________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ ઓગણચાળીસમું પર્વ
૩૩૯ રત્નરથ શ્રીપ્રભા નામની લક્ષ્મી સમાન એક રાજપુત્રી પરણ્યો. અનુધરને તેની સાથે પરણવાની ઇચ્છા હતી. અનુધરને રત્નરથ સાથે પૂર્વજન્મનું વેર તો હતું જ અને અહીં નવું વેર થયું. તેથી અનુધર રત્નરથની પૃથ્વી ઉજ્જડ કરવા લાગ્યો. ત્યારે રત્નરથ અને વિચિત્રરથ બન્ને ભાઈઓએ અનુધરને યુદ્ધમાં જીતી દેશ નિકાલ કર્યો. તે દેશનિકાલ થવાથી અને પૂર્વના વેરથી અત્યંત ગુસ્સે થઈ જટા અને વલ્કલધારી તાપસી થયો. તેનામાં વિષવૃક્ષ સમાન વિષય કષાય ભર્યા હતા. રત્નરથ અને વિચિત્રરથ અત્યંત તેજસ્વી હતા. તે ચિરકાળ રાજ્ય ભોગવી, મુનિ થઈ, તપ કરી સ્વર્ગમાં દેવ થયા. ત્યાં મહાસુખ ભોગવી, આયુષ્ય પૂર્ણ થતાં સિદ્ધાર્થનગરના રાજા ક્ષેમંકરની રાણી વિમળાના પેટે દેશભૂષણ, કુલભૂષણ નામના પુત્ર જન્મ્યા. તે વિદ્યા મેળવવા માટે ઘરમાં ઉચિત કીડા કરતા રહ્યા. તે વખતે સાગરઘોષ નામના પંડિત અનેક દેશોમાં ભ્રમણ કરતાં કરતાં ત્યાં આવ્યા. રાજાએ પંડિતને ખૂબ આદર આપ્યો અને બેય પુત્રોને ભણવા તેમની પાસે મૂક્યા. વિનયી એવા તેમણે બધી કળા શીખી લીધી. તેઓ માત્ર એક વિદ્યાગુરુને જાણતા અને વિદ્યાને જાણતા. બીજા કોઈ કુટુંબીને જાણતા નહિ. તેમને વિદ્યાભ્યાસ કરવો એ એક જ કાર્ય હતું. વિદ્યાગુરુ પાસેથી તે અનેક વિદ્યા શીખ્યા. સર્વ કળાના પારગામી થઈ પિતા પાસે આવ્યા. પિતા તેમને મહાવિદ્વાન અને સર્વ કળામાં નિપુણ જોઈને પ્રસન્ન થયા. પંડિતને મનવાંછિત દાન આપ્યું. એ દેશભૂષણ-કુળભૂષણ અમે છીએ. કુમાર અવસ્થામાં અમે સાંભળ્યું કે પિતાજીએ અમારા વિવાહ માટે રાજકન્યાનું માગું કર્યું છે. આ વાત સાંભળી તેની શોભા જોવા અમે નગરબહાર જવા તૈયાર થયા. અમારી બહેન કમલોત્સવા કન્યા ઝરૂખામાં બેસી નગરની શોભા જતી હતી. અમે તો વિધાનો અભ્યાસ જ કર્યો હતો, અમે તો કોઈને દેખ્યા, જોયા નહોતા. આ અમારી બહેન છે એ અમે જાણતા નહોતા. એ અમારી માગણીની કન્યા છે એમ માનીને અમારું ચિત્ત વિકારરૂપ થયું. બન્ને ભાઈઓનાં ચિત્ત ચળ્યાં હતાં. બન્ને પરસ્પર વિચારવા લાગ્યા કે તેને હું પરણીશ. બીજો ભાઈ તેને પરણવા ઇચ્છશે તો તેને મારીશ. તેથી બન્નેના ચિત્તમાં વિકારભાવ અને નિર્દયભાવ થયો. તે જ વખતે બંદીજનોનાં મુખમાંથી એવો અવાજ સંભળાયો કે રાજા ક્ષેમંકર વિમળારાણી સહિત જયવંત હો. જેમના બે પુત્રો દેવ સમાન છે અને આ ઝરૂખામાં બેઠેલી તેમની બહેન કમલોત્સવા છે. બન્ને વીર મહાગુણવાન છે અને બહેન મહાન ગુણવંતી છે. આવાં સંતાન પુણ્યાધિકારીને જ હોય છે. આ શબ્દો અમે સાંભળ્યા અને વિચાર આવ્યો કે અહો, જુઓ મોહકર્મની દુષ્ટતા !! અમને અમારી બહેન પ્રત્યે અભિલાષા જાગી. આ સંસાર અસાર અને દુ:ખથી ભરેલો છે, અરેરે ! અહીં એવા ભાવ ઉપજે છે કે પાપના યોગથી મરીને પ્રાણી નરકમાં જાય અને અત્યંત દુ:ખ ભોગવે છે. આમ વિચારતાં અમને જ્ઞાન પ્રગટ થયું અને વૈરાગ્યના ઉદ્યમી થયા. માતાપિતા સ્નેહથી વ્યાકુળ થયા. પરંતુ અમે બધા પ્રત્યેની મમતા છોડીને દિગંબરી દીક્ષા અંગીકાર કરી. અમને આકાશગામિની રિદ્ધિ પ્રાપ્ત થઈ. અમે નાના પ્રકારનાં જિનતીર્થોમાં વિહાર કર્યો, તપ જ અમારું ધન હતું. અમારા પિતા રાજા ક્ષેમંકર, જે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com