________________
૧૬
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
ચિંતવનાઓ બહુ ઉત્તમ શરણ છે. દુઃખરૂપ અગ્નિથી તપ્તાયમાન થયેલા જીવોને શીતલ પદ્મવનની મધ્યમાં નિવાસ સમાન છે. પરમાર્થમાર્ગ દેખાડનારી છે. તત્ત્વનો નિર્ણય કરાવનારી છે. સમ્યક્ત્વ ઉત્પન્ન કરનારી છે. અશુભ ધ્યાનનો નાશ કરનારી છે. દ્વાદશ ચિંતવના સમાન આ જીવનું હિત કરનાર બીજું કંઈ નથી. બાર અંગનું રહસ્ય છે. એટલા માટે આ બાર ચિંતવનાઓમાંથી ભાવ સહિત હવે અનિત્ય અનુપ્રેક્ષાનું ચિંતવન કરીએ
છીએ.
દેવ, મનુષ્ય, નિર્વચ, એ સમસ્ત જોતજોતામાં પાણીના બિંદુની પેઠે અને ઝાકળના પુંજની પેઠે વિણી જાય છે, જોતજોતામાં વિલયમાન થઈ ચાલ્યા જાય છે. વળી આ બધાં રિદ્ધિ, સંપદા, પરિવાર, સ્વપ્ન સમાન છે. જેવી રીતે સ્વપ્નમાં જોયેલું પાછું નથી દેખાતું, તેવી રીતે વિનાશ પામે છે. આ જગતમાં ધન, યૌવન, જીવન, પરિવાર સમસ્ત ક્ષણભંગુર છે, એને સંસારી મિથ્યાર્દષ્ટિ જીવ, પોતાનું સ્વરૂપ, પોતાનું હિત જાણે છે. પોતાના સ્વરૂપની ઓળખાણ હોય તો પરને પોતાનું સ્વરૂપ કેમ માને ? સમસ્ત ઇંદ્રિયજનિત સુખ જે દૃષ્ટિગોચર દેખાય છે, તે ઇંદ્રધનુષ્યના રંગની પેઠે જોતજોતામાં નાશ થઈ જાય છે. યૌવનનું જોશ સંધ્યાકાળની લાલીની પેઠે ક્ષણ ક્ષણમાં વિનાશ પામે છે, એટલા માટે આ મારું ગામ, આ મારું રાજ્ય, આ મારું ઘર, આ મારું ધન, આ મારું કુટુંબ, એવા વિકલ્પ કરવા તે જ મહામોહનો પ્રભાવ છે, જે જે પદાર્થો આંખથી જોવામાં આવે છે, તે તે સમસ્ત નાશ પામશે, એની દેખવા-જાણવાવાળી ઇંદ્રિયો છે તે અવશ્ય નાશ પામશે. તે માટે આત્માના હિત માટે જ ઉતાવળે ઉદ્યમ કરો, જેમ એક જહાજમાં અનેક દેશના અને અનેક જાતિના માણસો ભેગા થઈ બેસે છે, પછી કિનારે જઈ નાના દેશ પ્રતિ ગમન કરે છે, તેમ કુળરૂપ જહાજમાં અનેક ગતિથી આવેલા પ્રાણી ભેગા થઈ વસે છે. પછી આયુષ્ય પૂરું થયે પોતપોતાના કર્માનુસાર ચારે ગતિમાં જઈ ઉત્પન્ન થાય છે; જે દેહથી સ્ત્રી, પુત્ર, મિત્ર, ભાઈ વગેરેની સાથે સંબંધ માની રાગી થઈ રહ્યો છે, તે દેહ અગ્નિથી ભસ્મ થશે, વળી માટી સાથે મળી જશે તથા જીવ ખાશે તો વિષ્ટા અને કૃમિકલેવરરૂપ થશે.એક એક પરમાણુ જમીન, આકાશમાં અનંત વિભાગરૂપે વીખરાઈ જશે; પછી ક્યાંથી મળશે? તેથી એનો સંબંધ પાછો પ્રાપ્ત નહીં થાય એમ નિશ્ચય જાણો. સ્ત્રી, પુત્ર, મિત્ર, કુટુંબાદિમાં મમતા કરી, ધર્મ બગાડવો તે મોટો અનર્થ છે. જે પુત્ર, સ્ત્રી, ભાઈ, મિત્ર, સ્વામી, સેવકાદિનાં એકઠાં થયેલ સુખથી જીવન ચાહો છો, તે સમસ્ત કુટુંબ શરદકાળનાં વાદળાંની જેમ વીખરાઈ જશે. આ સંબંધ આ વખતે દેખાય છે તે નહીં રહેશે, જરૂર વીખરાઈ જશે, એવો નિયમ જાણો. જે રાજ્યના અર્થે અને જમીનના અર્થે તથા હાટ, હવેલી, મકાન તથા આજીવિકાને અર્થે હિંસા, અસત્ય, કપટ, છળમાં પ્રવૃત્તિ કરો છો, ભોળાઓને ઠગો છો, પોતે જોરાવર થઈ નિર્બળને મારો છો, તે સમસ્ત પરિગ્રહનો સંબંધ તમારાથી જરૂર વિખુટો પડશે. અલ્પ જીવવાના નિમિત્તે, નરક, તિર્યંચ ગતિના અનંતકાળ પર્યંત અનંત દુ:ખના સંતાન ન ગ્રહણ કરો. એના સ્વામીપણાનું અભિમાન કરી અનેક ચાલ્યાં ગયાં. અને અનેક પ્રત્યક્ષ ચાલ્યાં જતાં જુઓ છો, માટે હવે તો મમતા છોડી, અન્યાયનો પરિહાર કરી, પોતાના આત્માના કલ્યાણ થવાના કાર્યમાં પ્રવર્તન કરો. ભાઈ, મિત્ર, પુત્ર, કુટુંબાદિક સાથે વસવું, તે જેમ ગ્રીષ્મઋતુમાં ચાર માર્ગની વચમાં એક વૃક્ષની છાયા નીચે અનેક દેશના વટેમાર્ગુ વિશ્રામ લઈ પોતપોતાને ઠેકાણે જાય છે,તેમ કુલરૂપ વૃક્ષની છાયામાં રોકાયેલ, કર્મને અનુકૂળ અનેક ગતિમાં ચાલ્યા જાય છે. જેનાથી પોતાની પ્રીતિ માનો છો તે પણ દરેક મતલબના છે. આંખના રાગ જેમ, ક્ષણ માત્રમાં પ્રીતનો રાગ નાશ પામે છે. જેમ એક વૃક્ષ વિષે પક્ષી પૂર્વે સંકેત કર્યા વિના જ આવી વસે છે, તેમ કુટુંબના માણસો સંકેત કર્યા વિના કર્મને વશ ભેળા થઈ વીખરે છે. એ સમસ્ત ધન, સંપદા, આજ્ઞા, ઐશ્વર્ય, રાજ્ય, ઇંદ્રિયોના વિષયોની સામગ્રી જોતજોતામાં અવશ્ય વિયોગને પ્રાપ્ત થશે. જુવાની મધ્યાહ્નની છાયાની પેઠે ઢળી જશે, સ્થિર નહીં રહેશે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્રાદિક તો અસ્ત થઈ