________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૯૪
ઓગણપચાસમું પર્વ
પદ્મપુરાણ
અત્યંત આનંદ પામતા શ્રી રામની પાસે આવ્યા હનુમાન રામને જોવા લાગ્યા. અત્યંત સુંદર, સૂક્ષ્મ, સ્નિગ્ધ, શ્યામ, સુગંધી, વક્ર, લાંબા જેમના કેશ છે, લક્ષ્મીરૂપ વેલથી મંડિત, અત્યંત સુકુમાર અંગ, સૂર્ય સમાન પ્રતાપી, ચંદ્ર સમાન કાંતિધારી, પોતાની કાંતિથી પ્રકાશ કરનાર, નેત્રોને આનંદનું કારણ મહામનોહર, અત્યંત પ્રવીણ, આશ્ચર્ય ઉત્પન્ન કરનાર જાણે સ્વર્ગમાંથી દેવ જ આવ્યા હોય, દેદીપ્યમાન, નિર્મળ સુવર્ણના કમળના ગર્ભ જેવી જેમની પ્રભા છે, સુંદર કાન, સુંદર નાસિકા, સર્વાંગસુંદર, જાણે કે સાક્ષાત્ કામદેવ જ છે. કમળનયન, નવયુવાન, ચઢાવેલા ધનુષ જેવી જેમની ભ્રમર છે, પૂર્ણમાસીના ચંદ્રમા વદન, માણેક જેવા લાલ હોઠ, કુંદપુષ્પ જેવા ઉજ્જવળ દાંત, શંક સમાન કંઠ, મૃગેન્દ્ર સમાન સાહસ, સુંદર કટ, સુંદર વક્ષસ્થળ, મહાબાહુ, શ્રીવત્સલક્ષણ, દક્ષિણાવર્ત ગંભી૨ નાભિ, આરક્ત કમળ સમાન હાથ અને ચરણ, કોમળ ગોળ પુષ્ટ બન્ને જાંધ અને કાચબાની પીઠ જેવો ચરણનો અગ્રભાવ, અત્યંત કાંતિમાન, લાલ નખ, અતુલ બળ, મહાન યોદ્ધા, અતિ ગંભીર, અતિ ઉદાર, સમચતુરસ્ત્ર સંસ્થાન, વજ્રવૃષભનારાચ સંહનન, જાણે કે ત્રણે જગતની સુંદરતા એકઠી કરીને બનાવ્યા હોય, મહાન પ્રભાવશાળી, પરંતુ સીતાના વિયોગથી વ્યાકુળ ચિત્તવાળા, જાણે કે શચિરહિત ઇન્દ્ર બિરાજે છે અથવા રોહિણીરહિત ચંદ્રમા બેઠા છે. રૂપ-સૌભાગ્યથી મંડિત, સર્વ શાસ્ત્રોના વેત્તા, મહાશૂરવીર જેમની કીર્તિ સર્વત્ર ફેલાઈ ગઈ છે, અત્યંત બુદ્ધિમાન, ગુણવાન એવા શ્રી રામને જોઈને હનુમાન આશ્ચર્ય પામ્યા. તેમના શરીરની કાંતિ હનુમાન ૫૨ ફરી વળી. તેમનો પ્રભાવ જોઈને વશીભૂત થયેલ પવનના પુત્ર મનમાં વિચારવા લાગ્યા કે આ શ્રી રામ દશરથના પુત્ર, ભાઈ લક્ષ્મણ લોકશ્રેષ્ઠ આમના આજ્ઞાંકિત, સંગ્રામમાં જેમનું ચંદ્રમા સમાન ઉજ્જવળ છત્ર જોઈને સાહસગતિની વિધા વૈતાલી તેના શરીરમાંથી નીકળી ગઈ અને મેં ઇન્દ્રને પણ
જોયા છે, પરંતુ આમને જોઈને મારું હૃદય ૫૨મ આનંદસંયુક્ત અને નમ્રીભૂત થયું છે, આ પ્રમાણે આશ્ચર્ય પામ્યા. અંજનીનો પુત્ર, કમળલોચન શ્રી રામનાં દર્શન માટે આગળ આવ્યો અને લક્ષ્મણે પહેલાંથી જ રામને કહી રાખ્યું હતું તેથી હનુમાનને દૂરથી જ જોઈને ઊભા થયા, તેને હૃદય સાથે ભીડીને મળ્યા, પરસ્પર અત્યંત સ્નેહ થયો. હનુમાન અત્યંત વિનયથી બેઠા, શ્રી રામ પોતે સિંહાસન ૫૨ બિરાજ્યા. જેમની ભુજા ભુજબંધનથી શોભે છે. નિર્મળ નીલાંબ૨મંડિત રાજાઓના ચૂડામણિ, સુંદર હાર પહેરીને નક્ષત્રો સહિત ચંદ્રમા જેવા શોભે અને દિવ્ય પીતાંબર પહેરેલા, હાર-કુંડળ-કર્પૂરાદિ સંયુક્ત સુમિત્રાના પુત્ર શ્રી લક્ષ્મણ વીજળી સહિતના મેઘ જેવા શોભે છે. વાનરવંશીઓના મુગટ, દેવ સમાન જેમનું પરાક્રમ છે એ રાજા સુગ્રીવ જાણે લોકપાળ હોય એવા શોભે છે, લક્ષ્મણની પાછળ બેઠેલો વિરાધિત વિદ્યાધર જાણે કે લક્ષ્મણ નરસિંહનું ચક્રરત્ન હોય તેવો સોહે છે. રામની સમીપમાં હનુમાન પૂર્ણચંદ્રની સમીપમાં બુધ શોભે તેવા શોભે છે, સુગ્રીવના બે પુત્ર એક અંગ અને બીજો અંગદ સુગંધમાળા અને વસ્ત્રાભૂષણથી મંડિત કુબેર જેવા શોભે છે, નળ, નીલ અને સેંકડો રાજા શ્રી રામની સભામાં ઇન્દ્રની સભાના દેવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com