________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ બારમું પર્વ
૧૩૫ ભદ્ર! તું કોણ છે? તેણે પોતાના વિવાહ સુધીનું પોતાનું સર્વ વૃત્તાંત કહ્યું તે સાંભળીને પ્રભવ નિસ્તેજ થઈ ગયો, મનમાં અત્યંત ઉદાસ થયો. તે વિચારવા લાગ્યો, હાય! હાય! મેં આ કેવી પાપભાવના કરી? મિત્રની સ્ત્રી તો માતા સમાન છે. તેને કોણ ઈચ્છે? મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. આ પાપથી હું ક્યારે છૂટીશ? બને તો મારું શિર કાપી નાખું, કલંકયુક્ત જીવનથી શો ફાયદો? આમ વિચારી મસ્તક કાપવા માટે મ્યાનમાંથી ખગ કાઢયું. જેવો તે તલવારને ગળા પાસે લાવ્યો કે સુમિત્ર ઝરૂખામાંથી કૂવો, તેનો હાથ પકડી લીધો અને તેને મરતો બચાવ્યો. તેને છાતી સાથે લગાડીને કહેવા લાગ્યોઃ હે મિત્ર! શું તું આત્મઘાતનો દોષ નથી જાણતો? જે જીવ અવધિ પહેલાં પોતાના શરીરનો ઘાત કરે છે તે શુદ્ર મરીને નરકમાં પડે છે, અનેક ભવ અલ્પ આયુષ્યના ધારક થાય છે. આ આત્મઘાત નિગોદનું કારણ છે. આમ કહીને મિત્રના હાથમાંથી ખગ પડાવી લીધું. મધુર વચનોથી ખૂબ સંતોષ આપ્યો અને કહેવા લાગ્યો કે હે મિત્ર! અત્યારે આપણી વચ્ચે ગાઢ મૈત્રી છે તો આ મૈત્રી પરભવમાં રહે કે ન રહે. સંસાર અસાર છે. આ જીવ પોતાના કર્મના ઉદયથી ભિન્ન ભિન્ન ગતિમાં જાય છે. આ સંસારમાં કોણ કોનો મિત્ર અને કોણ કોનો શત્રુ છે? સદા એકસરખી દશા રહેતી નથી. એમ કહીને બીજે દિવસે રાજા સુમિત્ર મહામુનિ થયા અને આયુષ્ય પૂરું થતાં બીજા સ્વર્ગમાં ઈશાન ઇન્દ્ર થયા. ત્યાંથી ચ્યવીને મથુરાપુરીમાં રાજા હરિવહનની રાણી માધવીને પેટે મધુ નામનો પુત્ર થયો. હરિવંશરૂપ આકાશમાં ચંદ્રમા સમાન થયા, અને પ્રભવ સમ્યકત્વ વિના અનેક યોનિઓમાં ભ્રમણ કરી વિશ્વાવસુની સ્ત્રી જ્યોતિષમતીને પેટે શિખી નામનો પુત્ર થયો. તે દ્રવ્યલિંગી મુનિ થઈ મહાતપ કરી નિદાનના યોગથી અસુરોનો અધિપતિ ચમરેન્દ્ર થયો. તે અવધિજ્ઞાનથી પોતાના પૂર્વોભવો જાણી, સુમિત્ર નામના મિત્રના ગુણોનો વિચાર કરવા લાગ્યો. સુમિત્ર રાજાનું અતિ મનોજ્ઞ ચરિત્ર વીચારીને તેનું હૃદય પ્રીતિથી મોહિત થયું. તેણે મનમાં વિચાર્યું કે રાજા સુમિત્રા મહાગુણવાન, મારો પરમ મિત્ર હતો, સર્વ કાર્યોમાં સહાયક હતો. ચટશાળામાં અમે સાથે વિદ્યા મેળવી હતી, હું દરિદ્ર હતો અને તેણે મને પોતાના જેટલો વૈભવ આપ્યો હતો. દુષ્ટ ચિત્તવાળા મેં પાપીએ તેની સ્ત્રી પ્રત્યે ખોટા ભાવ કર્યા તો પણ તેને મારા પર દ્વેષ નહોતો કર્યો, તે સ્ત્રીને મારે ત્યાં મોકલી હતી, હું મિત્રની સ્ત્રીને માતા સમાન જાણી અતિઉદાસ થઈ મારું મસ્તક ખગથી કાપવા તૈયાર થયો ત્યારે તેણે પોતે જ મને રોક્યો હતો અને મે જિનશાસનની શ્રદ્ધા વિના મરીને અનેક દુઃખ ભોગવ્યાં, મોક્ષમાર્ગમાં પ્રવર્તનારા સાધુ પુરુષોની નિંદા કરી, કુયોનિમાં દુ:ખભોગવ્યા અને તે મિત્ર મુનિવ્રત ધારી બીજા સ્વર્ગમાં ઇન્દ્ર થયો, ત્યાંથી ચ્યવી મથુરાપુરીમાં રાજા હરિવાહનનો પુત્ર મધુવાહન થયો છે અને હું વિશ્વાવસુનો પુત્ર શીખી નામનો દ્રવ્યલિંગી મુનિ થઈ અસુરેન્દ્ર થયો છું. આમ વિચારી, ઉપકારથી ખેંચાયેલો, પ્રેમથી ભીંજાયેલા મનવાળો તે પોતાના ભવનમાંથી નીકળીને મધ્યલોકમાં આવ્યો. મધુવાન મિત્રને મળ્યો, મહારત્નોથી મિત્રનું પૂજન કર્યું, સહસ્ત્રાંત નામનું ત્રિશૂલ રત્ન આપ્યું મધુવાહન પણ ચમરેન્દ્રને જોઈને ખૂબ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com