________________
http://www.ShrimadRajchandra.org
ઉપદેશ છાયા
૭૨૩
આખો દિવસ બળ્યા કરે છે. બાહ્ય ઉપયોગ તૃષ્ણાની વૃદ્ધિ થવાનું નિમિત્ત છે. જીવ મોટાઈને લીધે તૃષ્ણા વધારે છે. તે મોટાઈ રાખીને મુક્તપણું થતું નથી. જેમ બને તેમ મોટાઈ, તૃષ્ણા પાતળાં પાડવાં. નિર્ધન કોણ ? ધન માગે, ઇચ્છે તે નિર્ધન; જે ન માગે તે ધનવાન છે. જેને વિશેષ લક્ષ્મીની તૃષ્ણા તેની દુઃખધા, બળતરા છે, તેને જરા પણ સુખ નથી. લોક જાણે છે કે શ્રીમંત સુખી છે, પણ વસ્તુતઃ તેને રોમે રોમે બળતરા છે. માટે તૃષ્ણા ઘટાડવી.
આહારની વાત એટલે ખાવાના પદાર્થોની વાત તુચ્છ છે તે કરવી નહીં. વિહારની એટલે સ્ત્રી, ક્રીડા આદિની વાત ઘણી તુચ્છ છે. નિહારની વાત તે પણ ઘણી તુચ્છ છે. શરીરનું શાતાપણું કે દીનપણું એ બધી તુચ્છપણાની વાત કરવી નહીં. આહાર વિષ્ટા છે. વિચારો કે ખાધા પછી વિષ્ટા થાય છે. વિષ્ટા ગાય ખાય તો દૂધ થાય છે; ને વળી ખેતરમાં ખાતર નાખતાં અનાજ થાય છે. આવી રીતે ઉત્પન્ન થયેલ અનાજનો જે આહાર તેને વિષ્ટાતુલ્ય જાણી, તેની ચર્ચા ન કરવી. તે તુચ્છ વાત છે.
સામાન્ય જીવોથી સાવ મૌનપણે રહેવાય નહીં; ને રહે તો અંતરની કલ્પના મટે નહીં; અને જ્યાં સુધી કલ્પના હોય ત્યાં સુધી તેને માટે રસ્તો કાઢવો જ જોઈએ. એટલે પછી લખીને કલ્પના બહાર કાઢે, પરમાર્થકામમાં ખોલવું, વ્યવહારકામમાં પ્રયોજન વગર લવારી કરવી નહીં. જ્યાં કડાકૂટ થતી હોય ત્યાંથી દૂર રહેવું; વૃત્તિ ઓછી કરવી.
ક્રોધ, માન, માયા, લોભ મારે પાતળાં પાડવાં છે એવો જ્યારે લક્ષ થશે, જ્યારે એ લક્ષમાં થોડું થોડું પણ વર્તાશે ત્યાર પછી સહજરૂપ થશે. બાહ્ય પ્રતિબંધ, અંતર પ્રતિબંધ આદિ આત્માને આવરણ કરનાર દરેક દૂષણ જાણવામાં આવે કે તેને ખસેડવાનો અભ્યાસ કરવો, ક્રોધાદિ થોડે થોડે પાતળા પાડ્યા પછી સહજરૂપે થશે. પછી નિયમમાં લેવા માટે જેમ બને તેમ અભ્યાસ રાખવો અને તે વિચારમાં વખત ગાળવો; કોઈના પ્રસંગથી ક્રોધાદિ ઊપજવાનું નિમિત્ત ગણીએ છીએ તે ગણવું નહીં, તેને ગણકારવું નહીં; કેમકે પોતે ક્રોધ કરીએ તો થાય, જ્યારે પોતાના પ્રત્યે કોઈ ક્રોધ કરે, ત્યારે વિચાર કરવો કે તે બિચારાને હાલ તે પ્રકૃતિનો ઉદય છે; એની મેળે ઘડીએ, બે ઘડીએ શાંત થશે. માટે જેમ બને તેમ અંતર્વિચાર કરી પોતે સ્થિર રહેવું. ક્રોધાદિ કષાય આદિ દોષને હમેશાં વિચારી વિચારી પાતળા પાડવા. તૃષ્ણા ઓછી કરવી, કારણ કે તે એકાંત દુઃખદાયી છે. જેમ ઉદય હશે તેમ બનશે; માટે તૃષ્ણા અવશ્ય ઓછી કરવી. અંતર્વૃત્તિને આવરણ છે માટે બાહ્ય પ્રસંગો જેમ બને તેમ ઓછા કરતા રહેવું.
ચેલાતીપુત્ર કોઈનું માથું કાપી લાવ્યો હતો. ત્યાર બાદ જ્ઞાનીને મળ્યો; અને કહ્યું કે મોક્ષ આપ; નહીં તો માથું કાપી નાખીશ. પછી જ્ઞાનીએ કહ્યું કે બરાબર નક્કી કહે છે ? વિવેક (સાચાને સાચું સમજવું), શમ (બધા ઉપર સમભાવ રાખવો), અને ઉપશમ (વૃત્તિઓને બહાર જવા દેવી નહીં અને અંતવૃત્તિ રાખવી) વિશેષ વિશેષ આત્મામાં પરિણમાવવાથી આત્માનો મોક્ષ થાય છે.
કોઈ એક સંપ્રદાયવાળા એમ કહે છે કે વેદાંતવાળાની મુક્તિ કરતાં, એ ભ્રમદશા કરતાં ચાર ગતિ સારી; સુખદુઃખનો પોતાનો અનુભવ તો રહે.
વેદાંતવાળા બ્રહ્મમાં સમાઈ જવારૂપ મુક્તિ માને છે. તેથી ત્યાં પોતાને પોતાનો અનુભવ રહેતો નથી. પૂર્વમીમાંસક દેવલોક માને છે. ફરી જન્મ, અવતાર થાય એવો મોક્ષ માને છે. સર્વથા મોક્ષ થતો નથી, થતો હોય તો બંધાય નહીં, બંધાય તો છૂટે નહીં. શુક્રિયા કરે તેનું શુભફળ થાય, પાછું સંસારમાં આવવું-જવું થાય એમ સર્વથા મોક્ષ ના થાય - એવું પૂર્વમીમાંસકો માને છે.
સિદ્ધમાં સંવર કહેવાય નહીં, કેમકે ત્યાં કર્મ આવતું નથી, એટલે પછી રોકવાનું પણ હોય નહીં. મુક્તને વિષે સ્વભાવ સંભવે, એક ગુણથી, અંશથી તે સંપૂર્ણ સુધી. સિદ્ધદશામાં સ્વભાવસુખ પ્રગટ્યું. કર્મનાં આવરણો મટ્યાં એટલે સંવર, નિર્જરા હવે કોને રહે ? ત્રણ યોગ પણ