ્યક્રચારિત્ર થાય છે, તે જ ધર્મમાર્ગ (-મોક્ષમાર્ગ) છે.
એ પ્રમાણે શ્રી ઉમાસ્વામીવિરચિત મોક્ષશાસ્ત્રના બીજા અધ્યાયની ગુજરાતી ટીકા પૂરી થઈ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com