________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકત્રીસમું પર્વ
૨૭૯ તમારું જ શરણ છે, એ ધન્યભાગ્ય છે કે તમારા જેવા તેને પતિ મળ્યા, આમ કહીને બહેનને છાતીએ લગાવી. માતા વિદેહા સીતાને હૃદય સાથે ચાપીને બોલી, હે પુત્રી! સાસુ-સુસરાની ખૂબ સેવા કરજે અને એવી રીતે કરજે કે આખા કુટુંબમાં તારી પ્રશંસા થાય. ભામંડળે સૌને બોલાવ્યા, જનકના નાના ભાઈ કનકને મિથિલાપુરીનું રાજ્ય સોંપી જનક અને વિદેહાને પોતાના સ્થાનકે લઈ ગયો. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હે મગધ દેશના અધિપતિ! તું ધર્મનું માહાસ્ય જો. જે ધર્મના પ્રસાદથી શ્રી રામદેવને સીતા સરખી સ્ત્રી મળી, જે રૂપે-ગુણે પૂર્ણ હતી, જેને વિધાધરોનો ઇન્દ્ર ભામંડળ જેવો ભાઈ હતી. વળી રામને લક્ષ્મણ જેવો ભાઈ, સેવક અને દેવાધિષ્ઠિત ધનુષ પણ રામે ચડાવ્યું. આ શ્રી રામનું ચરિત્ર-ભામંડળના મિલનનું વર્ણન જે નિર્મળ ચિત્તથી સાંભળે તેને મનવાંછિત ફળની સિદ્ધિ થાય અને શરીર નિરોગી થાય તેમ જ સૂર્ય સમાન પ્રભાવ પ્રાપ્ત કરે.
એ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં ભામંડળના મેળાપનું વર્ણન કરનાર ત્રીસમું પર્વ પૂર્ણ થયું.
*
*
*
એકત્રીસમું પર્વ (રાજા દશરથનું પૂર્વભવ શ્રવણથી સંસારથી વિરક્ત થવું). હવે રાજા શ્રેણિકે ગૌતમ સ્વામીને પૂછયું કે હે પ્રભો! જગતના હિતકારી, રાજા અનરણ્યના પુત્ર રાજા દશરથે પછી શું કર્યું તે કહો. તેમ જ શ્રી રામ-લક્ષ્મણનો સકળ વૃત્તાંત હું સાંભળવા ચાહું છું તો મને કૃપા કરીને કહો. આપનો યશ ત્રણ લોકમાં ફેલાઈ રહ્યો છે. ત્યારે મુનિઓના સ્વામી, મહાતપ તેજના ધારક ગૌતમ ગણધરે કહ્યું કે જેવું કથન શ્રી સર્વજ્ઞ વીતરાગદેવે કર્યું છે તે તું સાંભળ. જ્યારે રાજા દશરથ મુનિઓનાં દર્શનાર્થે ગયા ત્યારે તેમણે સર્વભૂતહિત સ્વામીને નમસ્કાર કરીને પૂછયું કે હે સ્વામી! મેં સંસારમાં અનંત જન્મ ધારણ કર્યા તેમાંથી કેટલાક ભવની વાત આપના પ્રસાદથી સાંભળીને સંસાર છોડવા ઈચ્છું છું. મુનિ દશરથને ભવ સાંભળવાનો અભિલાષી જાણીને કહેવા લાગ્યા કે હું રાજન્ ! સંસારનાં બધાં જીવ અનાદિકાળથી, કર્મોના સંબંધથી અનંત જન્મ-મરણ કરતાં દુ:ખ જ ભોગવતાં આવ્યાં છે. આ જગતમાં જીવોના કર્મની સ્થિતિ ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય ત્રણ પ્રકારની છે અને મોક્ષ સર્વમાં ઉત્તમ છે, જેને પંચમગતિ કહે છે તે અનંત જીવોમાંથી કોઈ એકને થાય છે, બધાને નહિ. આ પંચમગતિ કલ્યાણ કરનાર છે. ત્યાંથી ફરીથી આવાગમન થતું નથી. તે અનંત સુખનું સ્થાનક શુદ્ધ સિદ્ધપદ ઈન્દ્રિયવિષયરૂપ રોગોથી પીડિત મોહથી અંધ પ્રાણી પામી શકતો નથી. જે તત્ત્વાર્થશ્રદ્ધાનથી રહિત, વૈરાગ્યથી બહિર્મુખ છે અને હિંસાદિકમાં જેમની પ્રવૃત્તિ છે તેમને નિરંતર ચાર ગતિનું ભ્રમણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com