________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૬ એકતાળીસમું પર્વ
પદ્મપુરાણ છે તેમ તે મુનિઓની આગળ નૃત્ય કરવા લાગ્યું. મહામુનિ વિધિપૂર્વક પારણું કરીને વૈડૂર્યમણિ સમાન શિલા ઉપર બિરાજ્યા. પદ્મરાગમણિ સમાન છે નેત્ર જેનાં એવું પક્ષી પાંખ સંકોચીને મુનિઓનાં ચરણોને પ્રણામ કરીને આગળ બેઠું. ત્યારે શ્રી રામ ખીલેલા કમળ જેવાં નેત્રોથી પક્ષીને પ્રકાશરૂપ જોઈને પોતે ખૂબ આશ્ચર્ય પામ્યા. તેમણે સાધુઓનાં ચરણોને નમસ્કાર કરીને પૂછયું. કેવા છે સાધુ? અઠ્ઠાવીસ મૂળ ગુણ અને ચોરાસી લાખ ઉત્તરગુણ જેમનાં આભૂષણ છે તેમને રામે વારંવાર પક્ષી તરફ જતાં પૂછયું, હે ભગવન્! આ પક્ષી પૂર્વ અવસ્થામાં અત્યંત કુરૂપ હતું, તે ક્ષણમાત્રમાં સુવર્ણ અને રત્નોની મૂર્તિ બની ગયું, આ અશુચિ એવા માંસનું ભક્ષણ કરનાર દુષ્ટ ગીધ પક્ષી, આપનાં ચરણોની પાસે બેસીને અત્યંત શાંત થઈ ગયું એનું કારણ શું? ત્યારે સુગુપ્તિ નામના મુનિએ કહ્યું હે રાજન ! પહેલાં આ સ્થળે દંડક નામનો સુંદર દેશ હતો. તેમાં અનેક ગ્રામ, નગર, પટ્ટણ, સંવાહન, મટુંબ, ઘોષ, ખેટ, કર્વટ અને દ્રોણમુખની રચના હતી. જેની ચારે બાજુ વાડ હોય તેને ગ્રામ કહે છે. કોટ, ખાઈ, દરવાજાથી રક્ષિત હોય તે નગર કહેવાય. જ્યાં રત્નોની ખાણ હોય તે પટ્ટણ કહેવાય. પર્વતોની ઉપર હોય તે સંવાહન. જેની સાથે પાંચસો ગામ જોડાયેલાં હોય તેને મટુંબ કહે છે. ગાયોનો નિવાસ અને ગોવાળોના આવાસ હોય તે ઘોષ. જેની આગળ નદી વહેતી હોય તે ખેટ અને જેની પાછળ પર્વત હોય તે કર્વટ. તથા સમુદ્રની સમીપે હોય તે દ્રોણમુખ ઇત્યાદિ અનેક રચનાથી શોભતો દેશ હતો. ત્યાં કર્ણકુંડળ નામના અતિમનોહર નગરમાં આ પક્ષીનો જીવ દંડક નામનો રાજા હતો. તે પ્રતાપી, પ્રચંડ પરાક્રમી, જેણે શત્રુરૂપી કાંટાઓ ભાંગી નાખ્યા છે એવો મહામાની, મોટી સેનાનો સ્વામી હતો. તે મૂઢ અધર્મની શ્રદ્ધાથી પાપરૂપ મિથ્યા શાસ્ત્રનું સેવન કર્યું, જેમ કોઈ ઘી મેળવવા પાણીને વલોવે તેવો એ પ્રયત્ન હતો. તેની સ્ત્રી દંડી જાતના સંન્યાસીની ભક્ત હતી. તેમના પ્રત્યે રાણીને ખૂબ અનુરાગ હતો. તેના સંગથી રાજા પણ તેના માર્ગે ચાલ્યો. સ્ત્રીઓને વશ થયેલો પુરુષ શું શું નથી કરતો? એક દિવસ એ નગરની બહાર નીકળ્યો અને ત્યાં વનમાં કાયોત્સર્ગ કરીને ધ્યાનમાં બેઠેલા એક મુનિને જોયા. ત્યારે આ નિર્દય રાજાએ મુનિના ગળાની આસપાસ એક મરેલો સાપ નાખ્યો. તે પાષાણ સમાન કઠોર ચિત્તવાળો હતો. તે મુનિએ ધ્યાન ધરી, મૌન રહી એવી પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી કોઈ મારા કંઠમાંથી સર્પ દૂર નહિ કરે ત્યાં સુધી હું હલનચલન નહિ કરું, યોગરૂપ જ રહીશ. પછી કોઈએ સર્પ દૂર ન કર્યો, મુનિ ઊભા જ રહ્યા. કેટલાક દિવસો પછી રાજા તે જ માર્ગ નીકળ્યો. તે જ સમયે કોઈ ભલા મનુષ્ય સર્પને કાઢયો અને મુનિની પાસે બેઠો. રાજાએ તે મનુષ્યને પૂછયું કે મુનિના ગળામાંથી સાપ કોણે કાઢયો અને ક્યારે કાઢયો? તેણે જવાબ આપ્યો કે હે નરેન્દ્ર! કોઈ નરકગામીએ ધ્યાનારૂઢ મુનિના કંઠમાં મરેલો સાપ નાખ્યો હતો, તે સર્પના સંયોગથી સાધુનું શરીર અત્યંત ખેદખિન્ન થયું હતું એમણે તો કોઈ ઉપાય કર્યો નહિ, આજે એ સર્પ મેં દૂર કર્યો છે. ત્યારે રાજા મુનિને શાંતસ્વરૂપ, કષાયરહિત જાણીને પ્રણામ કરીને પોતાના સ્થાનકે ગયો. તે દિવસથી તે મુનિઓની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com