________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૮ તેંતાળીસમું પર્વ
પદ્મપુરાણ આ લક્ષ્મણ આવ્યા. કેસરનો જેના શરીરે લેપ કર્યો છે, નાના પ્રકારની સુંદર માળા પહેરી અને એક અદભુત ખગ લઈને આવે છે. કેસરી સિંહથી જેવો પર્વત શોભે તેવા તે ખગથી શોભે છે. તે વખતે જેમનું મન આશ્ચર્ય પામ્યું છે એવા રામે અત્યંત હર્ષ પામીને, ઊઠીને, લક્ષ્મણને હૃદય સાથે ચાંપ્યા અને બધો વૃત્તાંત પૂછયો. લક્ષ્મણે બધી વાત કરી અને પોતે જાતજાતની વાતો કરતા ભાઈ સાથે સુખપૂર્વક બેઠા. શંબૂકની માતા ચંદ્રનના પ્રતિદિન એક જ વાર અન્નનું ભોજન લાવતી હતી. તેણે બીજે દિવસે આવીને જોયું તો વાંસનું વૃક્ષ કપાયેલું પડ્યું હતું. ત્યારે તે વિચારવા લાગી કે આ મારા પુત્રે સારું ન કર્યું.
જ્યાં આટલા દિવસ રહ્યો અને વિદ્યા સિદ્ધ થઈ તે જ વૃક્ષને કાપ્યું તે યોગ્ય નથી. હવે વન છોડીને તે ક્યાં ગયો? આમતેમ જોયું તો અસ્ત પામેલ સૂર્યના મંડળ સમાન કુંડળ સહિત મસ્તક પડ્યું છે, જે જોઈને તેને મૂર્છા આવી ગઈ. તે મૂર્છાએ તેના ઉપર પરમ ઉપકાર કર્યો, નહિતર પુત્રના મરણથી એ કેવી રીતે જીવત? થોડી વાર પછી તે જાગ્રત થઈ અને હાહાકાર કરવા લાગી. પુત્રનું કપાયેલું મસ્તક જોઈને તેણે શોકથી અત્યંત વિલાપ કર્યો. આંખો આંસુથી ભરાઈ ગઈ. એકલી વનમાં હરણીની પેઠે પોકારવા લાગી કે અરે પુત્ર! બાર વર્ષ અને ચાર દિવસ અહીં પસાર થઈ ગયા તેમ બીજા ત્રણ દિવસ કેમ પસાર ન થયા? તારું મરણ ક્યાંથી આવ્યું? અરેરે, પાપી કાળ! મેં તારું શું બગાડયું હતું કે મારી આંખોના તારા એવા પુત્રનો તત્કાળ નાશ કર્યો? મેં પાપિણીએ પરભવમાં કોઈનો બાળક હણ્યો હશે તેથી મારો પુત્ર હણાઈ ગયો. હે પુત્ર! મારું દુઃખ મટાડનાર એક શબ્દ તો મોઢામાંથી બોલ. હે વત્સ! આવ, તારું મનોહર રૂપ મને દેખાડ. આવી માયારૂપ અમંગળ ક્રિીડા કરવી તારા માટે યોગ્ય નથી. અત્યાર સુધી તે કદી માતાની આજ્ઞા લીપી નથી. હવે વિના કારણે આ વિનયના લોપનું કાર્ય કરવું તારા માટે યોગ્ય નથી. ઇત્યાદિ વિકલ્પોથી વિચારવા લાગી કે નિઃશંકપણે મારો પુત્ર પરલોકમાં ગયો છે. વિચાર્યું હતું કાંઈક જુદું અને થયું કાંઈક જુદું આ વિચારમાં નહોતી તેવી વાત બની છે. હું પુત્ર! જો તું જીવતો હોત અને તે સૂર્યહાસ ખલ્ગ સિદ્ધ કર્યું હોત તો જેમ ચંદ્રહાસના ધારક રાવણ સન્મુખ કોઈ આવી શકતું નથી તેમ તારી સન્મુખ કોઈ ન આવી શકત. જાણે કે ચંદ્રહાસે મારા ભાઈના હાથમાં સ્થાન લીધું તે આપણા વિરોધી તારા હાથમાં સૂર્યહાસ ન જોઈ શક્યા. અરે, તું ભયાનક વનમાં એકલો, નિર્દોષ, નિયમનો ધારક હતો. તને મારવા માટે જેના હાથ ચાલ્યા તે એવો પાપી ખોટો દુશ્મન કોણ હશે કે જે દુષ્ટ તને હણ્યો ? હવે તે જીવતો રહીને ક્યાં જશે? આ પ્રમાણે વિલાપ કરતી પુત્રનું મસ્તક ગોદમાં લઈ ચૂમવા લાગી. માણેક જેવા લાલ જેના નેત્ર છે તે પછી શોક ત્યજી ક્રોધરૂપ થઈ શત્રુને મારવા દોડી. ચાલતી ચાલતી તે જ્યાં બેય ભાઈ બિરાજતા હતા ત્યાં આવી. બન્ને ભાઈ અત્યંત રૂપાળા, મનને મોહ ઉત્પન્ન કરવાના કારણ, તેમને જોઈને તેનો પ્રબળ ક્રોધ તરત જતો રહ્યો, તત્કાળ રાગ ઉપજ્યો, મનમાં વિચારવા લાગી કે આ બેમાંથી જે મને ઇચ્છે તેનું હું સેવન કરીશ. આમ વિચારી તત્કાળ કામાતુર થઈ. જેમ કમળના વનમાં હંસલી મોહિત થાય, મોટા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com