________________
૭૨૮
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
સંતોષ કરી ધર્મધ્યાન કરવું; છોકરાંછૈયાં વગેરે અન્યની ન જોઈતી ચિંતા કરવી નહીં. એક સ્થાનકે બેસી, વિચારી, સપુરુષના સંગે, જ્ઞાનીનાં વચન સાંભળી, વિચારીને ધન આદિની મર્યાદા કરવી.
બ્રહ્મચર્ય યથાતથ્ય રીતે તો કોઈ વિરલા જીવ પાળી શકે છે; તોપણ લોકલાજથી બ્રહ્મચર્ય પળાય તો તે ઉત્તમ છે.
મિથ્યાત્વ ગયું હોય તો ચાર ગતિ ટળે, સમકિત ન આવ્યું હોય અને બ્રહ્મચર્ય પાળે તો દેવલોક મળે, વાણિયો, બ્રાહ્મણ, પશુ, પુરુષ, સ્ત્રી આદિ કલ્પનાએ કરી ‘હું વાણિયો, બ્રાહ્મણ, પુરુષ, સ્ત્રી, પશુ છું' એમ માને છે. પણ વિચાર કરે તો પોતે તેમાંનો કોઈ નથી, 'મારું' સ્વરૂપ તેથી જુદું જ છે.
સૂર્યના ઉદ્યોતની પેઠે દિવસ ચાલ્યો જાય; તેમ અંજળિજળની માફક આયુષ ચાલ્યું જાય.
લાકડું કરવતથી વહેરાય તેમ આયુષ્ય ચાલ્યું જાય છે; તોય મૂર્ખ પરમાર્થ સાધતો નથી; ને મોહના જથ્થા ભેળા કરે છે.
“બધા કરતાં હું જગતમાં મોટો થાઉં' એવી મોટાઈ મેળવવાની તૃષ્ણામાં, પાંચ ઇંદ્રિયોને વિષે લયલીન, મદ્ય પીધો હોય તેની પેઠે, ઝાંઝવાના પાણીની માફક સંસારમાં જીવ ભમે છે; અને કુળ, ગામ, ગતિઓને વિષે મોહના નચાવવાથી નાચ્યા કરે છે !
આંધળો વણે ને વાછડો ચાવે તેની પેઠે અજ્ઞાનીની ક્રિયા નિષ્ફળ જાય છે.
'હું કર્તા' 'હું કરું છું' 'હું કેવું કરું છું ?' આદિ જે વિભાવ છે તે જ મિથ્યાત્વ. અહંકારથી કરી સંસારમાં અનંત દુઃખ પ્રાપ્ત થાય; ચારે ગતિમાં રઝળે,
કોઈનું દીધું દેવાતું નથી; કોઈનું લીધું લેવાતું નથી, જીવ ફોકટ કલ્પના કરી રઝળે છે. જે પ્રમાણે કર્મ ઉપાર્જન કરેલાં હોય તે પ્રમાણે લાભ, અલાભ, આયુષ, શાતા, અશાતા મળે છે. પોતાથી કાંઈ અપાતું લેવાતું નથી. અહંકારે કરી ‘મેં આને સુખ આપ્યું’; ‘મેં દુઃખ આપ્યું’; ‘મેં અન્ન આપ્યું' એવી મિથ્યા ભાવના કરે છે, ને તેને લઈને કર્મ ઉપાર્જન કરે છે. મિથ્યાત્વ કરી ખોટો ધર્મ ઉપાર્જન કરે છે.
જગતમાં આનો આ પિતા, આનો આ પુત્ર એમ કહેવાય છે; પણ કોઈ કોઈનું નથી. પૂર્વના કર્મના ઉદયે સઘળું બન્યું છે.
અહંકારે કરી જે આવી મિથ્યાબુદ્ધિ કરે છે તે ભૂલ્યા છે. ચાર ગતિમાં રઝળે છે; અને દુઃખ ભોગવે છે.
અધમાધમ પુરુષનાં લક્ષણોઃ- સાચા પુરુષને દેખી તેને રોષ ઉત્પન્ન થાય; તેનાં સાચાં વચન સાંભળી નિંદા કરે; ખોટી બુદ્ધિવાળા સાચી બુદ્ધિવાળાને દેખી રોષ કરે; સરળને મૂર્ખ કહે; વિનય કરે તેને ધનના ખુશામતિયા કહે; પાંચ ઇંદ્રિયો વશ કરી હોય તેને ભાગ્યહીન કહે: સાચા ગુણવાળાને દેખી રોષ કરે; સ્ત્રીપુરુષનાં સુખમાં લયલીન, આવા જીવો માઠી ગતિને પ્રાપ્ત થાય. જીવ કર્મને લઈને, પોતાનાં સ્વરૂપજ્ઞાનથી અંધ છે; તેને જ્ઞાનની ખબર નથી.
એક નાકને માટે, મારું નાક રહે તો સારું એવી કલ્પનાને લીધે પોતાનું શૂરવીરપણું દેખાડવા લડાઈમાં ઊતરે છે; નાકની તો રાખ થવાની છે !
દેહ કેવો છે ? રેતીના ઘર જેવો, મસાણની મઢી જેવો. પર્વતની ગુફાની માફક દેહમાં અંધારું છે. ચામડીને લીધે દેહ ઉપરથી રૂપાળો લાગે છે. દેહ અવગુણની ઓરડી, માયા અને મેલને રહેવાનું ઠેકાણું છે. દેહમાં પ્રેમ રાખવાથી જીવ રખડ્યો છે. તે દેહ અનિત્ય છે. બદફેલની ખાણ છે. તેમાં મોહ રાખવાથી જીવ ચારે ગતિમાં રઝળે છે, કેવા રઝળે છે ? ધાણીના બળદની માફક,