________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ છેતાળીસમું પર્વ
૩૭૩ શા માટે નથી પામતી ? પોતાના સુખનું સાધન કરવું એમાં દોષ શાનો? જે કાંઈ કરવામાં આવે છે તે પોતાના સુખ માટે કરવામાં આવે છે. અને મારું કહ્યું જો નહિ કરે તો તારું જે હોનહાર છે તે થશે. રાવણ મહાબળવાન છે, કદાચ તેની પ્રાર્થના તું સ્વીકારે નહિ અને તે કોપ કરશે તો તને આ વાતમાં નુકસાન જ છે. રામ-લક્ષ્મણ તારા સહાયક છે તે રાવણ કોપ કરશે તો જીવતા રહેશે નહિ માટે શીધ્ર વિદ્યાધરોના ઈશ્વરને અંગીકાર કર, જેની કૃપાથી પરમ ઐશ્વર્ય પામી દેવો સમાન સુખ ભોગવીશ. જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે જેની આંખો આંસુથી ભરેલી છે એવી જાનકીએ ગદગદ વાણીથી કહ્યું કે હું નારી ! તેં આ બધાં વચન વિરુદ્ધ કહ્યાં. તું પતિવ્રતા કહેવરાવે છે. પતિવ્રતાના મુખમાંથી આવાં વચન કેવી રીતે નીકળે? મારું આ શરીર છેદાઈ જાય, ભેદાઈ જાય, હુણાઈ જાય, પરંતુ હું અન્ય પુરુષને ઇચ્છીશ નહિ, રૂપમાં સનકુમાર સમાન હોય કે ઇન્દ્ર સમાન હોય, તે મારે શા કામનો ? હું બિલકુલ અન્ય પુરુષને ઇચ્છતી નથી. તમે બધી અઢાર હજાર રાણી ભેગી થઈને આવી છો તો પણ તમારું કહ્યું હું નહિ કરું. તારી ઇચ્છા હોય તેમ કર. તે જ સમયે રાવણ આવ્યો, મદનના આતાપથી પીડિત, જેમ તૃષાસુર મત્ત હાથી ગંગાને કિનારે આવે તેમ સીતાની સમીપે આવી મધુર વાણીથી આદરપૂર્વક કહેવા લાગ્યો કે હે દેવી! તું ડર ન રાખ, હું તારો ભક્ત છું. હું સુંદરી ! ધ્યાન દઈને એક વિનંતી સાંભળ, હું ત્રણ લોકમાં કઈ વસ્તુથી હીન છું કે તું મને ઇચ્છતી નથી? આમ કહીને સ્પર્શની ઇચ્છા કરવા લાગ્યો. ત્યારે સીતા ક્રોધથી કહેવા લાગી કે હે પાપી ! આઘો જા, મારા અંગને ન અડ. રાવણે કહ્યું કે કોપ અને અભિમાન છોડી પ્રસન્ન થા, શચિ ઇન્દ્રાણી સમાન દિવ્ય ભોગોની સ્વામીની થા. સીતાએ ઉત્તર આપ્યો કે કુશીલવાન પુરુષનો વૈભવ મળ સમાન છે અને શીલવાનને દરિદ્રતા જ આભૂષણ છે. જે ઉત્તમ વંશમાં ઊપજ્યા છે તેમને શીલની હાનિથી બેય લોક બગડે છે માટે મારે તો મરણ જ શરણ છે. તું પરસ્ત્રીની અભિલાષા રાખે છે તો તારું જીવન વૃથા છે. જે શીલ પાળીને જીવે છે તેનું જ જીવન સફળ છે. જ્યારે સીતાએ આ પ્રમાણે તિરસ્કાર કર્યો ત્યારે રાવણ ક્રોધથી માયાની પ્રવૃત્તિ કરવા લાગ્યો. બધી અઢારેય હજાર રાણીઓ જતી રહી અને રાવણની માયાના ભયથી સૂર્ય ડૂબી ગયો. મદઝરતી માયામયી હાથીઓની ઘટા આવી. જોકે સીતા ભયભીત થઈ તો પણ રાવણને શરણે ન ગઈ. પછી અગ્નિના તણખા ઊડવા લાગ્યા અને જીભના લબકારા મારતા સર્પો આવ્યા તો પણ સીતા રાવણના શરણે ન ગઈ. પછી અત્યંત ક્રૂર વાંદરા મોટું ફાડીને ઊછળી ઊછળીને આવ્યા, ભયાનક અવાજ કરવા લાગ્યા તો પણ સીતા રાવણના શરણે ન ગઈ. અગ્નિની જ્વાળા સમાન ચપળ જિવાવાળા માયામયી અજગરોએ ભય ઉત્પન્ન કર્યો તો પણ સીતા રાવણને શરણે ન ગઈ. વળી અંધકાર સમાન શ્યામ ઊંચા વ્યંતરો હુંકારા કરતા આવ્યા, ભય ઉપજાવવા લાગ્યા તો પણ સીતા રાવણને શરણે ન ગઈ. આ પ્રમાણે નાના પ્રકારની ચેષ્ટાથી રાવણે ઉપસર્ગ કર્યા તો પણ સીતા ન ડરી. રાત્રિ પૂરી થઈ, જિનમંદિરોમાં વાજિંત્રોના અવાજ થવા લાગ્યા, બારણાં ખૂલ્યાં, જાણે કે લોકોનાં લોચન જ ઊઘડયાં. પ્રાતઃ સંધ્યાથી પૂર્વ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com