________________
http://www.ShrimadRajchandra.org
વ્યાખ્યાનસાર-૧
૭૩૯
(ઇ) આત્મજ્ઞાન ઉત્પન્ન થયું અથવા તો આત્મજ્ઞાન થયું, એ વાત અનુભવગમ્ય છે. તે આત્મજ્ઞાન ઉત્પન્ન થવાથી આત્મઅનુભવ થવા ઉપરાંત શું શું થવું જોઈએ એમ જે કહેવામાં આવ્યું છે તે બુદ્ધિબળથી કહેલું, એમ ધારી શકાય છે.
(ઈ) ઇંદ્રિયના સંયોગથી જે કંઈ દેખવું જાણવું થાય તે જોકે અનુભવગમ્ય સમાય છે ખરું, પરંતુ અહીં તો અનુભવગમ્ય આત્મતત્ત્વને વિષે કહેવાનું છે; જેમાં ઇંદ્રિયોની સહાયતા અથવા તો સંબંધની જરૂર છે નહીં, તે સિવાયની વાત છે. કેવળજ્ઞાની સહજ દેખી જાણી રહ્યા છે; અર્થાત્ લોકના સર્વ પદાર્થને અનુભવ્યા છે એમ જે કહેવામાં આવે છે તેમાં ઉપયોગનો સંબંધ રહે છે; કારણ કે કેવળજ્ઞાનીના તેરમા અને ચૌદમા ગુણસ્થાનક એવા બે વિભાગ કરવામાં આવ્યા છે, તેમાં તેરમા ગુણસ્થાનકવાળા કેવળજ્ઞાનીને યોગ છે એમ સ્પષ્ટ છે, અને જ્યાં એ પ્રમાણે છે ત્યાં ઉપયોગની ખાસ રીતે જરૂર છે, અને જ્યાં ખાસ રીતે જરૂર છે ત્યાં બુદ્ધિબળ છે એમ કહ્યા વિના ચાલે તેમ નથી; અને જ્યાં એ પ્રમાણે કરે છે ત્યાં અનુભવ સાથે બુદ્ધિબળ પણ ઠરે છે.
(ઉ) આ પ્રમાણે ઉપયોગ કરવાથી આત્માને જે જડ પદાર્થ નજીક છે તેનો તો અનુભવ થાય છે; પણ જે નજીક નથી અર્થાત્ જેનો યોગ નથી તેનો અનુભવ થવો એમ કહેવું એ મુશ્કેલીવાળું છે; અને તેની સાથે છેટેના પદાર્થનો અનુભવ ગમ્ય નથી એમ કહેવાથી કહેવાતા કેવળજ્ઞાનના અર્થને વિરોધ આવે છે, તેથી ત્યાં બુદ્ધિબળથી સર્વ પદાર્થનું, સર્વ પ્રકારે, સર્વ કાળનું જ્ઞાન થાય છે એમ ઠરે છે.
૫ એક કાળના કલ્પેલા સમય જે અનંત છે, તેને લઈને અનંતકાળ કહેવાય છે. તેમાંના વર્તમાનકાળ પહેલાંના જે સમય વ્યતીત થયા છે તે ફરીથી આવવાના નથી એ વાત ન્યાયસંપન્ન છે; તે સમય અનુભવગમ્ય શી રીતે થઈ શકે એ વિચારવાનું છે.
૨૬ અનુભવગમ્ય જે સમય થયા છે તેનું જે સ્વરૂપ છે તે તથા તે સ્વરૂપ સિવાય તેનું બીજું સ્વરૂપ થતું નથી, અને તે જ પ્રમાણે અનાદિ અનંત કાળના બીજા જે સમય તેનું પણ તેવું જ સ્વરૂપ છે; એમ બુદ્ધિબળથી નિર્ણીત થયેલું જણાય છે.
૨૭ આ કાળને વિષે જ્ઞાન ક્ષીણ થયું છે; અને જ્ઞાન ક્ષીણ થવાથી મતભેદ ઘણા થયા છે. જેમ જ્ઞાન ઓછું તેમ મતભેદ વધારે, અને જ્ઞાન વધુ તેમ મતભેદ ઓછા, નાણાંની પેઠે. જ્યાં નાણું ઘટ્યું ત્યાં કંકાસ વધારે, અને જ્યાં નાણું વધ્યું ત્યાં કંકાસ ઓછા હોય છે.
૨૮ જ્ઞાન વિના સમ્યકૃત્વનો વિચાર સૂઝતો નથી, મતભેદ ઉત્પન્ન નથી કરવી એવું જેના મનમાં છે તે જે જે વાંચે અથવા સાંભળે તે તે તેને ફળે છે. મતભેદાદિ કારણને લઈને શ્રુત-શ્રવણાદિ ફળતાં નથી.
૨૯ વાટે ચાલતાં એક ફાળિયું કાંટામાં ભરાયું અને રસ્તાની મુસાફરી હજી છે. તો બની શકે તો કાંટા દૂર કરવા, પરંતુ કાંટા કાઢવાનું ન બની શકે તો તેટલા સારુ ત્યાં રોકાઈ રાત ન રહેવું; પણ ફાળિયું મૂકી દઈ ચાલી નીકળવું, તેવી જ રીતે જિનમાર્ગનું સ્વરૂપ તથા તેનું રહસ્ય શું છે તે સમજ્યા વિના, અથવા તેનો વિચાર કર્યા વિના અલ્પ અલ્પ શંકાઓ માટે બેસી રહી આગળ ન વધવું તે ઉચિત નથી. જિનમાર્ગ ખરી રીતે જોતાં તો જીવને કર્મક્ષય કરવાનો ઉપાય છે, પણ જીવ પોતાના મતથી ગુંચાઈ ગયેલ છે.
܀܀܀܀܀